અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો રદ, પણ માનતા-બાધા પૂરી કરનારાઓ માટે મંદિરના દ્વાર ખુલ્લા
Trending Photos
પરખ અગ્રવાલ/વડોદરા :શક્તિ, ભક્તિ અને આસ્થાનું પર્વ એટલે ભાદરવી પૂનમ (bhadarvi poonam) નો મેળો, જે દર વર્ષે અંબાજી (Ambaji) માં ભરાય છે. જેમાં 20 થી 25 લાખ શ્રદ્ધાળુઓ પગપાળા ચાલી અંબાજી પહોંચતા હોય છે. આ મેળો ગત વર્ષે કોરોના મહામારીના કારણે બંધ રખાયો હતો. ચાલુ વર્ષે મેળો તો બંધ રખાયો છે, પણ બાધા માનતા પુરી કરવા આવનાર શ્રદ્ધાળુઓ માટે અંબાજી મંદિરના દ્વાર ખુલ્લા રાખવામાં આવ્યા છે.
શક્તિપીઠ અંબાજી કરોડો માઇભક્તોના આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે. જ્યાં શ્રદ્ધાળુઓનો મોટો મેળાવડો જામતો હોય છે. ચાલુ વર્ષે ભાદરવી પૂનમનો મેળો રદ્દ કરવામાં આવ્યો છે. પણ બાધા આંખડી પૂરી કરવા આવનાર માટે મંદિરના દ્વાર ખુલ્લા રખાતા હજારો માઇભક્તો અંબાજી મંદિરના દર્શને પહોંચ્યા છે. આવતી કાલે ભાદરવી પૂનમ છે અને બપોર બાદ શ્રાધ્ધપક્ષ શરૂ થઈ જવાનું છે. જેથી શ્રદ્ધાળુઓની સંખ્યામાં ઘટાડો થઈ જતો હોય છે. જેને લઈ આજે અંબાજી મંદિરમાં અનેક શ્રદ્ધાળુઓએ માં અંબાના નતમસ્તક થઈ દર્શન કર્યા હતા. માતાજીને નવરાત્રિ દરમિયાન પોતાના ઘરે આવવા નિમંત્રણ પણ પાઠવ્યું હતું. આજનો મેળો જોતા ભીડવાળો મેળો નહિ, પણ ભક્તોની આસ્થાનો મેળાવડો જોવા મળ્યો હતો. જ્યાં બાધા આંખડીવાળા ભક્તો સાથે અન્ય ભક્તોએ પણ માતાજીના દર્શનનો લાભ લઈ રહ્યા છે.
અમદાવાદના શ્રદ્ધાળુ હિંમતભાઈ દવેએ જણાવ્યું કે, ભક્તોની આસ્થા અતૂટ છે, અને માં અંબેના દરબારમાં જે પણ ભક્તો બાધા રાખે છે તેમની મનોકામના પૂર્ણ પણ થાય છે તેવા અનેક ભક્તો છે. જેમા કેટલાક માતાજીની અખંડ જ્યોત લઈ, તો કેટલાક માથે ગરબી લઈ, ને તો ક્યાંક રગડતાં રગડતાં ભારે કષ્ટ સાથે પોતાની બાધા માનતા પૂર્ણ કરવા આ ભાદરવી પૂનમ દરમિયાન અંબાજી પહોંચે છે. તો કેટલાક ભક્તો નિયમિત પૂનમ ભરનારા પણ અંબાજી જતા હોય છે.
વિરમગામના શ્રદ્ધાળુ અરુણભાઈ ત્રિવેદીએ જણાવ્યું કે, ચાલુ વર્ષે અંબાજીનો મેળો સરકારી રાહે બંધ રાખવા આદેશ કરાયો છે, ત્યાં બીજી તરફ વરસાદી માહોલ છે. સાથે લોકોમાં કોરોના મહામારીનો ડર સતાવી રહ્યો છે. આ ઉપરાંત અંબાજી જતા માર્ગો ઉપર કોઈ સેવા કેન્દ્રો પણ ઉભા કરાયા નથી. પરિણામે આ વખતે ભાદરવી પૂનમ માટે અંબાજી જતા શ્રદ્ધાળુઓમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે