અમદાવાદમાં ચોરીના આરોપમાં એક યુવકને તાલીબાની સજા આપવામાં આવી, સારવાર દરમિયાન યુવકનું મોત
અમદાવાદમાં એક યુવક પર ચોરીનો આરોપ લગાવી કેટલાક લોકોએ ભેગા મળીને ઢોર માર માર્યો હતો. ત્યારબાદ સારવાર દરમિયાન યુવકનું મોત થયું છે.
Trending Photos
ઉદય રંજન, અમદાવાદઃ શહેરના દાણીલીમડા વિસ્તારમાં સાત શખ્સોએ ભેગા મળીને એક યુવકને તાલીબાની સજા આપી હોવાની ઘટના સામે આવી છે. સાત લોકોએ એક યુવક પર ચોરીની શંકા રાખી તેને પહેલા માર માર્યો હતો. બાદમાં તેના ભાઈના ઘરે લઈ જઈ આ બાબતની જાણ કરતા મૃતકના ભાઈએ ચોરી કરી હોય તો પોલીસને સોંપવા શખ્સોને કહ્યું હતું. પણ આરોપીઓએ અમે અમારી રીતે સજા આપીશું તેમ કહી તેનું અપહરણ કરી લઇ ગયા હતા. જ્યાં યુવકના પેન્ટમાં કપચી પથ્થર ભરી તેને દોરડાથી ખુરશી સાથે બાંધી રૂમમાં બંધ કરી દીધો હતો. બાદમાં તેને ડંડાથી માર મારી તેના પરિવારને સોંપી દીધો હતો. યુવકને તેના પરિવારજનો હોસ્પિટલમાં લઇ જતા મોત નીપજ્યું હતું. જેને લઇને દાણીલીમડા પોલીસે ગુનો નોંધી તમામ આરોપી ઓની ધરપકડ કરી છે.
દાણીલીમડા બેરલ માર્કેટમાં મુજીબ અન્સારી રહે છે અને સિલાઈકામ કરે છે. તેમનો એક ભાઈ નદીમ માતા સાથે ફૈસલ નગરમાં રહેતો હતો. ગત 15મી જૂનના રોજ વહેલી સવારે એક મહિલા સહિત સાત લોકો મુજીબના ઘરે તેના ભાઈએ ચોરી કરી હોવાનું કહી નદીમને લઈને આવ્યા હતા. જેથી મુજીબે ટોળામાં રહેલી મહિલાને કહ્યું કે જો તેના ભાઇએ ચોરી કરી હોય તો તેને પોલીસને સોંપી દો. ત્યારબાદ આ તમામ શખ્સો નદીમને રીક્ષામાં બેસાડીને તેનું અપહરણ કરીને ફરાર થઇ ગયા હતા. બાદમાં આરોપીઓએ બપોરે નદીમની બહેનને ફોન કરીને તેમના ભાઈને લઈ જવાનું કહેતા તેઓ નદીમને ઘરે લઈ આવ્યા હતા. આરોપીઓએ નદીમની બહેનને પોલીસ ફરિયાદ કરશો તો હજુ મારીશું તેવી ધમકી આપી હતી.
ત્યાં માતા અને બહેને જોયું તો નદીમને ઈજાઓ પહોંચી હતી અને લોહીલુહાણ હાલતમાં હતો. ત્યારે નદીમે પરિવારજનોને જણાવ્યુ કે રેહાના બાનુ શેખ, શાહરુખ હશન શેખ, આમીર હસન શેખ, સમીર ખાન ઉર્ફે જાંજરૂ સિપાઈ, મોહમંદ હમદ ઉર્ફે સોનુ શેખ, અયુબ ઉર્ફે પોટલી પઠાણ અને સોહિલ ઉર્ફે ઘીએ ભેગા મળીને ચોરીનો આરોપ લગાવ્યો હતો. બાદમાં કસાઈ જમાતની ચાલીમાં દોરડાથી બાંધી રૂમમાં બંધ કરી દીધો અને પેન્ટમાં કપચી પથ્થર નાખી દંડા અને પટ્ટાથી માર્યો હતો. ત્યારે નદીમ બેભાન થઇ ગયા અને ભાનમાં આવતા તેના પરિવારને ફોન કરી બોલાવ્યા હતા. આ સાંભળીને જ માતા અને બહેન ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા હતા. બાદમાં પરિવારે નદીમને સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાં એલજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન નદીમનું મોત થતાં દાણીલીમડા પોલીસે સાત લોકો સામે ગુનો નોંધી આરોપી ઓની ધરપકડ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે