ATMનો ઉપયોગ કરો છો પૈસા ઉપાડવા? આવ્યા ખિસ્સાનો બોજ વધારતા સમાચાર

એટીએમનો વપરાશ કરવાનું બહુ જલ્દી મોંઘું પડી શકે છે

ATMનો ઉપયોગ કરો છો પૈસા ઉપાડવા? આવ્યા ખિસ્સાનો બોજ વધારતા સમાચાર

નવી દિલ્હી : એટીએમનો વપરાશ કરવાનું બહુ જલ્દી મોંઘું પડી શકે છે. બેંકોએ આરબીઆઇ પાસે એટીએમ ટ્રાન્ઝેક્શન ચાર્જ વધારવાની મંજૂરી માગી છે. એટીએમ અપગ્રેડેશનને કારણે વધનાર નાણાંકીય બોજને લીધે બેંકોએ આ પગલું લીધું છે.  આરબીઆઇએ તમામ બેંકોને એટીએમ અપગ્રેડેશનનો નિર્દેશ આપ્યો છે જેના કારણે બેંકો પર નાણાંકીય બોજો વધશે. આ કારણે બેંકો પોતાનો નાણાંકીય બોજો ગ્રાહકો પર નાખવા માગે છે. જોકે, આરબીઆઇએ  આ વાતની મંજૂરી નથી આપી પણ અંદાજ છે કે આવનારા દિવસોમાં એટીએમ ચાર્જ વધી શકે છે. 

મળતી માહિતી પ્રમાણે એટીએમ અપગ્રેડેશનની કિંમત વસૂલ કરવા માટે બેંક એટીએમ ટ્રાન્ઝેક્શન ચાર્જમાં બે રીતે વધારો કરી શકે છે. બેંકો ફ્રી ટ્રાન્ઝેક્શન ખતમ થાય એ પછી વસુલ કરવામાં આવતો ચાર્જ 18 રૂ.થી વધારીને 23 રૂ. સુધી કરી શકે છે. આ સિવાય ફ્રી ટ્રાન્ઝેક્શનની સંખ્યા પણ ઘટાડી શકાય છે. હાલમાં પ્રાઇવેટ બેંકોએ 3 એટીએમ ટ્રાન્ઝેક્શન ફ્રી રાખ્યા છે જ્યારે કેટલીક બેંકો 5 ફ્રી એટીએમ ટ્રાન્ઝેક્શનની સુવિધા આપે છે. 

એટીએમ ટ્રાન્ઝેક્શન ચાર્જ ઓછામાં ઓછા 3 રૂ.થી 5 રૂ. સુધી વધી શકે છે. આ સિવાય એટીએમ ઓપરેટર્સ વધારાનો બોજ સરભર કરી શકશે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આરબીઆઇએ કડક ગાઇડલાઇન્સ જાહેર કરી છે. જો આ સંજોગોમાં ગ્રાહકો પાસેથી ફી નહીં વસુલવામાં આવે તો બેંકોને ભારે નુકસાન થઈ શકે છે. ઇકોનોમિક ટાઇમ્સના સમાચાર પ્રમાણે એટીએમ સાથે આચરવામાં આવતી છેતરપિંડી તેમજ હેકિંગને અટકાવવા માટે આરબીઆઇએ એટીએમને અપગ્રેડ કરાવવાના નિર્દેશ આપ્યા છે. બેંકો આ એટીએમ અપગ્રેડેશન 6 તબક્કામાં આટોપવાની છે જેની ડેડલાઇન હજી નક્કી નથી. આ પહેલો તબક્કો ઓગસ્ટ, 2018માં પુરો થવાનો છે. આ કારણે જ બેંક જુલાઈ મહિનાના અંત સુધી એટીએમ ચાર્જમાં વધારો કરી શકે છે. આ અપગ્રેડેશનનો છેલ્લો તબક્કો જૂન, 2019માં પુરો થશે. 

ATM અપગ્રેડેશનમાં સૌથી પહેલાં બેંકોની ઇનપુટ-આઉટપુટ સિસ્ટમ (BIOS)ને અપગ્રેડ કરવામાં આવશે. BIOS એવી સિસ્ટમ છે જે કોમ્પ્યૂટરના બુટિંગ વખતે વપરાય છે. બેંકિંગ પ્રણાલીમાં આ એવું પહેલું સોફ્ટરવેર છે જેનાથી રેમ, પ્રોસેસર, કીબોર્ડ, માઉસ અને હાર્ડડ્રાઇવની ઓળખ થાય છે જેના કારણે હેકિંગથી બચવામાં મદદ મળે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news