ઢબ્બુના ઢ નીકળ્યા ગુજરાતી વિદ્યાર્થીઓ, ગુજરાતી વાંચવાના ય ફાંફા, રિપોર્ટમાં ખૂલી સરકારના દાવાની પોલ

Gujarat Education : હાલમાં જાહેર કરાયેલા એન્યુઅલ સ્ટેટ ઓફ એજ્યુકેશન રિપોર્ટમાં ગુજરાતના વિદ્યાર્થીઓની સ્થિતિ જોઈને ખબર પડશે કે, સરકારને એમ કે કોરોનામાં ઘરબેઠા એજ્યુકેશન આપીને મોટુ મીર માર્યું છે, પણ વાસ્તવિકતા એ છે કે બાળકોની સ્કિલમાં વધારો નહીં પણ ઘટાડો થયો છે. જેમાં કેટલાક છાત્રોનો તો પાયો જ કાચો રહી ગયો છે
 

ઢબ્બુના ઢ નીકળ્યા ગુજરાતી વિદ્યાર્થીઓ, ગુજરાતી વાંચવાના ય ફાંફા, રિપોર્ટમાં ખૂલી સરકારના દાવાની પોલ

Gujarat Education : કોરોનાકાળમાં ઓનલાઈન શિક્ષણ શહેરો પૂરતુ મર્યાદીત રહ્યું છે જેને પગલે ગામોમાં રહેતા છાત્રોનું ભાવી રોળાયું છે. સરકાર દ્વારા આપવામાં આવેલું ઓનલાઈન શિક્ષણ માત્ર શહેરી પૂરતુ જ મર્યાદીત રહ્યું છે, ગ્રામ્ય વિસ્તારના બાળકોનું ભાવી રોળાયું હોવાની એક સર્વેમાં વિગતો સામે આવી છે. ગુજરાત સહિત દેશની શૈક્ષણિક સ્થિતિને લઈ ‘અસર” એન્યુઅલ સ્ટેટ ઓફ એજ્યુકેશન રિપોર્ટ (ASER) દ્વારા જાહેર કરાયેલા વર્ષ-૨૦૨૨ના રિપોર્ટે સરકારની શિક્ષણ વ્યવસ્થાની પોલ ખોલી દીધી છે. આ રિપોર્ટ મુજબ ધોરણ.૮માં અભ્યાસ કરતાં ૬૮ ટકા બાળકો ભાગાકાર કરી શકતા નથી. એટલું જ નહી કોરોના પહેલા ધોરણ ૮ના ૭૩ ટકા બાળકો ગુજરાતી સ્પષ્ટ વાંચી શકતા હતા જે સંખ્યા વર્ષ-૨૦૨૨માં ઘટીને માત્ર પ૨ ટકા થઈ ગઈ છે. આમ હાલની સ્થિતિએ ગ્રામ્ય વિસ્તારની સ્કૂલોમાં ધોરણ.૮માં અભ્યાસ કરતાં ૪૮ ટકા વિદ્યાર્થીઓ ગુજરાતી પણ વાંચી શકતા નથી. ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પહેલા ૭૩ ટકા બાળકો વાંચી શકતા હતા જે ઘટીને ૫૨ ટકા થઈ ગયાં છે. ગણિતની વાત કરવામાં આવે તો, ધોરણ.૮ના માત્ર ૩૧.૮ ટકા અને ધોરણ.પના ૧૮.૩ટકા જ બાળકો જ ભાગાકાર કરી શકે છે. વર્ષ-૨૦૧૮માં ધોરણ.પના ૨૦.૨ ટકા બાળકો ભાગાકાર કરી શકતા હતા. આમ શિક્ષણ વ્યવસ્થા કોરોનામાં ખાડે ગઈ છે. સરકાર ભલે મસમોટા શિક્ષણના દાવા કરે પણ બાળકોનું ભવિષ્ય રગદોળાયું છે.

ધોરણ-3ના માત્ર 20.5 ટકા વિદ્યાર્થીઓ જ ધોરણ-2ના પુસ્તકો વાંચવામાં સક્ષમ 
એન્યુઅલ સ્ટેટ ઓફ એજ્યુકેશન રિપોર્ટ (ASER) 2022નો રિપોર્ટ જારી કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર દેશભરની ગ્રામીણ સ્કૂલોમાં ધોરણ-3ના વિદ્યાર્થીઓમાં વાંચવાની ક્ષમતામાં ઘટાડો નોંધાયો છે. આ સરવેને પગલે ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારે નવેસરથી આ મામલે ભાર મૂકવાની જરૂર છે. સર્વેમાં ધોરણ-3ના માત્ર 20.5 ટકા વિદ્યાર્થીઓ જ ધોરણ-2ના પુસ્તકો વાંચવામાં સક્ષમ જોવા મળ્યા છે. રિપોર્ટમાં ASER 2018ના રિપોર્ટની તુલનાએ બાળકમાં ભણવાની ક્ષમતામાં 7 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. 

7 લાખ બાળકો પર સરવે કરાયો 
એન્યુઅલ સ્ટેટ ઓફ એજ્યુકેશન દ્વારા મોટાપાયે સર્વે હાથ ધરાયો હતો. 616 જિલ્લાના 19,060 ગામોની 17002 સરકારી સ્કૂલોમાં આયોજન કરાયેલ ASER સર્વેમાં 6થી 14 વર્ષની ઊંમરના 7 લાખ બાળકોને સામેલ કરાયા હતા. એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ 18 જાન્યુઆરીના રોજ જારી કરવામાં આવ્યો છે. ચાર વર્ષ બાદ આ રિપોર્ટમાં પ્રથમ ફાઉન્ડેશન દ્વારા મોટાપ્રમાણમાં સર્વે કરાયો  છે.

આ પણ વાંચો : 

ગુજરાત શાળામાં શૌચાલયની સુવિધામાં પણ પાછળ
આ રિપોર્ટ બહાર આવતાં ફીની માગણીઓ કરતી સ્કૂલોએ પણ નવેસરથી વિચારવાની જરૂર છે. આ સર્વેમાં સામેલ 28 રાજ્યોમાંથી 9 રાજ્યોમાં 2010 બાદ પાણીની ઉપલબ્ધતામાં ઘટાડો થયો છે, જેમાં ગુજરાત, કર્ણાટક, કેરળ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યો સામેલ છે. વિદ્યાર્થીનીઓ માટે શૌચાલયની સુવિધાનો રિપોર્ટ જોઈએ તો હરિયાણા, કેરળ અને મહારાષ્ટ્ર સહિત 12 રાજ્યોની શાળાઓમાં વિદ્યાર્થીનીઓ માટે શૌચાલયની ઉપલબ્ધતામાં ઘટાડો થયો છે. 

બાળકોની સ્કીલમાં ઘટાડો થયો 
અંકગણિતની ક્ષમતામાં ઘટાડા મામલે ગુજરાત બીજા ક્રમે આવી ગયું છે. 15 ટકા અંકગણિત અથવા તેથી વધુ ઘટાડો દર્શાવનારા રાજ્યોની યાદીમાં આંધ્રપ્રદેશ (2018માં 59.7 ટકાથી ઘટી 2022માં 36.3 ટકા), ગુજરાત (2018માં 53.8 ટકાથી ઘટી 2022માં 34.2 ટકા) તેમજ હિમાચલ પ્રદેશ (2018માં 76.9 ટકાથી ઘટી 2022માં 61.3 ટકા) જેવા રાજ્યોનો સમાવેશ થાય છે. કોરોના મહામારી બાદ ગુજરાતની ગ્રામ્ય વિસ્તારની સ્કૂલોમાં અભ્યાસ કરતાં બાળકોની સ્થિતિ વધુ કફોડી બની છે. સરકારને એમ કે કોરોનામાં ઘરબેઠા એજ્યુકેશન આપીને મોટુ મીર માર્યું છે, પણ વાસ્તવિકતા એ છે કે બાળકોની સ્કિલમાં વધારો નહીં પણ ઘટાડો થયો છે. જેમાં કેટલાક છાત્રોનો તો પાયો જ કાચો રહી ગયો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news