અમદાવાદમાં હચમચાવી દે તેવું કૃત્ય : માતા-કાકાને મોતને ઘાટ ઉતારી યુવક બે દિવસ લાશ પાસે બેસી રહ્યો

અમદાવાદમાં હચમચાવી દે તેવું કૃત્ય : માતા-કાકાને મોતને ઘાટ ઉતારી યુવક બે દિવસ લાશ પાસે બેસી રહ્યો
  • કાકા-માતાની હત્યા કર્યા બાદ યુવકે પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો
  • બનાવની આખી વિગત જાણીને ઈસનપુર પોલીસ પણ ચોંકી ઉઠી

મૌલિક ધામેચા /અમદાવાદ :અમદાવાદ (Ahmedabad) ના ઈસનપુરમાં ડબલ મર્ડર (double murder) નો બનાવ સામે આવ્યો છે. કાકા અને માતાની હત્યા કર્યા બાદ આરોપી યુવકે પણ આત્મહત્યા (suicide) નો પ્રયાસ કર્યો. જોકે આત્મહત્યા માટે બે વખત પ્રયાસ કરવા છતાં યુવકનું મોત ના થતા અંતે તેણે તેના સબંધીને પોતે કરેલા ગુનાની જાણ કરી હતી. જે કૃત્ય કોઈ પણ ને હચમચાવી દે તેવું છે. 

માતા-કાકાની હત્યા કરી સંબંધીને ફોન કર્યો 
‘મેં મારી માતા અને કાકાની હત્યા કરી છે. અને મેં આત્મહત્યાનો પ્રયાસ કર્યો પરંતુ મારું મોત થઈ શકતું નથી....’ આ શબ્દ છે ઈસનપુર વિસ્તારમાં આવેલ સુમન સજની સોસાયટીમાં રહેતા વરુણ પંડ્યાના. જેણે તેની માતા અને કાકાની હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. વરુણે આ ઘટનાની જાણ તેના એક સંબંધીને કરી હતી. જો કે પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારે વરુણ લોહી લુહાણ હાલમાં જોવા મળ્યો હતો. જેથી પોલીસે તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.

પોતે બે વાર કરેલો આત્મહત્યાનો પ્રયાસ અસફળ નીવડ્યો 
જો કે વરુણને સારવાર માટે મોકલ્યા બાદ ઘરમાં તપાસ કરતા તેની માતા વંદનાબેન અને કાકા અમૂલભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક જાણકારીમાં જાણવા મળ્યું છે કે, સોમવારે વરુણે તેના કાકા અને માતાની હત્યા કરી પોતે પણ ગળે ફાંસો ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જો કે ગળેફાંસો ખાવાથી તેનું મૃત્યુ ન થતાં તેણે છરી વડે પેટના ભાગે ઘા માર્યા હતા. તેમ છતાં મોત ન થતા તે બે દિવસ સુધી લોહીલુહાણ હાલમાં રૂમમાં બંને મૃતદેહ પાસે બેસી રહ્યો હતો. આખરે કંટાળીને તેણે તેના એક સંબંધીને આ બાબતની જાણ કરી હતી. 

કાકાના પેન્શનથી ઘર ચાલતુ હતું 
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે સાત આઠ દિવસ પહેલા વરુણના બહેન કિન્નરીનું પણ હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. જેનો આઘાત તેઓ સહન કરી શક્યા ન હતા. બીજી તરફ એવું પણ જાણવા મળી રહ્યું છે કે, આર્થિક સંકડામણના કારણે તેણે આ પગલું ભર્યું હોય શકે છે. મૃતક અમૂલ પંડ્યા કોર્પોરેશનમાં પબ્લિક હેલ્થ ઓફિસર તરીકે કામ કરતા હતા. પરંતુ સાતેક વર્ષ પહેલાં તેઓ નિવૃત્ત થયા છે. જેમના પેન્શનથી ઘરનું ગુજરાન ચાલતું હતું. જો કે આ સમગ્ર મામલે પોલીસે FSL ની મદદ લઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news