Best selling car company in June: જૂન મહિનામાં કોણ ઉપર, કોણ નીચે? કઈ કાર કંપનીને ફળ્યો જૂન મહિનો?
Best selling car company in June: જૂન મહિનામાં કઈ કંપનીની કારને લોકોએ આપ્યો કેટલો પ્રેમ? ખાસ જાણો...
Trending Photos
સવજી ચૌધરી, અમદાવાદ: આ મહિને મારુતિ (Maruti ) એ ફરીથી પોતાનું સ્થાન મજબૂત બનાવી લીધું છે. કિયાને પછાડીને ઉપર આવી ગઈ છે મહિન્દ્રા. જાણો, જૂન મહિનામાં કઈ કંપનીની કારને લોકોએ આપ્યો કેટલો પ્રેમ?
ટોપ 15 કાર કંપનીઓના વેચાણની જો વાત કરીએ તો સૌથી ઓછું વેચાણ થયું છે સિટ્રોન કંપનીની ગાડીઓનું. આખા ભારતમાં આ કંપનીની માત્ર 41 ગાડીઓ વેચાઈ છે. 14મા નંબરે રહી છે સ્કોડા કંપની. જૂન મહિનામાં તેની 734 ગાડીઓ જ સમગ્ર દેશમાં વેચાઈ છે. મે મહિના કરતાં જૂનમાં સ્કોડાની ગાડીઓનું વેચાણ 3 ટકા વધ્યું છે.
13મા નંબરે રહી છે ફિયાટ. જૂન મહિનામાં આ કંપનીની દેશભરમાં 789 ગાડીઓ જ વેચાઈ છે. ફિયાટ પછી 12મા ક્રમે ઊભી છે ફોક્સવેગન. જૂન મહિનામાં આ કંપનીની 1633 ગાડીઓ વેચાઈ છે. મેગ્નાઈટ કારથી લોકોનું ધ્યાન ખેંચનારી નિશાન કંપની, ગાડીઓની વેચાણની દ્રષ્ટિએ 11મા નંબરે આવી છે. જૂન મહિનામાં 3503 ગાડીઓ વેચાઈ છે. ગયા મહિના કરતાં આ વેચાણ 18 ટકા વધારે છે અને ગયા વર્ષની સરખામણીએ આ વેચાણ 508 ટકા વધારે છે.
ટોપ 10માં સૌથી નીચે રહેવામાં સફળ થઈ છે મોરિસ ગેરાજીસ કાર કંપની. જેને તમે એમજી નામથી ઓળખો છો. એમજીની 3558 ગાડીઓનું વેચાણ જૂન મહિનામાં થયું છે.
નવમા નંબરે આવી છે હોન્ડા મોટર્સ. આ કંપનીની 4,767 ગાડીઓ જૂન મહિનામાં દેશના લોકોએ ખરીદી છે. મે મહિનામાં હોન્ડાની ફક્ત 2,000 ગાડીઓ વેચાઈ હતી જે આ વખતે વધીને ડબલથી પણ ઉપર થઈ ગઈ છે.
આઠમા ક્રમે આવી છે ફોર્ડ. જૂન મહિનામાં ફોર્ડની 4,936 ગાડીઓ વેચાઈ છે. આમાં મોટાભાગે ઈકો સ્પોર્ટનો ફાળો છે અને તેના પછી એન્ડેવરનો. આખા દેશમાં મે મહિનામાં ફોર્ડની ફક્ત સાડા સાતસો ગાડીઓ જ વેચાઈ હતી પરંતુ જૂનમાં લોકોએ ફોર્ડ પર પોતાનો અનેકગણો પ્રેમ વરસાવ્યો છે.
સાતમો ક્રમ મળ્યો છે રેનો કંપનીને. જૂન મહિનામાં તેની 6,100 ગાડીઓ વેચાઈ છે. ગયા મહિને રેનોની ફક્ત અઢી હજાર ગાડીઓનું જ વેચાણ થયું હતું. લૉકડાઉનના કારણે મે મહિનામાં અનેક કંપનીઓનું વેચાણ ઘટ્યું હતું.
Hayabusa જેવા દેખાતા આ બાઈકની સ્પીડ છે 400kmph, ફિચર જાણીને થઈ જશો આશ્ચર્યચકિત
છઠ્ઠા નંબર પર આવીને ઊભી છે ટોયોટા. આ કંપનીની ગયા મહિને ફક્ત 700 ગાડીઓનું વેચાણ થયું હતું પરંતુ આ મહિને સમગ્ર દેશમાં ટોયોટાની 8798 ગાડીઓ લોકોએ ખરીદી છે. મે મહિના કરતાં જૂનમાં આ વેચાણ 1144 ટકા વધારે છે અને ગયા વર્ષની સરખામણીએ 128 ટકા વધારે વેચાણ થયું છે.
ટોપ ફાઈવમાં સ્થાન મેળવવામાં સફળ થઈ છે કિયા. જૂન મહિનામાં આ કંપનીની સમગ્ર દેશમાં 15,015 ગાડીઓને લોકોએ ખરીદી છે. મે મહિનાની સરખામણીએ જૂનમાં કિયાનું વેચાણ 6 ટકા વધ્યું છે.
ચોથા નંબરે આવી છે ભારતની કાર કંપની મહિન્દ્રા. કિયાને પછાડીને મહિન્દ્રાએ આ ક્રમ મેળવ્યો છે. મે મહિનામાં ચોથા નંબરે કિયા હતી પરંતુ જૂન મહિનામાં તેનું સ્થાન મહિન્દ્રાએ પડાવી લીધું છે. સમગ્ર દેશમાં ગયા જૂનમાં મહિન્દ્રાની 16,913 ગાડીઓને લોકોએ ખરીદી છે.
ત્રીજા નંબર પર મે મહિનાની જેમ જ પોતાનું સ્થાન બનાવીને ઊભી છે ટાટા મોટર્સ. મે મહિનામાં ટાટાની 15 હજાર ગાડીઓ વેચાઈ હતી પરંતુ જૂનમાં ટાટાની 24,111 ગાડીઓને લોકોએ ખરીદી છે. ટાટાનો ટાર્ગેટ છે ભારતીય કાર બજારમાં 10 ટકા વેચાણ વૃદ્ધિ હાંસલ કરવાનો. છેલ્લા બે-ત્રણ મહિનામાં આ કંપનીએ સરેરાશ 9.8 ટકાનો વૃદ્ધિદર હાંસલ કરી લીધો છે.
બીજા નંબર પર બિરાજમાન છે હ્યુન્ડાઈ મોટર્સ. જૂન મહિનામાં આ હ્યુન્ડાઈની 40,496 ગાડીઓને લોકોએ ખરીદી છે. ગયા મહિને હ્યુન્ડાઈની લગભગ 25 હજાર ગાડીઓ વેચાઈ હતી. ભારતમાં હ્યુન્ડાઈનો માર્કેટ શેર 15.8 ટકા જેટલો છે, જે એક સમયે 20થી 22 ટકા હતો. તેમ છતાં મે મહિના કરતાં જૂનમાં હ્યુન્ડાઈની ગાડીઓ 17-18 ટકા વધારે વેચાઈ છે અને ગયા વર્ષની સરખામણીએ 62 ટકા વધારે વેચાણ થયું છે.
પહેલા નંબરે આવી છે મારૂતિ. ભારતના 48 ટકા કાર બજાર પર મારુતિનો કબજો છે. જે પહેલાં 43 ટકા પર સરકી ગયો હતો. જૂન મહિનામાં મારુતિની 1,24,280 ગાડીઓ લોકોએ ખરીદી છે. મે મહિનામાં લૉકડાઉનના કારણે મારુતિની 33 હજાર ગાડીઓ જ વેચાઈ હતી.
તો ટોપ ફાઈવમાં સૌથી પહેલાં છે મારુતિ, બીજા ક્રમે હ્યુન્ડાઈ, ત્રીજા ક્રમે ટાટા, ચોથા ક્રમે મહિન્દ્રા અને પાંચમા ક્રમે આવી છે કિયા. કઈ કંપનીની કઈ કારનું મોડલ ટોપ 10માં સ્થાન મેળવવામાં સફળ રહ્યું તે જાણવા માટે જોડાયેલા રહો ZEE 24 કલાક સાથે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે