બેન્કના કામકાજ ફટાફટ પતાવજો, 4 લાખ કર્મચારીઓની 'આ' તારીખથી 2 દિવસની દેશવ્યાપી હડતાળ 

જો તમારે બેન્કમાં કોઈ પેન્ડિંગ કામ હોય તો ફટાફટ પૂરા કરી લો. આવતા અઠવાડિયે બેન્કના કર્મચારીઓ હડતાળ પર ઉતરી રહ્યાં છે. જેના કારણે ચાર દિવસ સુધી બેન્કો બંધ રહેશે.

બેન્કના કામકાજ ફટાફટ પતાવજો, 4 લાખ કર્મચારીઓની 'આ' તારીખથી 2 દિવસની દેશવ્યાપી હડતાળ 

નવી દિલ્હી: જો તમારે બેન્કમાં કોઈ પેન્ડિંગ કામ હોય તો ફટાફટ પૂરા કરી લો. આવતા અઠવાડિયે બેન્કના કર્મચારીઓ હડતાળ પર ઉતરી રહ્યાં છે. જેના કારણે ચાર દિવસ સુધી બેન્કો બંધ રહેશે. સરકારના પબ્લિક સેક્ટર બેન્કોના મર્જરના નિર્ણય વિરુદ્ધ બેન્કના કર્મચારીઓ 26 અને 27 એમ બે દિવસ હડતાળ પર ઉતરવાના છે. કર્મચારીઓનું કહેવું છે કે પબ્લિક સેક્ટરની બેન્કોનું મર્જર એ ગ્રાહકોના હિત વિરુદ્ધ છે આથી અમે ગ્રાહકોના હિત માટે થઈને વિરોધ કરી રહ્યાં છીએ. 

અત્રે જણાવવાનું કે 30મી ઓગસ્ટ 2019ના રોજ નાણા મંત્રી નિર્મલા સીતારમણે 10 સરકારી બેન્કોના મેગા મર્જરની જાહેરાત કરી હતી. 10 બેન્કોનો વિલય કરીને ચાર બેન્કો બનાવવામાં આવી છે. પંજાબ નેશનલ બેન્ક (PNB), ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ (OBC) અને યુનાઈટેડ બેન્કનું એકમાં વિલય કરીને દેશની ત્રીજી સૌથી મોટી બેન્ક બનાવાઈ છે. જેનો બિઝનેસ 17.95 લાખ કરોડ રૂપિયા હશે. યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા, આંધ્રા બેન્ક અને કોર્પોરેશન બેન્કનો વિલય કરીને દેશની પાંચમી સૌથી મોટી બેન્ક બની છે. જેનો બિઝનેસ 14.59 લાખ કરોડ રૂપિયા હશે. ઈન્ડિયન બેન્ક અને અલાહાબાદ બેન્કનો વિલય કરીને દેશની સાતમી મોટી બેન્ક બનાવવામાં આવી છે. જેનો બિઝનેસ 8.08 લાખ કરોડ રૂપિયા હશે. કેનેરા બેન્ક અને સિન્ડિકેટ બેન્કનો વિલય કરીને તેને દેશની ચોથી સૌથી મોટી બેન્ક બનાવવામાં આવી છે. જેનો બિઝનેસ 15.20 લાખ કરોડ રૂપિયા હશે. 

બેન્કોના વિલયની સાથે જ નાણા મંત્રીએ આ બેન્કોને ખોટમાંથી બહાર કાઢવા માટે 55,250 કરોડ રૂપિયાનું રાહત પેકેજ પણ આપ્યું હતું. જેમાં PNBને 16,000 કરોડ રૂપિયા, યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયાને 11700 કરોડ રૂપિયા, બેન્ક ઓફ બરોડાના 7000 કરોડ રૂપિયા, કેનરા બેન્કને 6500 કરોડ રૂપિયા, ઈન્ડિયન બેન્કને 2500 કરોડ રૂપિયા, ઈન્ડિયન ઓવરસિઝ બેન્કને 3800 કરોડ રૂપિયા, સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાને 3300  કરોડ રૂપિયા, યુકો બેન્કને 2100 કરોડ રૂપિયા, યુનાઈટેડ બેન્ક ઓફ ઈન્ડિયાને 1600 કરોડ રૂપિયા, અને પંજાબ તથા સિંધ બેન્કને 750 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી હતી. 

જુઓ LIVE TV

બેન્કોના આ વિલયની જાહેરાત વિરુદ્ધ કર્મચારીઓએ આગામી સપ્તાહે હડતાળ પર જવાની જાહેરાત કરી છે. જેના કારણે ચાર દિવસ બેન્કો બંધ રહેશે. બેંક ઓફિસર્સ યુનિયને સરકારના આ મર્જરના નિર્ણય વિરુદ્ધ 26 અને 26 સપ્ટેમ્બરે હડતાળની જાહેરાત કરી છે. ત્યારબાદ 28 સપ્ટેમ્બરના રોજ ચોથો શનિવાર અને 29 સપ્ટેમ્બરના રોજ રવિવાર હોવાના કારણે બેન્ક બંધ રહેશે. ચાર દિવસ  સુધી બેન્કો બંધ રહેવાના કારણે મહિનાના છેલ્લા દિવસ 30 સપ્ટેમ્બરના રોજ પણ બેન્ક સેવા પ્રભાવિત થઈ શકે છે. આ દિવસે બેન્કોમાં બહુ ભીડ હોવા અને ક્લોઝિંગના પ્રેશરના કારણે ગ્રાહક સેવાઓ માટે ગ્રાહકોએ થોડી પરેશાની ભોગવવી પડી શકે છે. 2 ઓક્ટોબરે ગાંધી જયંતી હોવાના કારણે સાતેક દિવસ જેટલા લાંબા ગાળા સુધી બેન્કોનું કામકાજ ખોટકાઈ શકે છે. 

બેન્ક અધિકારીઓ તથા કર્મચારીઓની આ હડતાળને કેન્દ્રીય ટ્રેડ યુનિયન ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ યુનિયન કોંગ્રેસ (AITUC)એ સમર્થન આપ્યું છે. શુક્રવારે જ આ સંગઠને તેની જાહેરાત કરી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news