આશિયાના પર આવી આફત, એક નહીં પણ 15 જેટલા પરિવારોએ ગુમાવવું પડશે તેમનું મકાન
વર્ષ 2002માં થયેલા કોમી તોફાનો અને તેની સામાન્ય જન જીવન પર પડેલી અસરોની વિશે જે તે સમયે ઘણા અહેવાલો પ્રસિદ્ધ થયા અને સમયના ચક્ર સાથે ભુલાઇ પણ ગયા છે.
Trending Photos
જયેન્દ્ર ભોઈ, પંચમહાલ: ગુજરાતના ઇતિહાસ પર કાળી ટીલી સમાન વર્ષ 2002નો ગોધરા કાંડ અને ત્યારબાદ ફાટી નીકળેલા તોફાનોની અસરો આજની તારીખે પણ જોવા મળી રહી છે. વાત છે પંચમહાલ જિલ્લાના કાલોલની. જ્યાં કોમી તોફાનોના ભોગ બનેલા કેટલાક પરિવારો પર ફરી એક આફત આવીને ઉભી છે. સાથે સાથે કામચલાઉ આશિયાનાને કાયમી બનાવી દઇને દબાણ કરતા તરીકે હવે સરકારે તેઓને જગ્યા ખાલી કરવા માટે નોટીસ આપી છે. જાણો શું છે સમગ્ર અહેવાલ...
વર્ષ 2002માં થયેલા કોમી તોફાનો અને તેની સામાન્ય જન જીવન પર પડેલી અસરોની વિશે જે તે સમયે ઘણા અહેવાલો પ્રસિદ્ધ થયા અને સમયના ચક્ર સાથે ભુલાઇ પણ ગયા છે. પરંતુ હજુ આ ઘટનાની અસરો આટલા વર્ષો પછી પણ જોવા મળી રહી છે. કોમી તોફાનોમાં કેટલાક સમુદાયના નિર્દોષ લોકોએ પોતાનો જીવ અને આશિયાના બંને ગુમાવ્યા હતા. જીવ ગુમાવનાર તો જતા રહ્યાં પણ તાફાનોમાં બચી ગયેલા પરિવારો હાલ પણ હજુ પોતાના મૂડ સ્થાને રહેવા ગયા નથી અને કામચલાઉ જે જગ્યાઓ પર તેઓને રહેવા મોકલવામાં આવ્યા હતા તે હજુ સુધી ખાલી કરતા પણ નથી.
2002ના તોફાનો બાદ કાલોલના કેટલાક મુસ્લિમ પરિવારોના મકાનો નેસ્તો નાબુદ થઇ ગયા હતા. એવા કેટલાક પરિવારો કાલોલ પોલીસ સ્ટેશન પાછળ આવેલા જુના સરકારી દવાખાનાના મકાનોમાં રહે છે. તેઓને સરકારના માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા ગત 1 ડિસેમ્બરના રોજ સાત દિવસમાં આ વિસ્તારનો કબ્જો છોડી અન્ય જગ્યાએ જવા માટે નોટિસ ફટકારવામાં આવી છે. ત્યારે આ સરકારી સીટી સર્વે નંબર 2049માં રહેતા અંદાજિત 15 પરિવારોના માથે આફત આવીને ઉભી થઇ ગઇ છે કે હવે જાયે તો જાયે કહાં. કારણ કે તેઓ પાસે જે કોઇ મૂડી અને મિલકત હતી તે રમખાણોમાં જ ભસ્મીભૂત થઇ ગઇ હતી. તેથી હવે આ પરિવારો પાસે ઉપર આકાશ અને નીચે ધરતી સિવાય કઇ રહ્યું નથી.
2002થી એટલે કે અંદાજિત 16 વર્ષથી કાલોલના જુના સરકારી દવાખાનાના મકાન અને જગ્યામાં ગેરકાયદેસર અને પાયાની સુવિધાઓ જેવી કે વીજળી, પાણી વગર વસવાટ કરતા આ પરિવારો હવે માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા આપવામાં આવેલી નોટિસને કારણે મુશ્કેલીમાં મુકાયા છે. પરંતુ તેઓની માંગણી છે કે આટલા વર્ષોથી આ એક જ જગ્યા સ્થાયી રહ્યાં પછી હવે તેઓને ભાડે ઘર કોઇ આપતું નથી અને અન્ય કોઇ જગ્યાએ રહેવા દેતું નથી. તેથી સરકાર દ્વારા જે કોઇ વૈકલ્પિક વ્યવસ્થા કરી અન્યત્ર વસવાટ કરાવવામાં આવે તો તેઓના પરિવારો સુરક્ષિત અને સારી રીતે રહી શકે.
આ સમગ્ર મામલે નોટિસ આપનાર વિભાગના ચીફ એન્જિનીયરના મતે કાલોકના પોલીસ સ્ટેશન પાછળના વિસ્તારમાં આવેલી સીટી સર્વે નંબર 2049એ કાયદેસર સરકારની માલિકીની જગ્યા છે અને આ પરિવારો ગેરકાયદેસર રીતે જગ્યામાં કબ્જો જમાવી આટલા વર્ષોથી અહીં વસવાટ કરી રહ્યાં છે. જેથી તેઓને નોટિસ આપવામાં આવી છે. જે નોટીસ મુજબ આગામી 7 ડિસેમ્બરે આ મકાનો અને જગ્યા ખાલી કરાવવામાં આવશે.
હવે જોવાનું રહ્યું કે 16 વર્ષથી ગેરકાયદેસર અને રહેમ નજર હેઠળ વસવાટ કરતા આ 15 જેટલા પરિવારોનું ભાવી કઇ જગ્યા નક્કી થાય છે. સરકાર તેમને તે જગ્યાએ સ્થાયી વસવાટ કરાવે છે કે અન્ય કાયમી કોઇ વ્યવસ્થા કરી આપે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે