પાણીદાર ભાવનગરને વધારે પાણીદાર બનાવવા માટે કોર્પોરેશન દ્વારા વધારે એક પ્રોજેક્ટ મુકવામાં આવ્યો
Trending Photos
ભાવનગર : જિલ્લામાં 15 માર્ચથી સુજલામ-સુફલામ યોજના નો પ્રારંભ થશે, આ યોજના હેઠળ વરસાદી પાણીના સંગ્રહ માટે તળાવો ઉંડા ઉત્તારવાની અને નવા બનાવવાની કામગીરી કરવામાં આવતી હોય છે. જેના પગલે ભાવનગર જિલ્લામાં છેલ્લા ચાર વર્ષમાં આશરે ૩પ૦૦ જેટલા નાનામોટા તળાવો ઉંડા ઉતારવાની કામગીરી કરવામાં આવી છે. જિલ્લામાં વધુમાં વધુ પાણીનો સંગ્રહ થઈ શકે એ માટે ચાલુ વર્ષે પાંચમા તબક્કામાં જુની અને નવી મળી આશરે ૧ હજાર અરજી હેઠળ કામગીરી શરૂ કરવામાં આવશે.
સુજલામ સુફલામ યોજના હેઠળ ભાવનગર જીલ્લામાં આવતા તળાવો, નદીઓ, ચેકડેમો ઉંડા ઉતારવામાં આવ્યા છે. જે કામગીરીના કારણે ભાવનગર જીલ્લાનાં છેવાડાનાં દરિયાઈ પટ્ટી વિસ્તાર ધરાવતા અનેક ગામોનાં ખેડૂતોની ખેતી માટેની ચિંતા હળવી બની છે. સુજલામ સુફલામ યોજના હેઠળ દરિયા કાંઠાના ઘોઘા, કોળીયાક, હાથબ, ખડસલિયા, મીઠી વીરડી સહીતનાં ગ્રામ્ય વિસ્તારોમાં કામગીરી થતાં દરિયાઈ ખારાશ પણ ઘટવા પામી છે. ગામોમાં કુવા અને બોરનાં તળ પણ ઊંચા આવતા ખેડૂતો માટે લાભદાયી નીવડ્યા છે. જેના કારણે ખેડૂતો ફળફળાદિનાં પાકો લેતા થયા છે, ત્યારે હવે ચાલુ વર્ષે ચોમાસાની સીઝન પૂર્વે વરસાદી પાણીનાં સંગ્રહ માટે સુજલામ સુફલામ યોજનાના પાંચમા તબક્કાની શરૂઆત થવા જઈ રહી છે.
જેમાં નદી, નાળાની સફાઈ તેમજ તળાવ અને ચેકડેમો ઊંડા ઉતારવા જેવી કામગીરી કરવામાં આવતી હોય છે. જેના ભાગરૂપે આગામી તા.૧પ માર્ચથી કામગીરીનો પ્રારંભ થશે. હાલ ભાવનગર જીલ્લામાં સતત પાંચમાં વર્ષે સુજલામ સુફલામ યોજના અંતર્ગત કામગીરી કરવા માટે જીલ્લા પંચાયત સિચાઈ વિભાગ દ્વારા અરજીઓ લેવામાં આવી રહી છે. જેમાં ગત વર્ષેની બાકી રહેલ ૬૦૦ અરજી તેમજ ચાલુ વર્ષ પ્રારંભથી આજ દિન સુધી ૪૦૦ અરજી મળી કુલ ૧૦૦૦ જેટલી અરજી અંતર્ગત કામગીરી માટેનાં આયોજન માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ યોજનામાં અત્યાર સુધી ૬૦-૪૦ હેઠળ લોક ભાગીદારીથી કામ થતા હતા, જેમાં સરકાર દ્વારા ૬૦ ટકા રકમ અને ૪૦ ટકા રકમ લોકોએ નાખવાની થતી હતી જે હવે ૭૦-૩૦ હેઠળ કામગીરી કરવામાં આવશે.
સુજલામ સુફલામ્ યોજનામાં વર્ષ ૨૦૧૮ થી ૨૦૨૧માં ચાર તબક્કા સફળ રીતે પૂર્ણ કરવામાં આવ્યા છે. જેમાં કુલ ૩૮૭ ચેકડેમ તથા ૬ર૮ તળાવ ઉંડા ઉતારવામાં આવ્યા જેથી વર્ષ ૨૦૧૮માં ૩૫.૮૧ કરોડ લીટર પાણી, વર્ષ ૨૦૧૯માં ૧૭૭.૬૭ કરોડ લીટર પાણી, વર્ષ ૨૦૨૦માં ૯૪.૨૧ અને વર્ષ ૨૦૨૧માં ૧૭૧.૫૯ કરોડ લીટર પાણીની સંગ્રહ શક્તિમાં વધારો થયો છે. ભાવનગર જિલ્લામાં ગત વર્ષ ર૦ર૧માં સુજલામ સુફલામ યોજના હેઠળ ૯ર૬ કામ થયા હતા. જેમાં ૩૦ર ચેકડેમ ડેમ, ૪૩પ તળાવ, ૧૧ જળાશય ઉંડા ઉતારવા અને ૩૪ કેનાલની સફાઈ કરવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે