મગફળી કૌભાંડ મુદ્દે રાજકારણ તેજ કોંગ્રેસે કહ્યું DIG CIDને પણ લખ્યો હતો પત્ર, જવાબ આપે CM
કોંગ્રેસે આ મામલે રાજ્ય સરકારના છૂપા આશિર્વાદ હોવાનો મોટો આરોપ લગાવ્યો છે અને સીટીંગ જજની અધ્યક્ષતામાં મામલાની તટસ્થ તપાસ કરવાની માગણી કરી છે.
Trending Photos
અમદાવાદઃ જેતપુરના પેઢલા ગામે નાફેડના ગોડાઉનમાં સરકારે ટેકાના ભાવે ખરીદેલી મગફળીના બારદાનમાંથી માટીના ઢેફાં અને ધૂળ નીકળતાં ખળભળાટ મચી ગયો છે. આ અંગે કોંગ્રેસ દ્વારા એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. કોંગ્રેસે ભાજપ પર અનેક આરોપ લગાવ્યા છે. કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ આરોપ લગાવ્યો કે, જયશ્રી ઈન્ટરનેશનલના ગોડાઉનમાં 17.17 કરોડની મગફળી રાખવામાં આવી હતી. ત્યારે નાફેડ દ્વારા તેની હરાજીમાં વેપારીઓને જે નમૂના દેખાડવામાં આવ્યા હતા તેના કરતા અલગ મગફળી નીકળી હતી. ત્યારે વેપારીઓએ આ મગફળી લેવાની ના પાડી હતી. તેમણે જણાવ્યું કે, ચૂંટણીના બે મહિના પહેલા ધિણોજ ગામના આગેવાનોએ સીએમને એક પત્ર લખ્યો અને તેમાં સ્પષ્ટ કહ્યું હતું કે, મગફલી લેવામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. અર્જુન ભાઈએ કહ્યું કે, ભાજપના તાલુકા પંચાયતના પ્રમુખના ખેલરમાં મગફળી લેવામાં આવતી હોવાની ફરિયાદ પણ કરવામાં આવી હતી. 35 કિલોની મગફળીની ગુણામાં 20 કિલો માટી નીકળવાની વાત પણ કરવામાં આવી હતી. સીએમ જાણતા હોવા છતા મગફળીમાં ભ્રષ્ટાચાર કરવા દેવામાં આવ્યો છે. વિજય રૂપાણીએ કોઇ પગલા કેમ ન ભર્યા તેનો જવાબ આપવો જોઈએ. આ સૌથી મોટુ કૌભાંડ છે. તેના દ્વારા ખેડૂતોને લૂંટવામાં આવી રહ્યાં છે.
હર્ષદ રિબડીયાએ લખ્યો હતો પત્ત
માટીકાંડ મુ્દ્દે છ મહિના પહેલાં કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા હતા. છ ફેબ્રુઆરીએ કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ પત્ર લખ્યો હતો. જેમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે, 35 કિલો મગફળીમાં 20 કિલો માટીનો ઉલ્લેખ કર્યો હતો. જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિના લેટરપેડ પર પત્ર લખાયો છે. સીઆઈડી ક્રાઈમના ડીઆઈજીને લખાયેલા પત્રમાં કોંગ્રેસના હર્ષદ રિબડીયાની સહી કરવામાં આવી છે. મસમોટા કૌભાંડની આશંકા કરવામાં આવી છે અને સવાલ પૂછાયો છે કે, ગોંડલના મગફળી અગ્નિકાંડ સાથે આ માટીકાંડનું કનેક્શન તો નથી ને...?
કોંગ્રેસ દ્વારા તપાસની માંગ
જેતપુરના પેઢલા ગામે નાફેડના ગોડાઉનમાં સરકારે ટેકાના ભાવે ખરીદેલી મગફળીના બારદાનમાંથી માટીના ઢેફાં અને ધૂળ નીકળતાં ખળભળાટ મચી ગયો છે. ત્યારે કોંગ્રેસે આ મામલે રાજ્ય સરકારના છૂપા આશિર્વાદ હોવાનો મોટો આરોપ લગાવ્યો છે અને સીટીંગ જજની અધ્યક્ષતામાં મામલાની તટસ્થ તપાસ કરવાની માગણી કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે