આયુષ્માન કાર્ડનું મહાકૌભાંડ, સ્ટાફ સહિત અનેક લોકોની સંડોવણી આવી રહી છે સામે

રાપર તાલુકાના ફતેગઢ આરોગ્ય કેન્દ્રમાં ડુપ્લીકેટ આયુષ્યમાન ગોલ્ડન કાર્ડ બનાવનું કૌભાંડ બહાર આવ્યું હતું અને આ ગેરરીતી આચરનાર કર્મચારી સામે રાપર પોલીસે મથકે ફરિયાદ પણ નોંધાવી છે. ભારત સરકાર દ્વારા સપ્ટેમ્બર ૨૦૧૮મા આયુષ્યમાન ભારત જન આરોગ્ય યોજના કાર્યરત કરી છે.

આયુષ્માન કાર્ડનું મહાકૌભાંડ, સ્ટાફ સહિત અનેક લોકોની સંડોવણી આવી રહી છે સામે

રાજેન્દ્ર ઠક્કર/ભુજ : રાપર તાલુકાના ફતેગઢ આરોગ્ય કેન્દ્રમાં ડુપ્લીકેટ આયુષ્યમાન ગોલ્ડન કાર્ડ બનાવનું કૌભાંડ બહાર આવ્યું હતું અને આ ગેરરીતી આચરનાર કર્મચારી સામે રાપર પોલીસે મથકે ફરિયાદ પણ નોંધાવી છે. ભારત સરકાર દ્વારા સપ્ટેમ્બર ૨૦૧૮મા આયુષ્યમાન ભારત જન આરોગ્ય યોજના કાર્યરત કરી છે. આ યોજના અંતર્ગત ગરીબ પરિવારોને આયુષ્માન ગોલ્ડન કાર્ડ બનાવી આપીને પાંચ લાખ સુધી મફત આરોગ્ય સારવાર આપવામાં આવે છે, પરંતુ હવે આ યોજનામાં પણ ગેરરીતિ બહાર આવી રહી છે. રાપર તાલુકાના ફતેહગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આયુષ્યમાન ભારત જન આરોગ્ય યોજના અંતર્ગત લાભાર્થીઓને આયુષ્યમાન ગોલ્ડન કાર્ડ બનાવી આપવામાં આવી રહ્યા છે.

અહીં મલ્ટી પરપઝ હેલ્થ વર્કર દ્વારા ડુપ્લિકેટ ગોલ્ડન કાર્ડ બનાવવાનું કૌભાંડ કરવામાં આવી રહ્યું હતું. જિલ્લા આરોગ્ય વિભાગની સૂચના પછી ઇન્ચાર્જ રાપર તાલુકા આરોગ્ય અધિકારીએ ફતેગઢ આરોગ્ય કેન્દ્રમાંથી ડુપ્લીકેટ કાર્ડ બનાવવાનું કૌભાંડ પકડીને હેલ્થ વર્કર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ઇન્ચાર્જ રાપર તાલુકા હેલ્થ ઓફિસર પાઉલ સતન હેમ્બરોમ રાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે ફતેગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ભારત સરકારની આયુષ્યમાન ભારત જન આરોગ્ય યોજના અંતર્ગત લાયકાત ધરાવતાં લાભાર્થીઓને આયુષ્યમાન ગોલ્ડન કાર્ડ બનાવી આપવામાં આવે છે. આ કામગીરી મલ્ટી પરપઝ હેલ્થ વર્કર બળદેવ ભારમલ સોલંકી સંભાળી રહ્યા છે તેમણે તાલુકા આરોગ્ય અધિકારીના ઈમેલ આઈડી નો ખોટો ઉપયોગ કરી ડુપ્લીકેટ ગોલ્ડન કાર્ડ બનાવીને સરકાર સાથે વિશ્વાસઘાત કર્યો છે. 

આ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર બળદેવ સોલંકી 50 રૂપિયામાં લોકોને ડુપ્લીકેટ આયુષ્યમાન કાર્ડ બનાવી આપતો હતો. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આ મામલામાં કાર્યવાહી કરવાનો આદેશ આપતા અન્ય કર્મચારીઓ અને ભોગ બનનારના નિવેદન ઉપરથી હેલ્થ વર્કર ડુપ્લીકેટ કાર્ડ બનાવી આપતો હોવાનું બહાર આવ્યું હતું. તાલુકા આરોગ્ય અધિકારીએ નોંધાવેલી ફરિયાદના આધારે ડુપ્લીકેટ આયુષ્માન ગોલ્ડન કાર્ડ બનાવી સરકાર સાથે છેતરપિંડી કરનાર બળદેવ ભારમલ સોલંકી સામે પોલીસે ગુનો નોંધ્યો હતો.

કચ્છના લગભગ તમામ તાલુકાઓમાં ભારત સરકારની આયુષ્માન ભારત જન આરોગ્ય યોજના અંતર્ગત લાયકાત ધરાવતાં લાભાર્થીઓને ગોલ્ડન કાર્ડ બનાવી આપવાની કામગીરી ચાલુ છે. ઉપર મોનીટરીંગ તાલુકા આરોગ્ય અધિકારીઓએ કરવાનું છે અને તેની ઉપર મોનીટરીંગ જિલ્લા આરોગ્ય અધિકારી કરી રહ્યા છે. જો કે ડુપ્લિકેટ આયુષ્યમાન કાર્ડ બનાવવાનું કૌભાંડ રાપરમાંથી ઝડપાયું છે તેની સાથે સાથ અન્ય તાલુકાઓમાં ચાલતી કામગીરી ઉપર જિલ્લા આરોગ્ય અધિકારી અને તેમની ટીમ દ્વારા તપાસ કરાવવામાં આવે તે જરૂરી છે. 

ફતેગઢ આરોગ્ય કેન્દ્રમાં 50 રૂપિયામાં ડુપ્લીકેટ કાર્ડ બનાવીને લોકોને અપાતા આ કોભાંડ પકડાયા પછી અન્ય તાલુકાઓમાં પણ તપાસ કરવી જરૂરી છે. જિલ્લા આરોગ્ય અધિકારી આ મામલે સંજ્ઞાન લઇને તપાસ કરે તો જરૂરી બન્યું છે.

આ અંગે રાપર તાલુકા આરોગ્ય અધિકારી પાઉલ સતન હેમ્બરોમએ જણાવ્યું હતું કે જિલ્લા આરોગ્ય વિભાગના આદેશ અનુસાર આ અંગે તપાસ કરી સંબંધિતના નિવેદનો લઈ ફરિયાદ નોંધાવી હતી. આશા વર્કર કૈલાસબેન સુથારે નર્સ દ્વારા આપવામાં આવેલી સુચના અનુસાર ત્રણ વ્યક્તિઓને કાર્ડ બનાવવાની જાણ કરી હતી. બાદમાં કેટલા કાર્ડ બન્યા તેની પોતાને જાણ નથી તેમ જણાવ્યું હતું. જ્યારે દેવરાજભાઈ ઉમટે પોતાના પરિવારના ચાર કાર્ડ કઢાવ્યા હતા તે પોલીસે પરત લઈ લીધા હોવાનું જણાવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news