ખાલિસ્તાનીઓને ટેકો આપીને હવે કેમ પસ્તાવા લાગ્યું કેનેડા? ભારતીયોની સલામતી માટે સરકાર હરકતમાં!

કેનેડાના પબ્લિક સેફ્ટી મંત્રાલયે કરેલા ટ્વિટમાં જણાવાયું છે કે, કેનેડામાં નફરત માટે કોઈ જગ્યા નથી. હિંદુઓને કેનેડા છોડવા જણાવતો વાયરલ વીડિયો અપમાનજનક અને દ્વેષપૂર્ણ છે. તે કેનેડાના તમામ લોકો અને મૂલ્યો માટે અપમાનજનક છે.

ખાલિસ્તાનીઓને ટેકો આપીને હવે કેમ પસ્તાવા લાગ્યું કેનેડા? ભારતીયોની સલામતી માટે સરકાર હરકતમાં!

ઝી બ્યુરો/નવી દિલ્હી: ભારત અને કેનેડાના સંબંધોમાં આવેલી કડવાશ હજુ યથાવત્ છે. કેનેડાએ વિવાદ ઉકેલવા માટે અત્યાર સુધી સામેથી કોઈ પહેલ નથી કરી. ભારત સાથેના વિવાદ અને કેનેડામાં ભારતીયોની સલામતી માટે કેનેડા સરકાર હવે હરકતમાં આવી છે. અત્યાર સુધી ભારત આ બંને મુદ્દા પર મોઢું સિવી રાખ્યા બાદ કેનેડા સરકારે સ્વીકાર્યું છે કે ખાલિસ્તાની તત્વો હિંદુ સમુદાયને ધમકીઓ આપી રહ્યા છે. સાથે જ કેનેડા સરકારે આતંકી તત્વોને ગર્ભિત ચેતવણી પણ આપી છે.  

કેનેડાના પબ્લિક સેફ્ટી મંત્રાલયે કરેલા ટ્વિટમાં જણાવાયું છે કે, કેનેડામાં નફરત માટે કોઈ જગ્યા નથી. હિંદુઓને કેનેડા છોડવા જણાવતો વાયરલ વીડિયો અપમાનજનક અને દ્વેષપૂર્ણ છે. તે કેનેડાના તમામ લોકો અને મૂલ્યો માટે અપમાનજનક છે. ટ્વિટમાં વધુમાં જણાવાયું છે કે આક્રમકતા, નફરત, ધાકધમકી કે ભયને ઉશ્કેરતા કૃત્યો માટે આ દેશમાં કોઈ સ્થાન નથી, તે ફક્ત લોકોનું વિભાજન કરે છે. અમે તમામ કેનેડિયનોને એક બીજાનો આદર કરવા અને કાયદાના શાસનને માન આપવા વિનંતી કરીએ છીએ. કેનેડિયનો તેમના સમુદાયોમાં સલામતી અનુભવવાને પાત્ર છે.

આ ટ્વિટમાં જે વાયરલ વીડિયોનો ઉલ્લેખ કરાયો છે, તે વીડિયો ભારતે આતંકી જાહેર કરેલા ગુરુપતવંત સિંહ પન્નૂનો છે, જેમાં તેણે કેનેડામાં વસતા ભારતીયોને પોતાના દેશ પરત જવાની ધમકી આપી હતી. ખાલિસ્તાન સમર્થક પન્નૂ કેનેડામાં વસતા હિંદુ સમુદાય પર હુમલામાં પણ સંડોવાયેલો છે. જો કે અહીં એ વાત નોંધવા જેવી છે કે કેનેડાના પબ્લિક સેફ્ટી મંત્રાલયે પોતાના ટ્વિટમાં આવા આતંકી તત્વો સામે કાર્યવાહી કરવાની કોઈ વાત નથી કરી. જે પોતાનામાં ઘણું સૂચક છે. પ્રધાનમંત્રી જસ્ટીન ટ્રુડોએ પણ આ અંગે કોઈ ફોડ નથી પાડ્યો. 

કેનેડામાં આતંકીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે, ભારતીયોને ધમકી આપી રહ્યા છે, તેમ છતા ટ્રુડો સરકાર ચૂપ છે. આવતા વર્ષે કેનેડામાં સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે, ત્યારે સતત ત્રીજી ટર્મ સત્તામાં ટકી રહેવા ટ્રુડો ખાલિસ્તાની તત્વોને પંપાળી રહ્યા છે. જેનું પરિણામ ટ્રુડોને મળવાની શરૂઆત થઈ ચૂકી છે. કેનેડામાં ચૂંટણી પહેલા પ્રધાનમંત્રી પદના ઉમેદવાર માટે થયેલા સર્વેમાં સામે આવ્યું છે કે ત્યાંના લોકો પ્રધાનમંત્રી પદે વિપક્ષ કન્ઝરવેટિવ પાર્ટીના નેતા પિયરી પોઈલીવરને જોવા માગે છે. જ્યારે ટ્રુડો આ સર્વેમાં બીજા ક્રમે છે. આ સર્વે જ ટ્રુડોને અકળાવી રહ્યો છે. 

કેનેડામાં પાકિસ્તાનના ફંડિંગ અને કેનેડા સરકારના સમર્થનથી ઉછળતા ખાલિસ્તાનીઓની સક્રિયતા ભારત માટે જોખમી છે. આ જ કારણ છે કે ભારતે કેનેડા સામે ત્રણ દિવસમાં ત્રણ મોટા પ્રહાર કર્યા છે. પહેલાં તો ભારતે કેનેડાના ઉચ્ચ રાજદૂતની દેશમાંથી હકાલપટ્ટી કરી હતી. ત્યારબાદ કેનેડામાં વસતા ભારતીયોની સલામતી માટે એડવાઈઝરી જાહેર કરી અને પછી કેનેડાના નાગરિકોને ભારતે વિઝા આપવાનું બંધ કર્યું છે. ભારત સરકારે એ સ્પષ્ટ નથી કર્યું કે વિઝા પરનો પ્રતિબંધ ક્યાં સુધી અમલમાં રહેશે. આ માટે સરકારની એક જ શરત છે.

ભારત સરકારે કેનેડાને વધુ એક સૂચના પણ આપી છે. વિદેશ મંત્રાલયે કેનેડા સરકારને દિલ્લીના દૂતાવાસના સ્ટાફમાં ઘટાડો કરવા કહ્યું છે, આ માટે ભારતના વિદેશ મંત્રાલયે એવું કારણ આપ્યું છે કે કેનેડાના દૂતાવાસમાં ભારતના દૂતાવાસ કરતા વધુ સ્ટાફ છે. એટલે કે સ્ટાફમાં સંતુલન જરૂરી છે. ભારત અને કેનેડાના સંબંધોના મુદ્દે હાલ એક મોટો પ્રશ્નાર્થ સર્જાયો છે. આ પરિસ્થિતિનો ઉકેલ બંને દેશો વચ્ચે વાટાઘાટોથી આવી શકે છે. વાટાઘાટો ક્યારે થાય છે અને કોણ તેના માટે પહેલ કરે છે, તે જોવું રહેશે.

ભારત સાથેના તણાવ દરમિયાન પ્રધાનમંત્રી ટ્રુડો યુએનની બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા હતા, ત્યાં તેમણે પત્રકારોના સવાલના જવાબમાં ભારતને મહત્વનો દેશ ગણાવ્યો. સાથે જ એમ પણ કહ્યું કે તેઓ ભારતને ઉકસાવી નથી રહ્યા, જો કે આતંકી નિજ્જરની હત્યાની તપાસમાં ભારતના સહયોગની માગ કરીને તેઓ સંબંધોને ગૂંચવી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news