હાફુસ અને કેસર કેરીને પણ ટક્કર મારે તેવી નવી કેરી નવસારીના ખેડૂતે ઉગાવી, મઘ જેવી મીઠી છે

Gujarat Farmer : નવસારી કૃષિ યુનિવર્સિટીએ સંશોધન કરી બદલાતા વાતાવરણ સામે ટકાઉ અને મીઠી સોનપરી કેરી વિકસાવી છે, ત્યારે નવસારીના ખેડૂતો હવે આ કેરીનો પાક લઈને મોટી કમાણી કરી રહ્યાં છે

હાફુસ અને કેસર કેરીને પણ ટક્કર મારે તેવી નવી કેરી નવસારીના ખેડૂતે ઉગાવી, મઘ જેવી મીઠી છે

Navsari News ધવલ પારેખ/નવસારી : નવસારીના એથાણ ગામના ખેડૂતે પરંપરાગત કેસરને બદવે વૈજ્ઞાનિક પદ્ધતિથી સોનપરી કેરીનું વાવેતર કર્યું છે. હાલ અતિ ગરમીના કારણે કેરીનો પાક પ્રભાવિત થયો છે. તેની સામે સોનપરી કેરી સફળ નીવડી છે. કૃષિ યુનિવર્સિટીએ સંશોધન કરી વાતાવરણ સામે ટકાઉ અને મીઠી સોનપરી કેરી વિકસાવી છે. ખેડૂતે 8 વર્ષ પહેલાં સોનપરી કેરી ઉગાડી હતી. સોનપરીની મીઠાશ સામે હાફૂસ અને કેસર કેરી પણ ફીક્કી પડે. જે બાદ તેમને ધીરે ધીરે સોનપરીના વૃક્ષો વધારતા ગયા. બદલાતા વાતાવરણ અને માવઠામાં પણ સોનપરીના ફળની જાડી છાલ તેને રક્ષણ આપે છે. આ સાથે કેરી આકારમાં મોટી અને 250થી 500 ગ્રામ વજનની ઉતરે છે. જેથી બજારમાં સોનપરીનો પ્રતિમણ ભાવ 3000થી 5000 છે. આ વર્ષે અતિ ગરમીના કારણે જ્યારે અન્ય ખેડૂતો નિરાશ થયા છે ત્યારે આ સોનપરી કેરીનું ઉત્પાદન કરતાં રાહુલ નાયકને કેરી માટેના સારા ઓર્ડર મળી રહ્યા છે. જેના કારણે ખેડૂતની આવક પણ વધી છે.

ઉનાળામાં કેરીની મજા માણવા લોકો થનગની રહ્યા હોય છે. જેમાં પરંપરાગત કેસર અને હાફૂસ કેરી બદલાતા વાતાવરણ સામે નબળી પડી રહી છે. ત્યારે તેની સામે નવસારી કૃષિ યુનીવર્સિટી દ્વારા સંશોધન થકી વિકસાવેલી સોનપરી, વાતાવરણ સામે તેની ટકાઉ શક્તિ અને મીઠાશને કારણે ખેડૂતોની વાડીઓમાં સ્થાન પામી રહી છે. નવસારીના એથાણ ગામના ખેડૂત રાહુલ નાયક પરંપરાગત કેસરને બદલે વૈજ્ઞાનિક પદ્ધતિથી સોનપરીના ઝાડોનુ વાવેતર કરી, બદલાતા વાતાવરણમાં પણ સારી આવક મેળવી રહ્યા છે.

ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યુ છે. જેની અસર ખેતી પાકો ઉપર થતા હવે વાતાવરણ સામે ટકી શકે એવા પાકોની જરૂર છે. ફળોના રાજા કેરીમાં પણ વધતી ગરમી ખેડૂતોને મુશ્કેલીમાં મુકી રહી છે. કેરીની જાણિતી જાતો હાફૂસ અને કેસરમાં પણ વધતી ગરમીને કારણે ઉત્પાદન પ્રભાવિત થઇ રહ્યુ છે. ત્યારે વિપરીત વાતાવરણ સામે નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસિત સોનપરી ટક્કર આપી રહી છે. જેનાથી ખેડૂતો પણ આકર્ષાઈ રહ્યા છે અને પોતાની વાડીઓમાં પરંપરાગત જાતોને બદલે હવે સોનપરીને સ્થાન આપી રહ્યા છે. નવસારીના એથાણ ગામના ખેડૂત રાહુલ નાયકે પણ 8 વર્ષ અગાઉ સોનપરી ઉગાડી હતી, સોનપરીની મીઠાસ સામે હાફૂસ અને કેસર પણ ફીકી પડતા, રાહુલભાઇ પોતાની વાડીમાં ધીરે ધીરે સોનપરીના ઝાડો વધારતા ગયા છે. 

ત્રણ વર્ષ પહેલા રાહુલભાઇએ પોતાની વાડી નવેસરથી વૈજ્ઞાનિક પદ્ધતિથી ડીઝાઇન કરી છે. જેમાં પરંપરાગત પદ્ધતિથી અલગ લો હાઇડેન્સીટીમાં 9 X 9 ના અંતરે 350 ઝાડો ઉગાડ્યાં છે. લો હાઇડેન્સીટી હોવાને કારણે ઝાડની ઉંચાઇ પણ ઓછી રાખી છે. જેના કારણે મજૂરોની સમસ્યાનું નિરાકરણ પણ આવ્યુ છે. બદલાતા વાતાવરણમાં થતા માવઠા અને વધુ પડતી ગરમી તેમજ ફળ માખી સામે સોનપરીના ફળની જાડી છાલ રક્ષણ આપે છે. જેની સાથે જ કેરીના ફળ આકારમાં મોટા અને 250 થી 500 ગ્રામ વજનના ઉતરે છે. જેથી બજારમાં સોનપરીના બજારમાં ભાવ પણ પ્રતિ મણ 3000 થી 5000 રૂપિયા અથવા તેનાથી પણ વધુ મળી રહ્યા છે. આ વર્ષે જ્યાં અન્ય ખેડૂતો વાતાવરણ સામે કેરીનો પાક નહિવત રહેવાથી દુઃખી છે. ત્યાં રાહુલ નાયકે સોનપરીનું ઉત્પાદન પણ સારૂ લીધુ છે. ફળ પણ સારા આવ્યા છે અને પ્રિ બુકીંગ મેળવી રહ્યા છે. 

નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો પણ માની રહ્યા છે કે હાલમાં વધતી ગરમી અને બદલાતા વાતાવરણ સામે પાક ટકી શકે એવા સંશોધનોની જરૂર છે. ત્યારે નવસારી કૃષિ યુનિવર્સીટીનાં પરિયા ફાર્મના વૈજ્ઞાનિકોએ વર્ષ 2001 માં દક્ષિણ ગુજરાતની હાફૂસ અને દક્ષિણ ભારતની બનેસાન જાતમાંથી હાઈબ્રીડ જાત વિકસાવી હતી. જેમાં બનેસાનનો આકાર અને હાફૂસની મીઠાશના ગુણધર્મો વિકસ્યા છે. ફળનો આકાર મોટો, વજન વધુ રહેવા સાથે જ ગોટલો નાનો, માવો વધુ અને મીઠાશ પણ સારી તેમજ પરિપક્વ થતા કેરીની છાલ સ્વર્ણ દેખાતા વૈજ્ઞાનિકોએ આ હાયબ્રિડ જાતને સોનપરી નામ આપ્યું હતું. જોકે શરૂઆતમાં હાફૂસ અને કેસર સામે સોનપરી ખેડૂતોના મનમાં બેઠી ન હતી. પરંતુ છેલ્લા થોડા વર્ષોથી બદલાતા વાતાવરણમાં માવઠા અને વધતી ગરમી સામે સોનપરી ટકી શકે એવી સ્થિતિ જણાતા ખેડૂતો ધીરે ધીરે સોનપરી તરફ આકર્ષાયા છે. બજારમાં પણ સોનપરીની ક્ષમતાને કારણે વેપારીઓ ફળ તૈયાર થાય એ પૂર્વે જ ઉંચા ભાવે બુકિંગ કરાવી લે છે. જેથી ખેડૂતોને આવક પણ સારી થઈ રહી છે. 

ગ્લોબલ વોર્મિંગને કારણે જે રીતે ઝડપથી વાતાવરણમાં બદલાવ આવી રહ્યો છે. તે રીતે ખેતીમાં પણ ઝડપી સંશોધનો થકી વિપરીત વાતાવરણમાં પણ ટકી શકે એવી ક્ષમતા ધરાવતા પાક વિકસાવવાની જરૂર છે. ત્યારે સૌના પ્રિય અને ફળોના રાજા કેરીમાં થયેલું સંશોધન, સોનપરી રૂપે ખેડૂતો માટે આશીર્વાદરૂપ બન્યુ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news