મોજમાં રહેવાનું શીખવતા કમા બાપાની અંતિમ વિદાય પણ મોજથી નીકળી, આખું ગામ જોતુ રહી ગયું

Morbi News : મોરબીમાં એક 102 વર્ષના વૃદ્ધને વાજતેગાજતે અંતિમ વિદાય આપવામાં આવી... વજેપર ગામના લોકોએ ભારે હૈયે અંતિમ વિદાય વાજતે ગાજતે આપી 
 

મોજમાં રહેવાનું શીખવતા કમા બાપાની અંતિમ વિદાય પણ મોજથી નીકળી, આખું ગામ જોતુ રહી ગયું

હિમાંશુ ભટ્ટ/મોરબી : મોરબી વજેપર વિસ્તારમાં રહેતા ૧૦૩ વર્ષના વૃધ્ધ નવઘણભાઈ પરમારનું આજે સવારે અવસાન થયું હતું અને તેમની અંતિમ ઈચ્છા હતી કે જે રીતે મોજથી જીવન જીવ્યા છે તેવી જ રીતે મોજથી તેને અંતિમ વિદાય આપવામાં આવે. જેથી કરીને આજે તેના પરિવારજનો તેમજ વજેપરના ગ્રામજનો દ્વારા તેમની અંતિમયાત્રા વાજતે ગાજતે અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં આખું વજેપર ગામ જોડાયું હતું.

સ્વાભાવિક રીતે કોઈના ઘર પાસે ડાઘુઓ ઉભા હોય ત્યારે તે ઘરની આસપાસમાં શોકનું વાતવરણ જોવા મળે છે, જેથી લોકોને ખબર પડી જાય કે અહી કોઈ માઠો પ્રસંગ લાગે છે. પરંતુ આ પ્રકારની સ્થિતમાં ઘર પાસે બેન્ડ વાજા વાગતા હોય અને સાથે ડાઘુઓને જોવા મળે તો સહુ કોઈ વિચારમાં પડી જાય કે ખુશીનો માહોલ છે કે, ગમનો. માટે તમને જણાવી દઈએ કે, મોરબીના વજેપર વિસ્તારમાં રહેતા નવઘણભાઈ ટાપુભાઇ પરમાર (૧૦૨) નું કુદરતી રીતે અવસાન થયું છે. તેમની સ્મશાન યાત્રામાં જોડાવા સગાવ્હાલા ઉપરાંત આડોશી પાડોશી સહિતના તેમના ઘરે આવ્યા હતા. દરમ્યાન બેન્ડવાજાવાળા આવીને ઘર પાસે ઉભા રહેતા ડાઘુઓ સહિતના આશ્ચર્યચકિત થઇ ગયા હતા.

વર્તમાન સમયમાં કેટલાક સંતાનો તેના વૃદ્ધ માતા-પિતાને તેની વૃદ્ધાવસ્થા વખતે વૃદ્ધાશ્રમમાં મૂકી આવતા હોય છે, ત્યારે મોરબીમાં 102 વર્ષની ઉમરે કુદરતી રીતે જ અવસાન પામેલા પિતા નવઘણભાઈ ટાપુભાઇ પરમારને તેમની અંતિમ ઈચ્છા મુજબ તેમના દીકરા સહિતના પરિવારજનો દ્વારા અંતિમ વિદાય અપાઈ હતી. બેન્ડવાજા સાથે અંતિમ યાત્રા કાઢીને અંતિમ વિદાય આપવામાં આવી હતી. જે પિતાએ આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં પણ પાપા પગલીથી પગભર થવા સુધીમાં જેનું શબ્દોમાં વર્ણવી ન શકાય, તેટલું યોગદાન આપ્યું હતું. તેની અંતિમ વિદાય દીકરા સહિતના પરિવારજનો જ નહિ, પરંતુ વજેપર ગામના લોકોએ ભારે હૈયે અંતિમ વિદાય વાજતે ગાજતે આપવામાં આવી હતી.

આ પણ વાંચો : 

નવઘણભાઈ ટાપુભાઇ પરમારના પરિવારજનો પાસેથી જાણવા મળ્યું હતું કે, મૃતક નવઘણભાઈ ટાપુભાઇ પરમાર હયાત હતા, ત્યારે તેમણે આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં પણ લોકોને ખૂબ જ સેવા કરી હતી અને સારા માઠા પ્રસંગમાં તેમની હાજરી રહેતી હતી અને કામ બાપા મોજમાં જ રહેતા હતા અને દીકરાઓ સહિતના યુવાનોને કહેતા હતા કે મોજમાં રહેવાનુ આટલું જ નહીં તેની અંતિમ વિદાય ભવ્ય હશે તેવું તે કહેતા હતા. જેથી કરીને આજે તેની અંતિમ યાત્રા વાજતે ગાજતે કાઢવામાં આવી હતી અને લીલપર રોડ ઉપર આવેલ સ્મશાન ખાતે તેમની અંતિમક્રિયા કરવામાં આવી હતી

આજે વજેપર ગામના લોકોએ નવઘણભાઈ પરમાર વાજતે ગાજતે છેલ્લી વિદાય આપી હતી અને સ્મશાને તેના મોટા દીકરા દ્વારા મુખાગ્નિ આપવામાં આવી હતી. આમ પિતાની અંતિમ ઈચ્છાને પૂરી કરવા માટે દીકરાઓ દ્વારા અંતિમયાત્રા વાજતે ગાજતે કાઢવામાં આવી હતી. જેમાં જોડાયેલા ડાઘુઓ પણ બોલી ઉઠ્યા હતા કે, વર્તમાન સમયમાં માતા-પિતાની ઈચ્છા તેમની હયાતીમાં પૂરી કરવાની વાત તો ઠીક તેમની ગેરહાજરીમાં પણ પૂરી કરે તેવા દીકરા હોય તો કદાચ વૃદ્ધાશ્રમો બંધ કરવા પડે તો નવાઈ નહિ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news