ગુજરાતમાં એવું તો શું થયું કે ગૃહમંત્રીએ તાત્કાલિક બેઠક બોલાવી, તપાસના આદેશ આપ્યા

Attack On Foreign Students In Gujarat University: ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિદેશી વિદ્યાર્થીઓ સાથે મારામારી મામલે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ બોલાવી બેઠક.. નમાજ પઢવા મામલે હોસ્ટેલમાં પથ્થરમારો અને તોડફોડ થતાં  કડક કાર્યવાહીના આપ્યાં આદેશ... 

ગુજરાતમાં એવું તો શું થયું કે ગૃહમંત્રીએ તાત્કાલિક બેઠક બોલાવી, તપાસના આદેશ આપ્યા

Ahmedabad News : ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં થયેલી મારામારી મામલે કડક કાર્યવાહીના આદેશ આપી દેવાયા છે. વિદેશી વિદ્યાર્થીઓ પર થયેલી હુમલાની ઘટનાને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગંભીરતાથી લીધી છે અને તાત્કાલિક બેઠક બોલાવી છે. એનેક્સી ખાતે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ DGP અને અમદાવાદ CP સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી છે. બેઠકમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ તોફાની તત્વો સામે કડક કાર્યવાહીના આદેશ આપી દીધા છે. સાથે જ હર્ષ સંઘવીએ જણાવ્યુ છે કે ગુજરાતમાં વિદેશી વિદ્યાર્થીઓની સુરક્ષાની જવાબદારી અમારી છે. ત્યારે સવાલ એ છે કે વિદ્યાના ધામમાં આખરે બહારના તત્વો કેવી રીતે ઘૂસી આવ્યા. આ ઘટનાથી વિદ્યાર્થીઓની સુરક્ષા શું. શિક્ષણના ધામમાં રાજકીય રંગ લગાવવાનો કોણે પ્રયાસ કર્યો. આખરે કોણ છે એ તત્વો જેમણે વિદ્યાના ધામમાં આવીને આ રીતે તોડફોડ કરી. 

મહત્વનું છે કે શનિવાર મોડી રાત્રે અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ વચ્ચે મોડી રાત્રે માથાકૂટ બાદ મારામારી થઈ હતી. હોસ્ટેલના A બ્લોકમાં વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે પહેલાં બોલાચાલી થઈ હતી બાદમાં મારામારી અને પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓનો આરોપ છે કે નમાઝ પઢવાને લઈને અમુક જુથના વિદ્યાર્થીઓએ તેમને રોક્યા હતા અને નમાઝ ન પઢવા માટે દબાણ કર્યુ હતુ. જેને લઈને જ બે જૂથના વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. સામાન્ય બોલાચાલી ઉગ્ર થતાં વિદ્યાર્થીઓએ સામસામે પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. સાથે જ વિદેશી વિદ્યાર્થીઓની હોસ્ટલના રૂમમાં અને વાહનોમાં તોડફોડ કરાઈ હતી. હોસ્ટેલમાં થયેલી મારામારીમાં 6 જેટલા વિદેશી વિદ્યાર્થીઓને ઈજાઓ પણ પહોંચી છે, જેમાં ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર માટે SVP હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તો સમગ્ર મામલે ગુજરાત યુનિવર્સિટી પોલીસે ગુનો દાખલ કર્યો છે અને યુનિવર્સિટી હોસ્ટેલમાં DCP કક્ષાના અધિકારીઓએ તપાસ પણ શરૂ કરી દીધી છે. 

સમગ્ર મામલે ગૃહ વિભાગ એક્શનમાં મોડમાં આવ્યું છે. સુરક્ષા અને સલામતીનો મુદ્દો રાજકીય ન બને તેનું ધ્યાન રાખવા ટકોર કરવામાં આવી છે. હુમલો કરનાર અસામાજિક તત્વોની ઓળખ કરી તાત્કાલિક અટકાયત કરી કાર્યવાહી કરવા આદેશ કરાયા છે. અત્યાર સુધી કરવામાં આવેલી પોલીસ કાર્યવાહી અંગેની પણ ગૃહરાજ્ય મંત્રીએ વિગતો મેળવી છે. આ ઘટના ધ્યાને આવતા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરત પ્રવાસ રદ કર્યો છે અને અમદાવાદ પોલીસ કમિશ્રનર પાસે આ અંગેનો રિપોર્ટ મંગાવ્યો છે. તો આ ગુજરાત વિદ્યાપીઠમાં થયેલ બબાલ મામલે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, જે પણ લોકો આ ઘટનામાં દોષિતો હશે તેમની સામે કડક કાર્યવાહી કરાશે.

એક આરોપીની ઓળખ થઈ 
ઘટના સ્થળની તપાસ બાદ અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિકે માહિતી આપી હતી કે, ગુજરાત યુનિવર્સિટીમાં 300 જેટલા વિદેશી વિદ્યાર્થીઓ ભણે છે. ગઈકાલે રાતે સાડા દસ વાગ્યની આસપાસ વીસ-પચ્ચીસ જેટલા બહારથી લોકો આવ્યા હતા. તેઓએ હોસ્ટલમાં આવીને કેમ અહીં નમાજ પડો છો તેવા સવાલો કર્યા હતા. તેઓએ વિદેશી વિદ્યાર્થીઓ સાથે મારામારી કરીને તેમજ પથ્થર ફેંક્યા હતા. રૂમમાં પણ તોડફાડ કરી છે. તેથી આ બાબતને ગંભીરતાથી લઈને પોલીસ કડક કાર્યવાહી કરાશે. રાતે 10.51 વાગ્યે  કોઈએ કન્ટ્રોલ પર ફોન કર્યો. પાંચ મિનિટમાં પોસલી આવી પહોંચી હતી. તપાસ માટે ટીમ બનાવી છે. તેમજ એક આરોપીની ઓળખ થઈ છે. ટૂંક સમયમાં વધુ માહિતી આપીશું. પોલીસે આ મામલે રાતે જ એફઆઈઆર નોંધી હતી. હાલ પોલીસ વીડિયોના આધારે તપાસ કરી રહ્યા છે. પોલીસ કડક કાર્યવાહી કરશે અને ન્યાયિક તપાસ કરીશું. 20 થી 25 લોકોના ટોળા સામે ફરિયાદ દાખલ કરાઈ છે. 
 

અમદાવાદ પોલીસની ટ્વીટ 
આ મુદ્દે અમદાવાદ પોલીસે ટ્વીટ કરીને કહ્યું કે, ગુજરાત યુનિવર્સીટી કેમ્પસમાં ગઈકાલ રાત્રે અન્ય દેશોમાંથી આવેલા વિદ્યાર્થીઓ ઉપર અજાણ્યા ઈસમોએ આવી મારામારી કરી તોડફોડ કરી ઈજા પહોચાડતા પોલીસ તાત્કાલીક પહોચી સ્થિતી ઉપર નિયંત્રણ મેળવી આરોપીઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આરોપીઓની ધરપકડ કરવામાં આવશે કડક કાર્યવાહી કરવામા આવશે.

ગુજરાત યુનિ. બબાલમાં EXCLUSIVE માહિતી સામે આવી છે. પથ્થરમારો શરૂ થયા પહેલાંનો વીડિયો સામે આવ્યો છે. જેમાં બબાલ પહેલાં નમાઝ પઢવા મામલે બોલાચાલી થઈ રહી હતી. સામાન્ય બોલાચાલીમાં જ વિદેશી વિદ્યાર્થીએ હુમલો કરી દીધો હતો. નમાઝ બાબતે પુછતાં અફઘાની વિદ્યાર્થીએ લાફો ઝીંકી દીધો હતો. અફઘાન વિદ્યાર્થીએ લાફો મારતા જ આખો વિવાદ શરૂ થયો હતો. 

હુમલો કરનારા શખ્સોને પોલીસે સન્માનભેર જવા દીધા
ગુજરાત યુનિ.ની હોસ્ટેલમાં વિદેશી વિદ્યાર્થીઓ સાથે મારામારીના મામલામાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે તપાસની માંગ કરી છે. તેમણે કહ્યું કે, જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે પગલાં લેવામાં આવે. પોલીસની હાજરીમાં કેટલાંક તત્વોએ હુમલો કર્યો. તેમજ હુમલો કરનારા શખ્સોને પોલીસે સન્માનભેર જવા દીધા. જવાબદાર પોલીસકર્મીને સસ્પેન્ડ સુધીની કાર્યવાહી થાય. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news