સરકારી શાળાના બાળકોએ શોધી કાઢેલા દેશી જુગાડે આદિવાસી ખેડૂતોની સમસ્યા દૂર કરી
Agriculture : આદિવાસી શાળાના વિદ્યાર્થીઓએ બનાવેલો પ્રોજેક્ટ રાષ્ટ્રીય કક્ષાએ ઝળક્યો... હવે નક્ષનો પ્રોજેક્ટ રાષ્ટ્રીય કક્ષાએ નવસારીનું પ્રતિનિધિત્વ કરશે
Trending Photos
Navsari News ધવલ પારેખ/નવસારી : નવસારીના આદિવાસીપટ્ટાના વાંસદા તાલુકાનાં ગામો ડુંગર ઉપર હોવાથી, ત્યાંના ખેડૂતો નાના નાના ખેતરોમાં ખેતી કરતા હોય છે. આદિવાસી વિસ્તાર હોવાથી ઘણા ખેડૂતો નબળી આર્થિક સ્થિતિને કારણે મોંઘા ખેતીના ઓજારો વસાવી નથી શક્તા અને રાસાયણિક ખાતર પણ મોંઘુ પડતું હોય છે. ત્યારે આદિવાસી ખેડૂતોની સ્થિતિ જોઈને વાંસદાની રંગપુર પ્રાથમિક શાળાના બે વિદ્યાર્થીઓએ વિજ્ઞાન શિક્ષકની મદદથી ડાંગરમાં રાસાયણિક ખાતરને બદલે અઝોલા વનસ્પતિ તેમજ નાના ખેતરમાં ખાતર છાંટવા તેમજ બીજ વાવવા વેસ્ટમાંથી બનાવેલા બેસ્ટ મશીનો રાષ્ટ્રિય કક્ષાના વિજ્ઞાન મેળામાં પસંદગી પામ્યા છે.
આદિવાસી બાહુલ્ય ધરાવતા વાંસદા તાલુકાના રંગપુર ગામની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો શાળાના વિદ્યાર્થીઓની કલ્પના શકિત અને સર્જનાત્મક શક્તિ ખીલવવા માટે અનેક પ્રયોગ કરતા રહે છે. જેમાં તાલુકા, જિલ્લા કક્ષાએ યોજાતા ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં રંગપુર શાળાના વિદ્યાર્થીઓ છેલ્લા થોડા વર્ષોથી અવ્વલ રહેતા આવ્યા છે. આ વર્ષે પણ રંગપુર પ્રાથમિક શાળાનો પ્રાકૃતિક ખાતર અઝોલા રાષ્ટ્રીય કક્ષાએ પહોંચ્યો છે. જેમાં શાળાના ધોરણ 7 ના વિદ્યાર્થી નક્ષ કલસરીયાએ રંગપુર અને આસપાસના ગામડાઓની ભૌગોલિક સ્થિતિ અનુસાર નાના નાના ખેતરો ધરાવતા ઘણા ખેડૂતો આર્થિક રીતે નબળા હોય છે. જેઓને ડાંગરની ખેતીમાં નાઈટ્રોજન ખાતર નાંખવું મોંઘુ પડતુ હોય છે. ત્યારે આદિવાસી ખેડૂતો વગર ખર્ચે સારી અને પ્રાકૃતિક ખેતી કરી શકે એવા આશય સાથે નક્ષ દ્વારા તેના વિજ્ઞાન શિક્ષકની મદદથી પાણીમાં ઝડપથી વધતી અને પાકને નાઈટ્રોજન પુરો પાડતી વનસ્પતિ અઝોલા શોધી કાઢી, તેનો ડાંગરની ખેતીમાંથી પ્રાકૃતિક ખાતર તરીકે ઉપયોગ કરવાનો પ્રયોગ કરી, સફળતા મેળવી છે.
નક્ષ અને શાળાના અન્ય વિદ્યાર્થી યશ ગવળીએ જુના તેલના ડબ્બા અને પાઈપ થકી બીજ નાંખવાના તેમજ પ્રવાહી માપવાની ગળણી તથા લુહારને ત્યાં વપરાતા બ્લોઅરનો ઉપયોગ કરીને ખાતર છાંટવાના અને મશીન બનાવ્યું છે. જે મશીનો પણ આદિવાસી ખેડૂતો માટે ઓછા ખર્ચે મોટો ફાયદો આપે એવા સાબિત થયા છે. નક્ષ કલસરીયાનો આ પ્રોજેક્ટ જિલ્લા બાદ ડીપાર્ટમેન્ટ ઓફ સાયંસ એન્ડ ટેકનોલોજી દ્વારા યોજાયેલા વિજ્ઞાન મેળામાં પ્રથમ રહ્યો હતો. હવે નક્ષનો પ્રોજેક્ટ રાષ્ટ્રીય કક્ષાએ નવસારીનું પ્રતિનિધિત્વ કરશે.
રંગપુર પ્રાથમિક શાળા જિલ્લાના અંતરિયાળ અને છેવાડાના ગામમાં હોવા છતાં અહીંના આચાર્ય અને શિક્ષકોના પ્રયાસોથી વિદ્યાર્થીઓ માટે અનેક સુવિધાઓ થઈ છે. સાથે જ શાળાનાં વિદ્યાર્થીઓ વિજ્ઞાન મેળામાં વર્ષોથી ડંકો વગાડી રહ્યા છે. જેમાં આ વર્ષે અઝોલા વનસ્પતિથી પ્રાકૃતિક ખાતરનો પ્રોજેક્ટ જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ પહોંચતા શાળાના શિક્ષકો અને ગ્રામજનોમાં આનંદ છવાયો છે. મહત્વની વાત એ છે કે બંને બાળકો દ્વારા ગામના 56 ખેડૂતોનો જૂન મહિનામાં સર્વે કર્યો હતો. જેની સાથે ખેડૂતોને અઝોલા અને વેસ્ટ વસ્તુઓમાંથી બનાવેલા ખાતર નાંખવાના મશીનો વિશે ખેડૂતોને સમજાવ્યા હતા. જેમાં ડાંગરની ખેતીમાં અઝોલા વનસ્પતિનો કેટલા પ્રમાણમાં ઉપયોગ કરવો વિશેની માહિતી પણ આપી હતી. જેના પરિણામ સ્વરૂપ ખેડૂતોને સારૂ ઉત્પાદન મળ્યુ અને પ્રાકૃતિક ડાંગર હોવાને કારણે બજારમાં ભાવ પણ સારો મળ્યો હતો
આદિવાસી વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ સમજવા સાથે જ ખેડૂતોને ઓછા ખર્ચે ઉપયોગી ખેત ઓજારો બનાવવાના પ્રયોગ, ખરેખર બાળકોની સ્થાનિક સમસ્યા વિશેની સમજ અને તેમની કલ્પના શક્તિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે