ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન વેચવાના બહાને કરોડો રૂપિયાનું કૌભાંડ કરનારા 2 ઝડપાયા

કોરોના કાળમાં લોકોને છેતરનારી અનેક ગેંગ સક્રિય થઈ ગઈ હતી. નકલી દવાઓથી માંડી અનેક મેડિકલ સાધનો ડુપ્લીકેટ બનાવી વેચાણ થતું હતું. હવે અમદાવાદમાં ઓક્સિજન કોન્સન્ટ્રેટર વેચવાના હવાને કૌભાંડ આચરનાર બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. 

ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન વેચવાના બહાને કરોડો રૂપિયાનું કૌભાંડ કરનારા 2 ઝડપાયા

મૌલિક ધામેચા / અમદાવાદઃ કોરોનાની મહામારીમાં ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન વેચવાના બહાને કરોડો રૂપિયાનું કૌભાંડ કરનારા બે આરોપીઓને અમદાવાદ સાઇબર ક્રાઈમે ઝડપી લીધા છે. આરોપી ઓનલાઈન વેબસાઇટ પર વેપારીઓ ઓક્સિજન મશીન વેચવા માટે લોભામણી લાલચ આપી ટાર્ગેટ કરતા હતા.

કાળાબજારીયાઓ વધુ રૂપિયા કમાવવાની લાલચે પહેલા દવા, ઇન્જેક્શન, ઓક્સિજન સિલિન્ડર વેંચતા પકડાયા છે. બાદમાં હવે ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીનના નામે પણ કાળા બજાર કરતા શખ્શો પોલીસના હાથે ઝડપાયા છે. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે આવા બે શખ્સોની અમદાવાદમાંથી જ ધરપકડ કરી 59 લાખ રૂપિયા કબ્જે કર્યા છે. પકડાયેલા બંને આરોપીઓની મોડેસ ઓપરેન્ડી ખુબ જ અલગ પ્રકારની હતી. જેનાથી કોઈપણ વેપારી તરત જ આકર્ષાઈ અને તેમની પાસેથી માલ ખરીદવા માટે તત્પર થઈ જતો. 

આરોપીઓએ સર્જીકલ ઇક્વિપમેન્ટનો વેપાર કરતા હોવાની એક ઓનલાઇન વેબસાઈટ  "એટમદાસ" બનાવી. તમામ સર્જિકલ સાધનો આ વેબસાઈટમાં પર મુકતા અને નાના-મોટા કોઈ પણ ઓર્ડર ઓનલાઈન વેબસાઈટ મારફતે જ મેળવતા હતા. છેલ્લા એકાદ વર્ષથી આરોપીઓએ અનેક વેપારીઓને થર્મોમીટર, ગ્લોવ્ઝ કે અન્ય સર્જીકલ ઇક્વિપમેન્ટ નામે વેપારીઓ પાસેથી લાખો રૂપિયા પણ આવ્યા હોવાનો આરોપ લાગ્યો છે. જેને પગલે સાયબર ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની વધુ પૂછપરછ કરી તપાસ હાથ ધરી છે
     
ફરિયાદી ઘાટલોડિયામાં રહેતા અને ચાંગોદરમાં એક્સ રે મશીનરી બનાવવાની ફેક્ટરી ધરાવતા નીરવ લાલાને ઓડિશાના એક ડીલરે એક બિલનો ફોટો અને કંપનીની વિગત આપી હતી. જેથી ફરિયાદીએ નિરવભાઈએ ફોન કરી એટમદાસ નામની કંપનીમાં ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન લેવાનું કહ્યું. જોકે આરોપીઓએ પહેલા ઓનલાઇન પેમેન્ટ કરવાનું કહેતા ઓર્ડર મોટો હોવાનું કહી ફરિયાદીએ એડવાન્સ રૂપિયા આપવાનું ટાળ્યું. પરંતુ ચાલક આરોપીઓએ ફોન પર જ ફરિયાદીને કહ્યું કે હાલ કોવીડ-19 પગલે આ મશીનના ખૂબ જ ઓર્ડર આવે છે તો આપે ખરીદવા હોય તો 10 ટકા એડવાન્સ પેમેન્ટ આપવું પડશે. ત્યારે નિરવભાઈએ અંકિત વાળાને 5 લિટરની ક્ષમતા ધરાવતા 1 હજાર મશીન અને 10 લીટરની ક્ષમતા વાળા 1 હજાર મશીન ખરીદવાનો ઓર્ડર આપ્યો હતો. આ આખાય ઓર્ડરની કુલ કિંમત 7 કરોડ 50 લાખ થતી જેને પગલે  નિરવભાઈ અને બીજા  ડિલરે 10 ટકા એડવાન્સ પેટે ₹ 1.13 કરોડ આપી દીધા.  પરંતુ બાદમાં મશીન મેળવવા ફોન કરતા ફોન બંધ આવ્યો અને તેમને જાણવા મળ્યું કે તેમની સાથે વિશ્વાસઘાત અને ઠગાઈ થઈ છે. જેથી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન માં ફરિયાદ દાખલ કરાવતા હાલ બન્ને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 

પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા સામે આવી કે ચાર શખ્સોની આ ટોળકી છેલ્લા એક વર્ષથી બનાવટી ઓનલાઈન વેબસાઈટ દ્વારા લોકો સાથે છેતરપિંડી કરવાનું અનોખું ષડયંત્ર બનાવી રાખેલું. જોકે હાલમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરતા અન્ય સંડોવાયેલા બે આરોપીઓને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે. ત્યારે વધુ પૂછપરછ બાદ છેલ્લા કેટલા સમયથી સર્જીકલ ઇક્વિપમેન્ટના નામે કાળાબજારી કરી લોકો ઠગાઈ કરતા હતા તે સામે આવશે. હાલમાં પુનામાં પણ એક વેપારીને આજ મોડેસ ઓપરેન્ડીથી ટાર્ગેટ કર્યા હોવાનું સામે આવ્યુ છે.
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news