Taarak Mehta Ka Ooltah Chashmah ની આ અભિનેત્રીની થઈ ધરપકડ, 4 કલાક બાદ જામીન પર છૂટકારો, જાણો શું છે મામલો
અભિનેત્રી તેની સાથે હાઈકોર્ટના વકીલ અને હાઈકોર્ટના આદેશ પર બે સુરક્ષાકર્મીઓ તથા બાઉન્સરોની સાથે ડીએસપી કાર્યાલય પહોંચી હતી.
Trending Photos
નવી દિલ્હી: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ અભિનેત્રી મુનમુન દત્તા ઉર્ફે બબીતાજી સોમવારે તેના વિરુદ્ધ હરિયાણામાં હાસીમાં દાખલ થયેલા અનુસૂચિત જાતિ અને જનજાતિ અત્યાચાર અધિનિયમ હેઠળ કેસમાં તપાસ અધિકારી ડીએસપી વિનોદ શંકર સામે હાજર થઈ. ત્યારબાદ તપાસ અધિકારીએ તેની ઔપચારિક રીતે ધરપકડ કરી અને પછી લગભગ 4 કલાક સુધી પોતાના કાર્યાલયમાં મુનમુન દત્તાની પૂછપરછ કરી.
પૂછપરછ બાદ મુનમુન દત્તાને વચગાળાના જામીન પર છોડી મૂકવામાં આવી. આ દરમિયાન ડીએસપી કાર્યાલય બહાર મીડિયા કર્મીઓ અને મુનમુનની એક ઝલક મેળવવા માટે આતુર લોકોનો જમાવડો જોવા મળ્યો. પોલીસ પ્રશાસને પણ સુરક્ષા કારણોસર એસપી કાર્યાલયમાં ભારે પોલીસફોર્સ તૈનાત કરી હતી. મુનમુન દત્તા તેની સાથે હાઈકોર્ટના વકીલ અને હાઈકોર્ટના આદેશ પર બે સુરક્ષાકર્મીઓ તથા બાઉન્સરોની સાથે ડીએસપી કાર્યાલય પહોંચી હતી.
મુનમુન દત્તા વિરુદ્ધ એસસી-એસટી એક્ટ હેઠળ કેસ હંસીના દલિત અધિકાર કાર્યકર રજત કલ્સને 13 મે 2021ના રોજ દાખલ કર્યો હતો. ત્યારબાદ મુનમુન દત્તાએ પોતાના વિરુદ્ધ નોંધાયેલા કેસને રદ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ અરજીને સુપ્રીમ કોર્ટે 22 સપ્ટેમ્બર 2021ના રોજ ફગાવી હતી.
મુનમુન દત્તાની આગોતરા જામીન અરજી હિસારની એસસી-એસટી એક્ટ હેઠળ સ્થાપિત વિશેષ કોર્ટે 28 જાન્યુઆરીએ ફગાવી દીધી હતી. ત્યારબાદ મુનમુન દત્તાએ જામીન માટે પંજાબ હરિયાણા હાઈકોર્ટમાં શરણ લીધી હતી. પંજાબ હરિયાણા હાઈકોર્ટના જજ અવનીશ ઝિંગને ગત 4 ફેબ્રુઆરીએ મુનમુન દત્તાને હાંસીમાં તપાસ અધિકારી સામે હાજર થઈ તપાસમાં સામેલ થવાનું કહ્યું હતું.
આ બાજુ તપાસ અધિકારીને આદેશ કરાયા છે કે મુનમુન દત્તાની ધરપકડ કરીને પૂછપરછ બાદ તેને વચગાળાના જામીન પર છોડી મૂકવામાં આવે. જે હેઠળ એડિશનલ તપાસ અધિકારીને નિર્દેશ અપાયા હતા કે તેઓ આગામી 25 ફેબ્રુઆરીએ તપાસ રિપોર્ટ હાઈકોર્ટ સામે રજૂ કરે.
શું છે સમગ્ર મામલો
ઉલ્લેખનીય છે કે મુનમુન દત્તાએ ગત વર્ષ 9 જાન્યુઆરીએ એક વીડિયોમાં અનુસૂચિત જાતિ સમાજ વિરુદ્ધ અભદ્ર અને અપમાનજનક ટિપ્પણી કરી હતી. ત્યારબાદ ફરિયાદકર્તા રજત કલ્સને 13મી મે 2021ના રોજ મુનમુન દત્તા વિરુદ્ધ હાંસીમાં પોલીસ સ્ટેશનમાં એસસી-એસટી એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો હતો. ફરિયાદકર્તાનું કહેવું હતું કે એસસી-એસટી એક્ટમાં વચગાળાના જામીનની જોગવાઈ નથી. ડીએસપી વિનોદ શંકરે જણાવ્યું કે તપાસમાં સહયોગ કરવા માટે મુનમુન દત્તા હાંસી આવી હતી. તે હાઈકોર્ટમાંથી વચગાળાના જામીન પર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે