અનિલ અંબાણીએ રાહુલ ગાંધીને લખ્યો પત્ર, રાફેલ ડીલ પર કરી સ્પષ્ટતા
અંબાણીએ આ પત્ર 12 ડિસેમ્બર 2017ના રોજ લખ્યો હતો.
Trending Photos
નવી દિલ્હી: ઉદ્યોગપતિ અનિલ અંબાણીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને રાફેલ ડીલ પર એક પત્ર લખ્યો છે. અંબાણીએ પત્ર દ્વારા તમામ આરોપો ફગાવ્યાં છે. જેમાં કહેવાયું હતું કે તેમના રિલાયન્સ જૂથની પાસે રાફેલ ફાઈટર જેટ ડીલ માટે અનુભવની કમી છે. અંબાણીએ એમ પણ કહ્યું કે ફ્રાંસીસી ગ્રુપ ડસોલ્ટ દ્વારા તેમની કંપનીને સ્થાનિક ભાગીદાર તરીકે પસંદ કરવામાં સરકારની કોઈ ભૂમિકા નથી. અંબાણીએ આ પત્ર 12 ડિસેમ્બર 2017ના રોજ લખ્યો હતો. પત્રમાં અંબાણીએ રાહુલ ગાંધીને સ્પષ્ટપણે કહ્યું હતું કે તેમના રિલાયન્સ જૂથને અબજો ડોલરની આ ડીલ મળવા પાછળ કારણ શું હતું. ઉલ્લેખનીય છે કે રાફેલ ડીલને લઈને રાહુલ ગાંધી સતત સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યાં છે.
ગાંધી પરિવાર સાથે સંબંધ
પેઢીઓથી ગાંધી પરિવાર સાથે પોતાના સન્માનવાળા સંબંધોનો ઉલ્લેખ કરતા અંબાણીએ કહ્યું કે તેઓ વ્યક્તિગત રીતે કોંગ્રેસ પાર્ટીના અનેક નેતાઓ દ્વારા તેમના તથા જૂથ વિરુદ્ધના નિવેદનોથી દુ:ખી છે. બે પાનાના પત્રમાં અંબાણીએ લખ્યું છે કે 'અમારી પાસે જરૂરી અનુભવ છે અને અમે રક્ષા વિનિર્માણ માટેના મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં સૌથી આગળ પણ છીએ.' આ પત્ર ગુજરાત વિધાનસભા ચૂંટણી માટેના પ્રચારના અંતિમ દિવસે લખવામાં આવ્યો હતો. ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન રાફેલ ડીલને લઈને ખુબ હોબાળો મચ્યો હતો.
પત્રમાં અનિલ અંબાણીએ લખ્યું છે કે રિલાયન્સ ડિફેન્સની પાસે ગુજરાતના પીપાવાવમાં ખાનગી ક્ષેત્રનું સૌથી મોટુ શિપયાર્ડ છે. હાલ તેમાં ભારતીય નેવી માટે પાંચ નેવલ ઓફશેર પેટ્રોલ વેસલ્સ (એનઓપીવી)નું વિનિર્માણ ચાલી રહ્યું છે. આ ઉપરાંત ભારતીય તટરક્ષકો માટે 14 ફાસ્ટ પેટ્રોલ જહાજ બનાવવામાં આવી રહ્યાં છે.
36 રાફેલ ફાઈટર વિમાન ખરીદવાની ડીલ
તેમણે કહ્યું કે ભારત સરકાર દ્વારા ફ્રાન્સ પાસેથી 36 રાફેલ ફાઈટર વિમાન ખરીદવાનો નિર્ણય બે સરકાર વચ્ચેના કરાર હેઠળ લેવાયો છે. તેમણે કહ્યું કે આ 36 ફાઈટર વિમાનોનું વિનિર્માણ ફ્રાન્સમાં થશે અને તેની ડિલિવરી ડસોલ્ટ વિનિર્માણ કારખાનાથી 'ફ્લાઈ અવે' આધાર પર ભારતીય વાયુસેનાને કરવામાં આવશે. જેમાં ભારતીય કંપનીની કોઈ ભૂમિકા નથી.
અંબાણીએ એમ પણ કહ્યું કે ડસોલ્ટે રિલાયન્સ સમૂહને જોઈન્ટ વેન્ચર ભાગીદાર તરીકે પોતાના ઓફસેટ કે ભારતથી નિર્યાતની પ્રતિબદ્ધતાને પૂરી કરવા માટે પસંદ કરી છે. આ બે ખાનગી ક્ષેત્રની કંપનીઓ વચ્ચે સ્વતંત્ર કરાર છે જેમાં સરકારની કોઈ ભૂમિકા નથી.
અંબાણીએ પત્રમાં લખ્યું છે કે તેમના સમૂહનો ડસોલ્ટ સાથે જોઈન્ટ વેન્ચર એરોનોટિક્સ અને રક્ષા ક્ષેત્ર માટે પાર્ટ્સ અને પ્રણાલી બનાવવા માટે છે. તેમણે કહ્યું કે ડસોલ્ટ એવિએશનની સાથે જોઈન્ટ વેન્ચરથી ભારતમાં હજારો નોકરીની તકો સર્જાશે અને એરોનોટિક્સ તથા રક્ષા વિનિર્માણ ક્ષેત્રના એન્જિનિયરોને મૂલ્યવાન તાલિમ અને કૌશલ ઉપલબ્ધ કરાવવામાં આવી શકશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે