આનંદનગર દારૂની મહેફીલ મામલે કોલ સેન્ટર કિંગનાં ફોનમાંથી મળ્યો કોલસેન્ટરનો ડેટા
Trending Photos
ઉદય રંજન/ અમદાવાદ: અમદાવાદનાં આનંદનગર વિસ્તારમાં ઝડપાયેલી દારૂની મહેફિલનાં કેસમાં કોલસેન્ટર કીંગ નીરવ રાયચુરા સામે પોલીસે કાયદાનો ગાળીયો કસ્યો છે. નીરવ રાયચુરાનાં ફોનને પોલીસે તપાસતા અનેક કોલ સેન્ટરનાં ડેટા અને ક્રિપ્ટો કરન્સી મળી આવતા અન્ય બે એજન્સી પોલીસ સાથે તપાસમાં જોડાઇ છે.
આનંદનગર પોલીસે રમાડા હોટલની સામેનાં સફલ પ્રોફીટેર બિલ્ડીંગમાંથી ઝડપેલી દારૂની મહેફીલનાં કેસમાં પોલીસે આરોપી નીરવ રાયચુરાનાં ઘરે તપાસ કરતા વૈભવી ઘર, ઓફિસ અને 1.25 કરોડની કાર તેમજ ગેરકાયદેસર હથિયાર ઝડપી પાડ્યુ હતું. આરોપી નીરવ રાયચુરા કોલસેન્ટર કિંગ તરીકે જાણીતો છે. ત્યારે પોલીસે તેનાં ફોનમાં તપાસ કરતા ફોનમાંથી 25 જેટલી બોગસ કોલ સેન્ટરનાં ડેટાની શીટ મળી આવી હતી તેમજ ક્રિપ્ટો કરન્સી પણ મળી આવતા સાયબર ક્રાઇમ બ્રાંચ પણ તપાસમાં લાગી ગઈ છે સાથે જ બેનામી મિલકત અને બેનામી પૈસા ના વ્યવહાર ને લઈ ને IT અને ED વિભાગે પણ તપાસ કરવાની શરૂ કરી છે.
તેમજ નીરવ રાયચુરાનાં મોબાઇલને વધુ માહિતીઓ મેળવવા માટે FSLમાં મોકલવામાં આવ્યો છે. નીરવ રાયચુરા ટેક્નીકલ રીતે અમેરિકન નાગરીકોનો ડેટા ચોરીને વેંચતો હતો તેમજ સંતોષ સોંડા સાથે ભાગીદારીમાં જમીનમાં રોકાણ કરતો હોવાનું ખુલ્યુ છે. આઈટી અને ઇડીની તપાસમાં મોટા ખુલાસા થાય તો મનીલોન્ડરીંગ એક્ટ અને ફેમા એક્ટ હેઠળ નીરવ રાયચુરા સામે ગુનો નોંધવામાં આવશે. નીરવ રાયચુરાની તપાસમાં સામે આવ્યુ કે ગોવામાં તેનું એક કેશીનો પણ છે ત્યારે તે કેશીનોમાં તેનાં ભાગીદાર કોણ કોણ છે તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. નીરવનાં ફોનમાં 10 હજાર ડોલરનું ક્રિપ્ટો કરન્સીમાં નાણાંકીય વ્યવહાર પણ મળી આવ્યુ છે. તે દિશામાં ઇડીએ તપાસ હાથ ધરી છે.
આનંદનગર પોલીસે આ કેસમાં વધુ તપાસ કરતા સાણંદનાં ચીરાગ જયસ્વાલ નામના શખ્સને પણ ઝડપીને કાયદાકીય કાર્યવાહી શરુ કરી છે. ચીરાગ અને પરાગ નામનાં બે શખ્સો નીરલ રાયચુરાને મોંઘો દારૂ સપ્લાય કરતા હોવાનુ સામે આવ્યુ છે. આનંદનગર પોલીસે હાલ તો નીરવ રાયચુરા તેમજ સંતોષ સોડાને ગ્રામ્ય પોલીસને હવાલે કર્યા છે, ત્યારે આ મામલામાં આગામી દિવસોમાં વધુ મહત્વનાં ખુલાસા તેમજ બેનામી વ્યવહારો મળી આવાની શક્યતાઓ છે.
કોલ સેન્ટર કિંગ નીરવ રાયચુરાનાં વૈભવી મકાન, ઓફિસ તેમજ કાર બાબતે ઇન્કમટેક્ષ વિભાગે તપાસ તેજ કરી છે ત્યારે ક્રિપ્ટો કરન્સી બાબતે ઇડીએ તપાસ તેજ કરતા આ મામલે હવે પોલીસ સાથે અન્ય બે એજન્સીઓ આ કેસની તપાસમાં લાગી છે ત્યારે જોવાનું રહ્યુ કે તપાસ બાદ કેવા મહત્વનાં ખુલાસા થાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે