ચૂંટણી નજીક આવે છે એટલે ખેડૂતો યાદ આવ્યાઃ કોંગ્રેસ

કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આ નિર્ણયને ચૂંટણીલક્ષી ગણાવ્યો છે. 

 

ચૂંટણી નજીક આવે છે એટલે ખેડૂતો યાદ આવ્યાઃ કોંગ્રેસ

અમદાવાદઃ રાજ્ય સહિત દેશભરના ખેડૂતોને કેન્દ્ર સરકારે મોટી ભેટ આપી છે.  કેન્દ્ર સરકારે અનાજ-કઠોળના ટેકાના ભાવ ક્વિન્ટલ દીઠ રૂપિયા 200 વધાર્યા છે. જેથી હાલનો ભાવ રૂપિયા 1,750 કરી દીધા છે. કેબિનેટે બુધવારે આ મંજૂરી આપી છે. અનાજ-કઠોળના ટેકાના ભાવમાં છેલ્લા 10 વર્ષમાં આ સૌથી વધારે વધારો જોવા મળ્યો છે. આ પહેલાં 2008-09માં અનાજ કઠોળના ટેકાના ભાવમાં ક્વિન્ટલ દીઠ રૂપિયા 155નો વધારો કરવામાં આવ્યો હતો. કેન્દ્રના નિર્ણયનું મુખ્યપ્રધાન  રૂપાણી સહિત ભાજપના નેતાઓએ સ્વાગત કર્યું હતું.  તો બીજી બાજુ વિપક્ષનો આક્ષેપ છે કે કેન્દ્રના નિર્ણયથી ખેડૂતોને ફાયદો નહીં થાય. આ માત્ર આંકડાની માયાજાળ છે.

કેન્દ્ર સરકારના નિર્ણય અંગે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ નિવેદન આપ્યું હતું. અમિત ચાવડાએ જણાવ્યું કે કેન્દ્ર સરકારને ચાર વર્ષ સુધી ખેડૂત યાદ ન આવ્યા, દેશભરમાં દર 24 કલાકે 35 ખેડૂત આપઘાત કરી રહ્યા છે, કોગ્રેસ શાસનમાં કૃષિ વિકાસ વૃદ્ધિ 4.2 ટકા હતી, જ્યારે ભાજપના શાસનમાં કૃષિ વિકાસ વૃદ્ધિ 1.4 ટકા છે. એટલું જ નહીં  વિદેશમાં જતી કૃષિ પેદાશ ઘટી છે, જ્યારે વિદેશમાંથી આયાત થતી કૃષિ પેદાશ વધી રહી છે. ખેડૂત સમાજમાં આક્રોશ છે,  ભાજપ સરકાર ચાર વર્ષમાં એક પણ ખેડૂત લક્ષી યોજના જાહેર કરી નથી.ચૂંટણી નજીક આવી ખેડૂત ભાજપને યાદ આવ્યા છે. કેન્દ્ર સરકારની જાહેરાત માત્ર ચૂંટણી લક્ષી આથી આ જાહેરાત માત્ર આંકડાની માયાજાળ છે.

કેન્દ્રના આ નિર્ણય પર વિજય રૂપાણીએ કહ્યું કે, ખેડૂતો માટે સોનાના દિવસો આવ્યા છે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પણ આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું કે, ખેડૂતોની આવક બમણી થાય તે દિશામાં આ પગલું છે. તો બીજીતરફ કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિવડીયાએ કહ્યું કે, આ નિર્ણયથી ખેડૂતોને કોઈ ફાયદો થશે નહીં. સરકાર ખેડૂતોને ફાયદો થાય તે માટે કોઈ નિયમ બનાવે તે જરૂરી છે. 

યા પાકમાં ટેકાના ભાવમાં કેટલો વધારો કરાયો? 
-જુવારમાં પ્રતિ ક્વિન્ટલ 73 રૂપિયાનો વધારો
-બાજરીમાં 525નો વધારો
-મગની દાળમાં સૌથી વધુ 1400નો વધારો
-મકાઇમાં 275નો વધારો
-કોટન (મીડિયમ સ્ટેપલ)માં પ્રતિ ક્વિન્ટલ 1130નો વધારો
-કોટન (લોંગ સ્ટેપલ)ના એમએસપીમાં ક્વિલન્ટલે 1130નો વધારો
-મગફળીમાં પ્રતિ ક્વિન્ટલ 440 રૂપિયાનો વધારો
-સોયાબીનમાં 349નો વધારો
-અડદના એમએસપીમાં પ્રતિ ક્વિન્ટલ 200 રૂપિયાનો વધારો
-તુવેરમાં પ્રતિ ક્વિન્ટલ 225 રૂપિયાનો વધારો
-રાગીમાં 997 રૂપિયાનો વધારો
-સુરજમુખીમાં પ્રતિ ક્વિન્ટલ 1288 રૂપિયાનો વધારો

ખાદ્ય સબસિડી બિલમાં થશે વધારો
2016-17ના (ઓક્ટોબર-સપ્ટેમ્બર)ના ખરીદ આંકડાના હિસાબે અનાજની MSP વધવાથી ખાદ્ય સબસિડી બિલમાં 11,000 કરોડ રૂપિયાનો વધારો થશે. અત્રે જણાવવાનું કે ખાદ્યાન્નની ખરીદી અને વિતરણ માટે સરકાર નોડલ એજન્સી ભારતીય ખાદ્ય નિગમ (એફસીઆઈ) ખેડૂતો પાસેથી એમએસપી પર ઘઉં અને ચોખા ખરીદે છે અને ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ અનાજની આપૂર્તિ કરે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news