Corona Vaccine: રસી માટે કાચા માલના સપ્લાય પર લાગેલી રોક હટાવવા મુદ્દે અમેરિકાએ કહ્યું-'હાલ ભારત માટે કશું નથી'
કોરોના રસી માટે જરૂરી કાચા માલની આપૂર્તિ પર લાગેલી રોક હટાવવાના સવાલ પર અમેરિકાનો જવાબ આવ્યો છે.
Trending Photos
વોશિંગ્ટન: કોરોના રસી માટે જરૂરી કાચા માલની આપૂર્તિ પર લાગેલી રોક હટાવવાના સવાલ પર અમેરિકાનો જવાબ આવ્યો છે. જો બાઈડન પ્રશાસન તરફથી કહેવાયું છે કે અમેરિકા ભારતની જરૂરિયાતોને સમજે છે પરંતુ હાલ તેના હાથ બંધાયેલા છે. જ્યારે વ્હાઈટ હાઉસને આ અંગે સવાલ કરવામાં આવ્યો તો પ્રેસ સેક્રેટરી જેન પાસ્કીએ સીધો જવાબ આપતા બસ એટલું જ કહ્યું કે અમે ભારતની જરૂરિયાતોને સમજીએ છીએ. આ બાજુ કોવિડ-19 રિસ્પોન્સ ટીમના વરિષ્ઠ સલાહકાર અને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ એલર્જી એન્ડ ઈન્ફેક્શન્સ ડિસિઝના ડાઈરેક્ટર ડો એન્થની ફોસીએ કહ્યું કે હાલ અમારી પાસે ભારત માટે કશું નથી.
અદાર પૂનાવાલાએ કરી હતી અપીલ
ડો.એન્થની ફોસીએ ફારતમાં કોવિશીલ્ડ રસી તૈયાર કરનારા સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાની અપીલ અંગે પૂછવામાં આવ્યું હતું. પૂનાવાલાએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનને કાચા માલની આયાતના નિયમોમાં ઢીલ આપવાની ભલામણ કરી હતી. જેથી કરીને ભારતની જરૂરિયાતોને પૂરી કરી શકાય. જેના પર ડો.ફોસીએ કહ્યું કે 'હાલ અમારી પાસે પૂનાવાલાની માગણી પૂરી કરવા માટે કશું નથી.' આ અગાઉ અમેરિકી સરકારે સ્વીકાર્યું કે ઘરેલુ કંપનીઓ તરફથી પહેલા પોતાના નાગરિકોને પ્રાથમિકતા આપવા સંબંધિત નીતિ હેઠળ આમ બન્યું છે.
Sandhu સતત ઉઠાવી રહ્યા છે મુદ્દો
અમેરિકામાં ભારતના રાજદૂત તરનજીત સિંહ સંધુ સતત આ મુદ્દો અમેરિકી અધિકારીઓ સમક્ષ ઉઠાવી રહ્યા છે. તેમણે અમેરિકી પ્રશાસનને ભારતની સ્થિતિથી અવગત કરાવતા કાચા માલની જેમ બને તેમ જલદી આપૂર્તિ કરવાની માગણી કરી છે. આ બાજુ સૂત્રોએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું છે કે રસી સંબંધિત કાચા માલની નિકાસ પર કોઈ પણ પ્રકારની રોક નથી. કંપનીઓએ પહેલા સ્થાનિક જરૂરિયાતોને પૂરી કરવાની છે ત્યારબાદ જ તે નિકાસ સંબંધિત નિર્ણય લઈ શકે છે. અમેરિકી સરકાર સંલગ્ન સૂત્રોના જણાવ્યાં મુજબ બાઈડેન પ્રશાસને ભારતને આશ્વાસન આપ્યું છે કે જેમ બને તેમ જલદી આ સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરાશે.
અનેક દેશોમાં કાચા માલની અછત
વાત જાણે એમ છે કે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના સંકટને ધ્યાનમાં રાખીને ડિફેન્સ પ્રોડક્શન એક્ટ લાગુ કર્યો હતો. જેના કારણે અમેરિકી કંપનીઓએ પહેલા પોતાના દેશની જરૂરિયાતોને પૂરી કરવા પર ફોકસ કરવું પડે છે. આ એક્ટના કારણે કંપનીઓએ દવાઓથી લઈને પીપીઈ કિટ સુધીના નિર્માણમાં અમેરિકા ફર્સ્ટની નીતિને અપનાવી છે. રાષ્ટ્રપતિ જો બાઈડને પણ ટ્રમ્પના આ નિર્ણયને લાગુ રાખ્યો છે. અમેરિકા ફાઈઝર અને મોર્ડના રસીના ઉત્પાદનમાં તેજી લાવી રહ્યું છે. જેનું કારણ એ છે કે 4 જુલાઈ સુધીમાં સમગ્ર નાગરિકોને રસી આપી દેવાનો લક્ષ્યાંક છે. પરિણામે ભારત સહિત અનેક દેશોમાં રસીના ઉત્પાદન માટે જરૂરી કાચા માલની અછત જોવા મળી રહી છે.
રસીનું ઉત્પાદન વધશે
કોરોનાની વધતી દહેશત વચ્ચે દેશમાં 1 મેથી 18 વર્ષની ઉપરના તમામ લોકોને કોરોનાની રસી આપવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી હાઈલેવલની મીટિંગમાં આ નિર્ણય લેવાયો. અત્યાર સુધી 45 વર્ષથી ઉપરના લોકોને કોરોનાની રસી આપવામાં આવી રહીહતી. કોરોના સંક્રમણની વધતી રફતારને રોકવા માટે સરકાર જલદી જલદી બધાને રસી આપવા માંગે છે. આથી રસીનું ઉત્પાદન પણ ઝડપી બનાવવાનું રહેશે. પરંતુ કાચા માલની અછત તેમાં બાધા નાખી શકે છે. આ જ કારણ છે કે ભારતે અમેરિકા પાસે કાચા માલની આપૂર્તિ પર લાગેલી રોકને હટાવવાની ભલામણ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે