રીક્ષા ચાલક કહે છે વકીલે મને 1.35 કરોડ સાચવવા આપ્યા, વકીલ કહે છે મે નથી આપ્યા, તો રૂપિયા કોના?
રીક્ષા ચાલક દ્વારા શહેરના બે નામાંકિત વકીલ તથા સ્ટેમ્પ વેન્ડર અને 3 પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે જિલ્લા પોલીસવડાને અરજી કરવામાં આવતા ભારે ચર્ચા જાગી છે.
Trending Photos
અજય શીલુ/પોરબંદર: એક રીક્ષા ચાલક દ્વારા શહેરના બે નામાંકિત વકીલ તથા સ્ટેમ્પ વેન્ડર અને 3 પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે જિલ્લા પોલીસવડાને અરજી કરવામાં આવતા ભારે ચર્ચા જાગી છે. અરજી અનુસાર વકીલના 1.35 કરોડના બ્લેકના નાણાં તેની પાસે હોય અને તેનો હવાલો પોલીસે લઇને તેની પાસેથી આ પૈસા લીધા હોય તથા તેને માર મારવામાં આવ્યા સહિતના ગંભીર આક્ષેપો સાથેની અરજી આપી ફરિયાદ દાખલ કરવાની માંગ કરવામાં આવી છે. તો સામે પક્ષે વકીલે આ અરજીકર્તાના આક્ષેપને ફગાવી બ્લેકમેઇલ કરવા ખોટી વાર્તા ઉભી કરી હોવાનું જણાવ્યું છે જ્યારે પોલીસે આ અરજી મામલે તપાસ કરવામાં આવશે.
રીક્ષા ચાલકના ગંભીર આક્ષેપ
પોરબંદરના કડીયા પ્લોટ વિસ્તારમાં રહેતા રીક્ષા ચાલક એવા જીતેન્દ્ર જયેશ પારેખ દ્વારા જિલ્લા પોલીસવડાને ગંભીર આક્ષેપો સાથે ફરીયાદ દાખલ કરવા માટે અરજી કરવામાં આવી છે. અરજીકર્તા દ્વારા કરવામાં અરજી અનુસાર શહેરના નામાંકિત વકીલ ગ્રીષ્મા જોષી તથા શરદ જોષી તેમના બ્લેકના રૂપિયા સ્ટેમ્પ વેન્ડર પરાગ માંડવીયા તથા તેને સાચવવા આપતા હતા અને તેના બદલામાં 50 હજાર રૂપિયા વાપરવા આપતા હતા. આજ રીતે ગત 05-11-2022ના રોજ ગ્રીષ્મા જોષીએ શરદ જોષી તથા સ્ટેમ્પ વેન્ડર પરાગ માંડવીયાની હાજરીમાં રૂપિયા 1 કરોડ પાંત્રીસ લાખ રૂપિયા તેને એટલે કે અરજીકર્તાને સાચવવા આપ્યા હતા. આ દરમ્યાન અરજીકર્તાને પોતાના મકાનમાં સમારકામ માટે બે લાખ રૂપિયાની જરૂર પડતાં તેણે ગ્રીષ્મા જોષી પાસે બે લાખ રૂપિયાની માંગણી કરતા ગ્રીષ્મા જોષીએ તેઓને આ રૂપિયા આપવાની ના પાડી હતી તેમ અરજીમાં અરજીકર્તાએ જણાવ્યું છે.
રૂપિયા પરત માંગ્યા તો થયા આક્ષેપ
આ વાતને લઈને અરજીકર્તાને લાગી આવતા તેણે આ થોડા દિવસ પોતાનો મોબાઈલ ફોન બંધ કરી દીધેલ હોય ત્યારબાદ શરદ જોષી તથા પરાગ માંડવીયાએ અરજીકર્તા જીતેન્દ્ર પારેખને તેને આપેલ 1 કરોડ પાંત્રીસ લાખ પરત આપી જવાનું જણાવ્યું હતું તેથી અરજીકર્તાએ તેઓને જણાવેલ કે આ પૈસા બ્લેકના છે તે પૈસા ભુલી જાવ આવું કહેતા તેઓ ત્યાંથી ચાલ્યા ગયા હતા અને અવાર નવાર પૈસાની ઉઘરાણી કરતા હતા પરંતુ અરજીકર્તાના જણાવ્યા અનુસાર તેણે આ પૈસા પરત આપવાની ના પાડતાં તેની પાસેથી પૈસા કઢાવવા માટેનો હવાલો એસ.ઓ.જી ના પોલીસ કર્મચારી કિશન ગોરાણીયા તથા સમીર જુણેજાને આપવામાં આવ્યો હતો.
વાતચીતની બે ઓડિયો ક્લીપની ચર્ચા
અરજીમા જણાવ્યા અનુસાર ત્યારબાદ તેને એસ.ઓ.જી ઓફીસે બોલાવી ગ્રીષ્મા જોષીના પૈસા બાબતે પુછપરછ કરવામાં આવી હતી અને બેફામ માર મારી તેમજ તેની પાસે રહેલ પોતાના પૈસા તેમજ તેને સાચવવા આપેલ પૈસા તથા તેના દીકરાનું બાઇક સહિત એસ.ઓ.જીના કિશન ગોરાણીયા, સમીર જુણેજા અને રવી જોષી લઇ ગયેલ છે તેમ અરજીમાં જણાવાયું છે માટે ગ્રીષ્મા જોષી, શરદ જોષી, પરાગ માંડવીયા અને પોલીસ કર્મચારી કિશન ગોરાણીયા, સમીર જુણેજા અને રવી જોષી ઉપર કૌભાંડની ફરિયાદ દાખલ કરવાની અરજીમાં માંગ કરવામાં આવી છે. અરજીકર્તા દ્વારા આ મામલે મીડીયા સમક્ષ પોતાની વાત રજુ કરવામાં આવી હતી અને અને તેના જણાવ્યા અનુસાર જે તે વખતના બનાવ સમયની તેની અને પોલીસ કર્મચારી વચ્ચે થયેલ વાતચીતની બે ઓડિયો ક્લીપ પણ મિડીયાને આપવામાં આવી હતી.
વકીલ ગ્રીષ્મા જોષીએ આરોપોને ફગાવ્યા
અરજીકર્તા જીતેન્દ્ર પારેખ દ્વારા જે રીતે અરજીમાં નામાંકિત વકીલ ગ્રીષ્મા જોષી તથા શરદ જોશીના બ્લેકના રૂપિયા તેને સાચવવા આપવા તથા હવાલો આપવા સહિતના આક્ષેપો કરવામાં આવ્યા છે. આ મામલે જેના પર બ્લેકના રૂપિયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે તે વકીલ ગ્રીષ્મા જોષીએ આ અંગે એવું જણાવ્યું હતું કે, આ તદ્દન ખોટી અરજી કરી છે અને માત્ર બ્લેકમેઇલ કરી પૈસા પડાવવાના ઇરાદે આ અરજી કરવામાં આવી છે. મેં આ જે વ્યક્તિએ અરજી કરી છે તે વ્યક્તિને 1 કરોડ 35 લાખ તો શું પરંતુ એક રૂપિયો પણ ક્યારેય તેને આપ્યો હોય તેવું બન્યું નથી હું તેને પર્સનલ ઓળખતી પણ નથી અને મારે તેની જોડે કોઈ સંબંધ પણ નથી આ વ્યક્તિ દારૂ પીને અમારી ઓફિસની બહાર બેસીને તોફાન કરતો હતો તેથી મારા બ્રધરે પોલીસને જાણ કરી તેને ઉઠાડી મુક્યો હતો એટલે અથવા મારા હતી શત્રુના ચડાવવાના કારણે અરજી કરી હોય તેમ લાગે છે જે તદ્દન ખોટી છે આવી કોઇ ઘટના બની જ નથી તેમ તેઓએ સ્પષ્ટ જણાવ્યું હતું.
સમગ્ર ઘટના અંગે પોલીસે આરંભી તપાસ
અરજીકર્તા જીતેન્દ્ર પારેખ દ્વારા કરવામાં આવેલા અરજી અંગે ઇન્ચાર્જ પોરબંદર સીટી ડીવાયએસપીએ એવું જણાવ્યું હતું કે, અમને આ અરજી મળી છે જે અરજીની તપાસ કરી ત્યારબાદ આગળની જરૂરી કાર્યવાહી છે તે કરવામાં આવશે તેમ તેમ તેઓએ જણાવ્યું હતુ. અરજીકર્તા જીતેન્દ્ર પારેખ દ્વારા જે રીતે અરજીમાં શહેરના નામાંકિત વકીલ પર બ્લેકના રૂપિયા તેમને સાચવવા આપવા તથા એસ.ઓ.જી પોલીસ કર્મચારીઓ પર હવાલા સહિતના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે જે આક્ષેપોને વકીલે ખોટા ગણાવ્યા છે ત્યારે હાલ તો આ અરજી મામલે પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે ત્યારે જોવું રહ્યું આગામી સમયમાં આ મામલે શું તથ્ય બહાર આવે તે તો આગામી સમયમાં જ જાણી શકાશે પરંતુ હાલ તો આ મામલે ભારે ચર્ચા જગાવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે