VIDEO : 'પોપ બેન્ડ'ના લાઈવ પરફોર્મન્સ પર નાચી રહ્યા હતા લોકો, અચાનક આવી સુનામી અને.....

'સેવેન્ટીન' માનનો આ 'પોપ બેન્ડ' તાંજુંગ લેસુંગના બીચ રિસોર્ટમાં લાઈવ પરફોર્મન્સ આપી રહ્યું હતું અને ત્યાં જ સમુદ્રમાંથી અચાનક સુનામી ત્રાટકી

VIDEO : 'પોપ બેન્ડ'ના લાઈવ પરફોર્મન્સ પર નાચી રહ્યા હતા લોકો, અચાનક આવી સુનામી અને.....

જકાર્તાઃ ઈન્ડોનેશિયામાં શરિવારે સવારે ફરી એક વખત સુનામીએ વિનાશ વેર્યો હતો. અહીં એક જ્વાળામુખીમાં વિસ્ફોટ બાદ સમુદ્રમાં આવેલી સુનામીમાં અત્યાર સુધી લગભગ 168થી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે અને 700થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર સુનામીના વિનાશના વીડિયોનું પણ જાણે કે પૂર આવ્યું છે. તેમાંથી એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો છે. આ વીડિયોમાં એક 'પોપ બેન્ડ' લાઈવ પરફોર્મન્સ આપી રહ્યું હતું એ દરમિયાન જ સુનામી ત્રાટકે છે અને લોકોને વહાવીને લઈ જાય છે. 

નવા વર્ષની ઉજવણી કરવા એક્ઠા થયા હતા લોકો
આ વીડિયો 'સેવેન્ટીન' નામના 'પોપ બેન્ડ'નો છે. જે તાંજુંગ લેસુંગ બીચના રિસોર્ટમાં લાઈવ પરફોર્મન્સ આપી રહ્યું હતું. આ બેન્ડ એક ટેન્ટના નીચે બનેલા સ્ટેજ પર ગીતોની પ્રસ્તુતી આપી રહ્યું હતું. નવા વર્ષની ઉજવણી માનવા માટે સ્થાનિક વિજળી વિભાગના લગભગ 200થી વધુ લોકો પોતાના પરિવાર સાથે અહીં આવ્યા હતા. 

વીડિયોમાં સ્પષ્ટપણે દેખાય છે કે, લોકો પાર્ટી અને સંગીતના આનંદમાં ડૂબી ગયા હતા. અચાનક જ પાછળથી સુનામી ત્રાટકે છે અને ત્યાં હાહાકાર મચી જાય છે. સુનામીની પ્રચંડ લહેરોમાં બેન્ડના સભ્યો અને ત્યાં હાજર અનેક લોકો તણાઈ ગયા હતા. 

બેન્ડના 4 અને સ્થાનિક 29 લોકોનાં મોત
બેન્ડના લીડ સિંગર રિફિયને ઈન્સ્ટાગ્રામ પર આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, આ ઘટનામાં તેના પોપ બેન્ડના ચાર સભ્યોનાં મોત થઈ ગયા છે. જેમાંથી બાઝ પ્લેયર, રોડ મેનેજર, ગિટારિસ્ટ અને એક ક્રૂ મેમ્બરનો સમાવેશ થાય છે. બેન્ડનો ડ્રમર પણ હજુ લાપતા છે. 

A post shared by Riefian Fajarsyah (@ifanseventeen) on

સ્થાનિક વિજળી વિભાગે જણાવ્યું કે, આ ઘટનામાં 29 કર્મચારી અને પરિવારના એક સભ્યનું મોત થયું છે, સાથે જ 13 લોકો લાપતા છે. 

અનાક ક્રાકાટાઓ જ્વાળામુખી ફાટ્યા બાદ આવી સુનામી
સુનામીને કારમે અહીં અનેક રસ્તા પણ બંધ થઈ ગયા છે, જેના કારણે લોકોને રાહત-બચાવ કામગિરીમાં મુશ્કેલી પડી રહી છે. શનિવારે આવેલી સુનામી બાદ સમુદ્રમાં 20 મીટર ઊંચા મોજા ઉછળ્યા હતા, જેણે હોટલો સહિત અસંખ્ય મકાનોને પોતાની ઝપટમાં લઈ લીધા હતા. 

ઈન્ડોનેશિયાના હવામાન વિભાગે જણાવ્યું કે, અનાક ક્રાકાટાઓ જ્વાળામુખી ફાટ્યા બાદ સમુદ્રના નીચે આવેલો ધરતીકંપ સુનામીનું કારણ હોઈ શકે છે. તેમણે પ્રચંડ મોજાં ઉછળવાનું એક કારણ પૂનમ પણ જણાવ્યું હતું. કેમ કે પૂનમમાં સમુદ્રમાં ભરતી આવતી હોય છે. 

સપ્ટેમ્બરમાં ભૂકંપ અને સુનામીએ વેર્યો હતો વિનાશ 
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ઈન્ડોનેશિયામાં સપ્ટેમ્બરમાં સુલાવેસી ટાપુ પર પાલુ શહેરમાં આવેલા ભૂકંપ અને સુનામીમાં લગભગ 2,500 લોકોનાં મોત થયા હતા. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news