AHMEDABAD: ધૈર્યરાજ જેવી જ ગંભીર બિમારીથી પીડાઇ છે આ બાળક, નાગરિકોને કરી મદદની અપીલ

ધૈર્યરાજસિંહની જેમ ગુજરાતના બીજા એક બાળકને લોકોના સહયોગની જરૂર છે. કોડીનાર તાલુકાના વિવાનને પણ રૂપિયા 16 કરોડના ઈન્જેક્શનની જરૂર છે. જેના વગર તેની સામાન્ય જીંદગી શક્ય નથી. કારણકે તેને સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી 1 નામની બિમારી છે. જેના કારણે તે સામાન્ય હલન ચલન પણ નથી કરી શકતો. વિદેશી ઈન્જેક્શન વગર આ બિમારીનો ઈલાજ શક્ય નથી.

Updated By: Aug 5, 2021, 09:16 PM IST
AHMEDABAD: ધૈર્યરાજ જેવી જ ગંભીર બિમારીથી પીડાઇ છે આ બાળક, નાગરિકોને કરી મદદની અપીલ

બ્રિજેશ દોશી/અમદાવાદ : ધૈર્યરાજસિંહની જેમ ગુજરાતના બીજા એક બાળકને લોકોના સહયોગની જરૂર છે. કોડીનાર તાલુકાના વિવાનને પણ રૂપિયા 16 કરોડના ઈન્જેક્શનની જરૂર છે. જેના વગર તેની સામાન્ય જીંદગી શક્ય નથી. કારણકે તેને સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી 1 નામની બિમારી છે. જેના કારણે તે સામાન્ય હલન ચલન પણ નથી કરી શકતો. વિદેશી ઈન્જેક્શન વગર આ બિમારીનો ઈલાજ શક્ય નથી. જેના કારણે હાલ વિવાનનો પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે. કોડીનારના આલીદર ગામના અશોક વાઢેલના મધ્યમવર્ગીય પરિવારમાં વિવાનનો જન્મ થયો. જન્મના દોઢ મહિના બાદ મધ્યમવર્ગીય વાઢેલ પરિવારને આઘાતજનક સમાચાર મળ્યા. કારણ કે દોઢ મહિના સુધી વિવાનની શારીરીક હલન ચલન સામાન્ય ન થતા પરિવારને શંકા ગઈ અને તબીબોને બતાવ્યું. 

જૂનાગઢમાં કરાવેલા તમામ રિપોર્ટ સામાન્ય આવ્યા બાદ પરિવારને રાજકોટના તબીબ પાસે રીફર કરાયા જ્યાંથી સેમ્પલ ચેન્નાઈ મોકલવામાં આવ્યા હતા. આ બિમારી વિશે પરિવારને જાણ થઈ. અશોકભાઈ આ બિમારી અંગે મુંબઈમાં પણ આ રોગના નિષ્ણાત તબીબને મળ્યા અને તેમણે પરિવારને 16 કરોડના ઈન્જેક્શન અંગે વાત કરી. જેના કારણે પરિવારે સ્થાનિક આગેવાનો અને રાજ્ય સરકારનો સંપર્ક કર્યો અને વિવાન માટે લોકોની મદદ માગી. સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી 1 બીમારી ડીએનએ આધારીત છે. કરોડરજ્જુમાં નબળાઈ અને બગાડ પેદા કરે છે. 

જેના કારણે સામાન્ય હલન ચલન પણ શક્ય રહેતી નથી. આ ડીએનએ સર્વાઈકલમાં પ્રોટીન ઉત્પન્ન કરે છે, જે માનવ શરીરમાં ન્યુરોન્સનું પ્રમાણ જાળવી રાખે છે. પરંતુ તેમાં ખામી હોય ત્યારે ન્યુરોન્સનું સ્તર જળવાતું નથી. આ રોગની સારવાર ખૂબ મોંઘી છે. આ માટે અમેરિકાથી રૂ. 22 કરોડ કિંમતનું ઈન્જેક્શન મંગાવવું પડે છે. જો કેન્દ્ર સરકાર ટેક્સ માફ કરે તો પણ 16 કરોડ રૂપિયાનું પડે છે. પરિવારે પોતાની જાતે સ્થાનિક લોકોની મદદથી અત્યાર સુધી રૂપિયા 2 કરોડ એકઠા કર્યા છે. જે પૂરતા નથી. 

હજુ પણ 14 કરોડથી વધુ રુપિયાની સહાય પરિવારને જોઈએ છે. જેના કારણે પરિવાર હાલ કોડીનાર છોડીને અમદાવાદ આવી પહોંચ્યો છે. અમદાવાદ અને ગાંધીનગરના શહેરીજનો પાસે પરિવાર મદદની આશા રાખી રહ્યો છે અને રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર પણ આ અંગે મદદ કરે તેવી રજૂઆત કરશે. હાલ તો પિતા અશોકભાઈ પોતાની નોકરીમાં રજા મૂકીને પોતાના સંતાન માટે લોકોને અરજ કરી રહ્યા છે. ગુજરાતના લોકો ફૂલ નહીં તો ફૂલની પાંખડી સમજીને મદદ કરે તો આ જંગી ખર્ચને પહોંચી વળાશે તેવી આશા હાલ તો વિવાનના પિતા રાખી રહ્યા છે. ઘૈર્યરાજસિંહની જેમ વિવાનને પણ લોકો મદદ કરે તો તેની બિમારીનો ઈલાજ થઈ શકે તેમ છે અને તેથી જ પરિવાર હવે લોકો પાસે મદદ માગી રહ્યો છે.

કેવી રીતે વિવાનને કરશો મદદ..
વિવાનના બેંક ખાતામાં સીધા જ રૂપિયા જમા કરીને મદદ કરી શકાશે જેની વિગતો નીચે પ્રમાણે છે.
BANK NAME -YESBANK 
ACCOUNT NO-700701717151421 
IFSC CODE -YESB0CMSNOC
UPI Id- supportvivan8@yesbankltd

વિવાનને બાળકોમાં જૂજ રીતે જોવા મળતી આ બિમારી જોવા મળી રહી છે. જેના કારણે હાલ તો તે સામાન્ય બાળકોને જેમ હલનચલન નથી કરી શકતો તેવા સંજોગોમાં આ ઈન્જેક્શન સિવાય પરિવાર પાસે કોઈ વિકલ્પ નથી. ત્યારે હવે તેમની છેલ્લી આશા લોકોની મદદની છે. લોકો મદદ કરશે તો જ આ ઈન્જેક્શન માટે જરૂરી સહાય મળી શકશે ત્યારે ઝી 24 કલાક પણ લોકોને વિવાનને મદદ કરવા અપીલ કરે છે.