ભાગેડુ માલ્યા ભારત પાછા ફરવા માટે આટલો ઉતાવળો કેમ બન્યો છે? કારણ જાણીને સ્તબ્ધ થશો
બે વર્ષ સુધી ભારત પાછા ફરવા પર રહસ્યમયી ચૂપકીદી સેવ્યા બાદ હવે ભાગેડુ લીકર કિંગ વિજય માલ્યા બ્રિટનથી ભારત પાછા ફરવા માટે ઉત્સુક જણાઈ રહ્યો છે.
Trending Photos
નવી દિલ્હી: બે વર્ષ સુધી ભારત પાછા ફરવા પર રહસ્યમયી ચૂપકીદી સેવ્યા બાદ હવે ભાગેડુ લીકર કિંગ વિજય માલ્યા બ્રિટનથી ભારત પાછા ફરવા માટે ઉત્સુક જણાઈ રહ્યો છે. સ્વદેશ વાપસી માટે તે ભારતીય બેંકોના દેવા પણ ચૂકવવા તૈયાર દેખાઈ રહ્યો છે. આ માટે અચાનક લાંબા સમય બાદ 26 જૂનથી તે સતત ટ્વિટર દ્વારા તાબડતોડ પોતાના પક્ષમાં દલીલો રજુ કરી રહ્યો છે. તેના આ અચાનક આવેલા 'હ્રદયપરિવર્તન'થી લોકોના મનમાં અનેક સવાલો ઉઠી રહ્યાં છે કે ભારતીય બેંકોથી લોન લઈને ચૂકવણી સમયે ડિંગો બતાવીને લંડન ભાગી જનાર માલ્યા આખરે હવે ભારત પાછા ફરવા માટે કેમ ઉત્સુક છે? આ સવાલ એટલા માટે પણ મહત્વનો છે કારણ કે બ્રિટનના કાયદાની આડમાં અત્યાર સુધી તે ભારત પાછા ન ફરવા માટે દરેક શક્ય પ્રયત્નો કરતો રહ્યો છે. આવામાં આખરે તેના પર એવું તે કેવું દબાણ આવી ગયું કે તે ભારત પાછા ફરવાનું રટવા લાગ્યો છે?
નવા કાયદાનો સકંજો
હકીકતમાં વાત જાણે એમ છે કે માલ્યાની આ ભારત પાછા ફરવાની ઉતાવળ પાછળ ભારતનો એક નવો કાયદો માનવામાં આવી રહ્યો છે. મોટા બેંક લોન ડિફોલ્ટરો પર નકેલ કસવા માટે આ કાયદો બનાવવામાં આવ્યો છે. જેના કારણે 22 જૂનના રોજ ભારતે આ કાયદા હેઠળ મોટા બેંક લોન ડિફોલ્ટરો પર નકેલ કસવાની દિશામાં પહેલું પગલું ભર્યું. જે હેઠળ એન્ફોર્સમેન્ટ ડાઈરેક્ટોરેટ (ઈડી)એ વિજય માલ્યાને ભાગેડુ જાહેર કરીને આર્થિક અપરાધી ઘોષિત કર્યો અને તેની 12500 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવા માટે કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે.
ભાગેડુ આર્થિક અપરાધી વટહુકમ
અધિકારીઓના જણાવ્યાં મુજબ ઈડીએ હાલમાં જ અમલમાં આવેલા ભાગેડુ આર્થિક અપરાધી અધ્યાદેશ હેઠળ મુંબઈની વિશેષ કોર્ટમાં અરજી કરી છે. આ વટહુકમ દેવા નહીં ચૂકવનારા ભાગેડુઓની તમામ સંપત્તિ જપ્ત કરવાનો અધિકાર આપે છે. અરજીમાં ઈડીએ વિજય માલ્યાની સંપત્તિ જપ્ત કરવાની પણ માગણી કરી છે. તેમાં એ સંપત્તિ પણ સામેલ છે જેના પર માલ્યાનું પરોક્ષ નિયંત્રણ છે. અરજીમાં કહેવાયું છે કે આ સંપત્તિનું મુલ્ય લગભગ 12500 કરોડ છે. જેમાં અચલ સંપત્તિઓ તથા શેરો જેવી ચલ સંપત્તિઓ પણ સામેલ છે.
આ પગલું 9000 કરોડ રૂપિયાથી વધુના બે બેંકોના લોનની રકમની હેરફેર કરવાના મામલે ઉઠાવાયું છે. આ બે બેંકોના દેવામાં આઈડીબીઆઈ બેંક અને ભારતીય સ્ટેટ બેંકના નેતૃત્વવાળો બેંક સમૂહ સામેલ છે. વટહુકમ પર અમલ કરવા માટે પ્રાધિકૃત ઈડીએ આ હેઠળ પહેલો મામલો દાખલ કર્યો છે. એજન્સી જલદી અન્ય ભાગેડુ કારોબારી નીરવ મોદી, તેના કાકા મેહુલ ચોક્સી સહિત અને મોટા બેંક લોન ડિફોલ્ટરો વિરુદ્ધ આ પ્રકારે પગલું ભરવાની છે.
ભાગેડુ વિજય માલ્યામાં આવેલા હ્રદય પરિવર્તનના મહત્વના કારણ સ્વરૂપે આ જ કાયદાને માનવામાં આવી રહ્યો છે. કારણ કે કોર્ટમાંથી મંજૂરી મળ્યા બાદ વિજય માલ્યાની તમામ અંગત સંપત્તિઓ જપ્ત કરવામાં આવશે. જેમાં દિલ્હી, બેંગ્લુરુ, મુંબઈની મોટી મોટી કરોડો રૂપિયાની પ્રોપર્ટીઝ સામેલ છે. એજન્સીઓના આ પગલાથી ગભરાયેલો ડરેલો વિજય માલ્યા હવે જરાય વાર કર્યા વગર ભારત પાછા ફરીને પોતાના બધા દેવા ચૂકવવાની વાતો કરી રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે