એશિયાટિક લાયન્સ વળી રહ્યા છે આ તરફ, જાણો કેમ?

સાવજોનો સંવનનકાળ શરૂ થયો હોય અને તેમની પ્રકૃતિ મુજબ મેટિંગ પિરિયડ દરમિયાન વિચરણ વધુ થતું હોય ઓક્ટોબર મહિના સુધી ગોહિલવાડ પંથકમાં પણ આંટા ફેરા વધશે. વન વિભાગ દ્વારા જંગલ વિસ્તારોમાં સાવચેત રહેવા અને સિંહોના સંવર્ધન માટે નિર્દેશ આપવામાં આવ્યો છે. 

એશિયાટિક લાયન્સ વળી રહ્યા છે આ તરફ, જાણો કેમ?

નીતિન ગોહેલ/ ભાવનગર: સાવજોનો સંવનનકાળ શરૂ થયો હોય અને તેમની પ્રકૃતિ મુજબ મેટિંગ પિરિયડ દરમિયાન વિચરણ વધુ થતું હોય ઓક્ટોબર મહિના સુધી ગોહિલવાડ પંથકમાં પણ આંટા ફેરા વધશે. વન વિભાગ દ્વારા જંગલ વિસ્તારોમાં સાવચેત રહેવા અને સિંહોના સંવર્ધન માટે નિર્દેશ આપવામાં આવ્યો છે. 

ડીસ્ટ્રીક્ટ ફોરેસ્ટ ઓફિસર, ભાવનગર સંદીપકુમારે જણાવ્યું કે, સિંહોની સંખ્યા વધતા તેમના પરિવાર હવે નવા રહેઠાણની શોધમાં સતત ફરતા રહે છે. સમગ્ર ગોહિલવાડ વિસ્તારનાં ૩૦૦ જેટલા ગામોમાં એશિયાટિક લાયનની વસ્તી છે. અત્યારે સિંહોનો સંવનનકાળ શરૂ થયો હોવાથી જંગલ વિસ્તારોમાં આંટાફેરા વધશે ત્યારે લોકો સાવચેતી રાખે અને તેમનું જતન કરે તે જરૂરી છે. ઈ.સ.1967 સુધી સિંહોની વસ્તી ભાવનગરમાં પણ હતી. છેલ્લા ૫ વર્ષથી સંખ્યામાં ‌વધારો વધારો થતાં હવે તેઓ તેમના મૂળ ઘરમાં પાછા ફરી રહ્યાં છે. બગદાણા થી જેસર પટ્ટી અને છેક ભંડારિયાના ડુંગરા સુધી સિંહ જોવા મળી રહ્યાં છે, જે તેની સાબિતી છે.

કુંઢડાની ડુંગરમાળ અને ગેબરવાડીમાં થઇને તળાજા સહીત ગોહીલવાડનાં બૃહદગીર વિસ્તારમાં સિંહ પરિવારની આવન જાવન શરૂ થઇ છે. જોકે તાજેતરમાં તેઓની પાલતુ પશુઓમાં રંજાડ જોવા મળી નથી. છેલ્લા દસકામાં સાસણ ગીર વન ક્ષેત્રમાંથી નિર્વાસીત થઇ આપણા બૃહદગીર વિસ્તારમાં સિંહો આશ્રય મેળવી રહયા છે.

ગીરનુ નાકુ ગણાતા અમરેલીનાં ખાંભા નજીકની મિતિયાળાની ડુંગરમાળમાં થઇને વાયા સાવરકુંડલાની ધોળીકુઇ અને રાણીગાયાને પસાર કરીને જસરની ટેકરીઓ, દેપલા અને રાણીગામ થઇને સિંહ પરિવારો ગેબર (બગદાણા) થઇને કુંઢડા નજીકની વન વિભાગની વીડીમાં પ્રવેશી જાય છે. અહિથી એક ફાંટો બગડ નદીની રાહે મધુવન-મેથળાની બાવળની કાંટયમાં દરિયાઇ પંથકમાં અને બીજો મુખ્ય ફાંટો તળાજાનાં શેત્રુંજીકાંઠા નહેર વિસ્તારો અને દિહોર ખોખરાની ડુંગરમાળ થઇને કયારેક ભાવનગર-ઘોઘાનાં વન ક્ષેત્રમાં પણ નીકળી આવે છે.

આસપાસ પાણીનાં સ્ત્રોત નજીક સીમમાં ઉભા મોલમાં કે શેત્રુંજીની કોતરમાં દિવસે આરામ ફરમાવી રાત્રી દરમિયાન સીમમાં રઝવતા પશુઓ પર જીવન નિર્વાહ કરે છે. જોકે પાલતુ પશુઓને કયારેક નિશાન બનાવે છે. વન વિભાગનાં સર્વેમાં ૨૦૦૫માં જીલ્લામાં નર-માદા-બાળ સહિત ૨૦ સિંહોની વસતી નોંધાઇ હતી. ૨૦૧૦માં વૈજ્ઞાનીક ઢબે થયેલ ગણતરીમાં ૩૨નો વસવાટ નોંધાયો હતો. જેમાં તળાજા પંથકમાં ૭ સિંહો વિચરતા જોવા મળ્યા હતા. છેલ્લે ૨૦૧૫ની ગણતરીમાં જીલ્લામાં ૩૭ સિંહ માદા-બચ્ચા નોંધાયા હતા. પરંતુ ત્યારબાદ થયેલ પુર પ્રકોપ બાદ રિસર્વેમાં આ સંખ્યા ૪૧ની થઇ હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news