વાહ પોલીસ! 9 લોકોને કચડી નાંખનાર નફ્ફટ નબીરાને માત્ર બે ઉઠકબેઠક, મધ્યમવર્ગને દંડાવાળી

Ahmedabad Accident: ગુજરાત પોલીસના બાહોશ અધિકારીએ જાણે બોર્ડર પરથી કોઈ આતંકવાદીને પકડી લીધો હોય એ રીતે ડંડો લઈને યુવકની જાહેરમાં ધોલાઈ કરી. યુવક ચીસાચીસ કરતો રહ્યો પણ અધિકારીએ દંડા ફટકારવાનું ચાલુ રાખ્યું.

વાહ પોલીસ! 9 લોકોને કચડી નાંખનાર નફ્ફટ નબીરાને માત્ર બે ઉઠકબેઠક, મધ્યમવર્ગને દંડાવાળી

Ahmedabad Accident/ઝી બ્યૂરો, અમદાવાદઃ અમદાવાદના એસ.જી.હાઈવે પરના ઈસ્કોન બ્રિજ પાસે કરોડપતિ બાપના નફ્ફટ નબીરાએ નવ નિર્દોષ લોકોને કચડી નાંખ્યાં. નફ્ફટ નબીરા તથ્ય પટેલ અને તેના બળાત્કાર કેસમાં સંડોવાયેલાં બાપને માત્ર પોલીસે બે જ ઉઠકબેઠક કરાવી. માલેતૂઝાર બાપ-બેટાંને ઉઠકબેઠક કરતા જોઈને પોલીસના ઉચ્ચઅધિકારીનું દિલ પણ પીગળી ગયું. એટલે બે ઉઠકબેઠક બાદ જ તેમને બસ બસ કહી દેવામાં આવ્યું. એમ લાગે કે પોલીસ ખરેખર બહુ દયાળુ છે. બીજી તરફ આ ઘટનાની સરખામણીએ ત્યાર બાદ અમદાવાદના મણિનગરમાં થયેલાં સામાન્ય અકસ્માતની ઘટનામાં પોલીસે કાર ચાલક સહિત બે યુવકોની પોલીસે જાહેરમાં દંડાવાળી કરીને સરભરા કરી.

સોમવારે અમદાવાદના મણિનગર વિસ્તારમાં દારૂ પીને અકસ્માત સર્જનારા આરોપીની પોલીસે જાહેરમાં સરભરા કરી હતી. મણિનગરમાં દારૂ પીને અકસ્માત સર્જનારને પોલીસે જાહેરમાં મેથીપાક ચખાડ્યો હતો. પહેલાં એક પોલીસ કોન્સટેબલે તે યુવકને બે હાથથી બરાબર પકડ્યો. ત્યાર બાદ ગુજરાત પોલીસના બાહોશ અધિકારીએ જાણે બોર્ડર પરથી કોઈ આતંકવાદીને પકડી લીધો હોય એ રીતે ડંડો લઈને યુવકની જાહેરમાં ધોલાઈ કરી. યુવક ચીસાચીસ કરતો રહ્યો પણ અધિકારીએ ડંડો ફટકારવાનું ચાલુ રાખ્યું. આ દરમિયાન યુવકો કગરતા જોવા મળી રહ્યા છે. સાહેબ બહુ દુખે છે... બહુ જ દુખે છે... તેવુ આરોપીઓ કહી રહ્યા છે છતા પોલીસ તેમને ફટકારી રહી છે. 

માની લઈએકે, પોલીસનો આશય આવા છેલબટાઉ યુવકોને રફ ડ્રાઈવિંગ રોકવાનો હશે એવું માની લઈએ. આવી જ બહાદૂરી પોલીસ તથ્ય પટેલ સામે કેમ નથી બતાવી શકતી. બબ્બે પોલીસ કર્મીઓ સહિત નવ લોકોને જીવતા જીવ કચડી નાંખનાર મોટા બાપના નબીરા તથ્ય પટેલનો પોલીસ વાળ પણ વાંકો કરી શકી નથી.

માલેતુજાર પિતા-પુત્રની ઉઠકબેઠકથી પોલીસને દયા છલકી પોલીસના બે ચહેરાઃ તથ્યને રોક્યો અને કેદારને ઠોક્યો
પોલીસનો ડંડો માત્ર ગરીબ અને મધ્યમવર્ગની સામે જ કેમ બડી ચઢીને બોલે છે. એસ.જી.હાઈવે. વર્ષોથી રોજ આ જ રીતે નબીરાઓ ફાસ્ટ સ્પીડમાં ગાડીઓ ચલાવે છે. બાઈક અને ગાડીઓની સ્પીડ રેસ કરે છે. રોડને પોતાના બારની જાગીર સમજીને સરકારી રસ્તાને રેસિંગ ટ્રેક બનાવીને રોજ રાતે રમત કરતા હોય છે. ત્યારે ક્યાં ઊંઘી જાય છે ગુજરાત પોલીસ અને તેમના બાહોશ અધિકારીઓ? ક્યારે પોલીસને આ નબીરાઓની આવી હરકતો કેમ દેખાતી નથી? 

ગુજરાતમાં દારૂબંધી હોવા છતા લગભગ દરેક શહેરમાં અને દરેક વિસ્તારમાં બેફામ દારૂ અને નશીલા દ્રવ્યોનું વેચાણ થાય છે અને તેનું સેવન પણ થાય છે. ગરીબ અને મધ્યવર્ગ વાળા એમની હેસિયત પ્રમાણે અને મોટા બારના નબીરાઓ એમની હેસિયત પ્રમાણે નશો કરીને ફરતા હોય છે. પણ પોલીસ માત્ર ગરીબડી ગાયો પર જ ડંડા વરસાવે છે અને પગલાં લે છે. બાકી મોટી ગાડી જોઈને તો ટ્રાફિક પોલીસ પણ કોઈ દિવસ તેને રોકવાની હિંમત નથી કરતી. 

મોટાભાગની મોટી ગાડીઓ બ્લેક ફિલ્મ લાગેલી હોય છે પણ પોલીસ કેમ તેને પકડતી નથી. આવી કોઈ ઘટના બને ત્યારે ફાલતુમાં ટ્રાફિક ડ્રાઈવ અને પોલીસ ડ્રાઈવ જેવા રૂપકડા નામો આપીને માત્ર નાટકો કરવામાં આવે છે. સચિવાલયમાંથી નીકળતી મોટાભાગના મોટામાથાઓની ગાડીઓ પુરેપુરી બ્લેક ફિલ્મવાળી હોય છે અંદર કોણ બેઠું છે અને અંદર શું ચાલે છે તે દેખાતું નથી પણ તેને રોકવાની કે પકડવાની પોલીસ કેમ ક્યારેય હિંમત કરતી નથી?

તથ્યની ઘટના બાદ ગુજરાત પોલીસ હવે પુરજોશ સાથે મેદાનમાં ઉતરી ગઈ છે. પોલીસ હવે રફ ડ્રાઈવિંગ વાળાને પાઠ ભણાવી રહી છે. પણ પોલીસ માત્ર ગરીબ અને મધ્યવર્ગ પરને કાયદામાં રહેવાનું શિખવે છે. માલેતુઝારો, પૈસાવાળાઓ અને મોટા પાવર પોજિશનવાળા સામે પોલીસ પણ જાણવા છતાં કેમ આંખ આડા કાન કરી લે છે?

પોલીસે પોતાની આવી બેવડી નીતિઓમાં સુધારો ક્યારે કરશે? ગુજરાતમાં દારૂબંધી છે બધા જાણે છે તેમ છતાં આખા દેશમાં કદાચ સૌથી વધારે દારૂ ગુજરાતમાં વેચાય છે અને પીવાય છે, આ દારૂ ક્યાંથી આવે છે? શું પોલીસની રહેમનજર વિના આ બધુ શક્ય છે? આવા કેટલાંય સવાલો ના જવાબો આપણી પોલીસે પણ શોધવાની જરૂર છે. અને એના જવાબો આપણાં જ અંતરમનથી પૂછવાની જરૂર છે...શું આવી બેવડીનીતિથી સિસ્ટમમાં સુધારો થશે?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news