ફળોમાંથી કઈ રીતે બને છે નેચરલ આઈસક્રીમ? પિતા ફળ વેચતા હતા પુત્ર બની ગયો આઈસક્રીમમેન
Naturals Ice Cream Success Story: રઘુનું આઈસક્રીમ પાર્લર તો શરૂ થઈ ગયું હતું પરંતુ માર્કેટમાં હરિફાઈનો પડકાર હતો. એવામાં તેમણે પ્રોડક્ટને સુપર સ્પેશિયલ બનાવવા પર ફોક્સ કર્યુ.
Trending Photos
Natural Ice Cream: આઈસક્રીમ કોને પસંદ ન હોય. ગરમી તો ગરમી. ઠંડીમાં પણ આઈસક્રીમ બહુ મોટા પ્રમાણમાં ખાવામાં આવે છે. તમે સ્ટ્રોબેરી, વેનીલા, મેંગો, ઓરેન્જ સહિત તમામ પ્રકારના ફ્લેવરવાળો આઈસક્રીમ ખાધો હશે. જ્યારે ફ્લેવરવાળો આઈસક્રીમ એટલો સ્વાદિષ્ટ હોય છે તો સીધા ફળમાંથી તૈયાર કરવામાં આવેલ આઈસક્રીમ તો તેનાથી વધારે સ્વાદિષ્ટ હોય ને. બસ આ જિજ્ઞાસા થઈ હતી ફળ વેચનારાના પુત્ર રઘુનંદન એસ.કામથના મનમાં. અને તેમના આ આઈડિયાએ એવી કમાલ કરી કે મુંબઈમાં આઈસક્રીમની એક નાની દુકાન ચલાવનારા રઘુનંદને આઈસક્રીમ મેનના રૂપમાં પોતાની ઓળખ સ્થાપિત કરી લીધી. વાત થઈ રહી છે. પ્રસિદ્ધ આઈસક્રીમ કંપની નેચરલ કંપની આઈસક્રીમની. આજે દેશના ખૂણે-ખૂણામાં કંપનીના આઈસક્રીમ પાર્લર છે અને કંપનીનું વાર્ષિક ટર્નઓવર લગભગ 400 કરોડનું છે.
ફળ વેચીને થતું હતું પરિવારનું ભરણપોષણ:
રઘુનંદનનો જન્મ કર્ણાટકના પુત્તુર તાલુકામાં મુલકી નામના એક નાના ગામમાં થયો હતો. પિતા ફળોની ખેતી કરતા હતા અને ફળ વેચીને જ કોઈ રીતે પરિવારનું ભરણપોષણ કરતા હતા. The Better Indiaના એક રિપોર્ટ પ્રમાણે સાત ભાઈ-બહેનમાં રઘુનંદન સૌથી નાના હતા. વર્ષ 1966માં રઘુ પોતાના ભાઈઓની સાથે મુંબઈ આવી ગયા. જ્યાં એક ભાઈ ગોકુલ નામની ફૂડ ઈટરી ચલાવતા હતા. ઈડલી, ઢોસા વગેરેની સાથે ગ્રાહકોને આઈસક્રીમ પણ આપતા હતા. જોકે આઈસક્રીમ તેમના બિઝનેસનો નાનો ભાગ હતો.
નાના આઈઈસક્રીમ પાર્લરથી શરૂઆત:
રઘુ આઈસક્રીમમાં પોતાની એક અલગ ઓળખ બનાવવા માગતા હતા. 1983માં તેમના લગ્ન થયા અને પછી તેમણે આઈસક્રીમનો બિઝનેસ શરૂ કરવાનો વિચાર કર્યો. આઈસક્રીમ ત્યારે એક ક્લાસી આઈટમ ગણવામાં આવતું અને બજારમાં પહેલાંથી એક બ્રાન્ડ પણ હતી. રઘુએ રિસ્ક ઉઠાવ્યું અને નક્કી કર્યું કે તે માત્ર આઈસક્રીમનું જ કામ કરશે. તારીખ હતી 14 ફેબ્રુઆરી 1984. જ્યારે રઘુએ મુંબઈમાં Naturals Ice Cream, Mumbai નામથી પહેલુ આઉટલેટ શરૂ કર્યું. તેમણે તેના માટે જૂહુને પસંદ કર્યું. કારણ કે ત્યાં મોટા-મોટા લોકો રહેતા હતા. હવે મુશ્કેલી એ હતી કે માત્ર આઈસક્રીમ ખાવા લોકો આવતા ન હતા. એટલે તેમણે તેની સાથે પાંઉભાજી વેચવાનું પણ શરૂ કરી દીધું. ગરમ મસાલેદાર પાંઉભાજી પછી લોકોને ઠંડી અને મીઠી વસ્તુની ઈચ્છા થતી. ત્યારે રઘુ તેમને આઈસક્રીમ આપતા હતા.
ભેળસેળ અને સજાવટ બિલકુલ નહીં:
પોતાના આઈસક્રીમના સ્વાદ અને ગુણવત્તાને લઈને રઘુનું સ્ટેન્ડ ક્લિયર હતું. એવામાં તેમણે માત્ર ફળ, દૂધ અને ખાંડથી આઈસક્રીમ તૈયાર કર્યો. કોઈ ભેળસેળ નહીં, એકદમ નેચરલ. આજે પણ તેમની કંપનીની આ જ યૂએસપી છે. મેંગો, ચોકલેટ, સીતાફળ, કાજુ દ્રાક્ષ અને સ્ટ્રોબેરી. શરૂઆતમાં માત્ર 5 ફ્લેવરનો આઈસક્રીમ તૈયાર કરવામાં આવ્યો હતો. પાંઉભાજી અને આઈસક્રીમ સાથે વેચવાનો તેમનો આઈડિયા સફળ રહ્યો અને એક વર્ષમાં ઈન્વેસ્ટમેન્ટ કરતાં વધારે કમાણી કરી લીધી. પરંતુ મનમાં ઈચ્છા હતી આઈસક્રીમને બ્રાંડ બનાવવાની. એવામાં તેમણે 1985માં પાંઉભાજી વેચવાનું બંધ કરી દીધું. તેમનું આઉટલેટ ચાલતું રહ્યું અને તેમમે માત્ર આઈસક્રીમ પાર્લરને ચાલુ રાખ્યું.
હવે માર્કેટમાં હરિફાઈનો પડકાર હતો:
રઘુનો આઈસક્રીમ પાર્લર તો ચાલતુ હતું. પરંતુ માર્કેટમાં હરિફાઈનો પડકાર સામે હતો. એવામાં તેમણે પ્રોડક્ટને સુપર સ્પેશિયલ બનાવવા પર ફોકસ કર્યું. અનેક સેલિબ્રિટી તેમના નિયમિત ગ્રાહક હતા. જે અલગ-અલગ દેશોમાંથી ફરીને એ જણાવે કે વિદેશમાં તેમણે આઈસક્રીમના કયા-કયા ફ્લેવર ખાધા. તેમણે આ ફીડબેર અને સૂચનના આધારે શરૂઆતમાં પાંચ ફ્લેવર ઉપરાંત કાચું નાળિયેર, કાલા જામુન જેવા ફળનો પણ આઈસક્રીમ બનાવ્યો. વિચારો કે ફળ વેચનારાના પુત્ર માટે આ કેટલી મોટી વાત હતી. આ વસ્તુનો આઈસક્રીમ બનાવવો સરળ ન હતો પરંતુ રઘુએ તમામ પડકારનો સ્વીકાર કર્યો.
પોતાના હિસાબથી મશીન બનાવી અને બિઝનેસ વધ્યો:
ફળોના પ્રોસેસિંગ માટે તેમણે જાતે સ્પેશિયલ મશીન બનાવ્યું. પોતાની જરૂરિયાત પ્રમાણે ડિઝાઈન કરીને મેન્યૂફ્રેક્ચરર કરાવ્યું. મશીનોની મદદથી કામ ઝડપી થવા લાગ્યું અને ઉત્પાદન વધવા લાગ્યું. ફ્રેન્ચાઈઝી દ્વારા ધીમે-ધીમે કંપનીના આઉટલેટ પણ વધવા લાગ્યા. કેટલાંક આઉટલેટ રઘુનંદન કામતના કંટ્રોલમાં છે. જ્યારે મોટાભાગના ફ્રેન્ચાઈઝી તરીકે સંચાલિત થઈ રહ્યા છે. કંપનીનું કહેવું છે કે ક્વોલિટીના નામ પર તેમણે પહેલાં પણ કોઈ જ ફેરફાર કર્યો ન હતો અને ભવિષ્યમાં પણ કરશે નહીં. આજે દેશમાં Naturals Ice Creamના 150થી વધારે આઉટલેટ છે. જ્યાં 30થીવધારે ફ્લેવર્સના આઈસક્રીમ મળે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે