Kutch: કુનારિયા ગ્રામ પંચાયતનું સાહસિક પગલું, કરવામાં આવી 'બાલિકા પંચાયતની' સ્થાપના
કુનરીયા ગ્રામ પંચાયત(Kunariya Gram Panchayat) અને બેટી બચાઓ બેટી પઢાઓ સેલના સંયુક્ત પ્રયાસો દ્વારા કિશોરીઓના પ્રશ્નોને વાચા આપવા બાલીકા પંચાયતની સ્થાપના કરવામા આવી છે.
Trending Photos
રાજેન્દ્ર ઠક્કર/ ભુજ : કુનરીયા (Kunriya) ગ્રામ પંચાયત દ્વારા આયોજિત ૧૦ થી ૨૧ વર્ષની ૪ દિકરીઓની બાલિકા પંચાયત ચુંટણીમાં આજે ૨૧ વર્ષિય ભારતીબેન હરિભાઇ ગરવા વિજેતા બન્યા છે. લોકતાંત્રિક પ્રક્રિયાથી અઠવાડિયાથી ચાલેલી ચુંટણી (Election) પ્રક્રિયા હેઠળ ગામના ૬ વોર્ડમાંથી ૪૧૦ મતદાતાઓ દ્વારા સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે પૈકી આજે કુલ ૨૦૯ માંથી ૧૧૭ વોટથી ભારતીબેન ગરવા બાલિકા પંચાયત કુનરીયાના સરપંચ તરીકે પસંદ કરાયા હતા. એક વર્ષ માટે કુનરીયા બાલિકા પંચાયતના સરપંચ તે તરીકે સેવા આપવાના છે.
કુનરીયા સરપંચ સુરેશભાઇ છાંગા આ તકે જણાવે છે કે, “કુનરીયાની કિશોરીઓ આવી બાલિકા પંચાયતની ચૂંટણીથી મતદાન (Voting) ની પ્રવૃતિની જાણકાર બની છે. ત્રિસ્તરીય પંચાયતી રાજમાં ૫૦ ટકા મહિલા અનામતને અસરકારક બનાવવા બાલિકા પંચાયતનો અનુભવ ઉપયોગી થશે.
કિશોરીઓનો વહીવટી પ્રક્રિયામાં પ્રવેશથી ચોક્કસ વિષયો પર ધ્યાન પડશે જેમકે આરોગ્ય, શિક્ષણ, પોષણક્ષમ આહાર ઇત્યાદિ વગેરે જેમાં કિશોરીઓના જનજાગૃતિના કાર્યક્રમ, કિશોરીઓ માટે રમત ગમત કાર્યક્રમ, કિશોરીઓના પોષક આહાર અને કૌશલ્યવર્ધન તાલીમ અપાશે, કિશોરીઓના પ્રેરણા પ્રવાસ કરાશે. બાલિકા પંચાયત આસપાસના ગામોમાં પણ આવી પ્રવૃત્તિ થાય અને બધા ગામોમાં આવી પંચાયત થયા બાદ એક ફેડરેશનની રચના કરી જિલ્લા વહીવટી તંત્ર પાસે કિશોરીઓના હિત સંબંધિત નીતિ વિષયક રજૂઆતો કરશે.
કુનરીયા ગ્રામ પંચાયત(Kunariya Gram Panchayat) અને બેટી બચાઓ બેટી પઢાઓ સેલના સંયુક્ત પ્રયાસો દ્વારા કિશોરીઓના પ્રશ્નોને વાચા આપવા બાલિકા પંચાયતની સ્થાપના કરવામા આવી છે. આ પંચાયતનો ઉદેશ કિશોરીઓ સક્રિય રાજકારણમાં રસ લે અને લોકશાહી પધ્ધતિથી ચુટણી (Election) પ્રક્રિયામા ભાગ લઇ બહેનોનો અવાજ બને”.
ભારતીબેન ગરવા સિવાય બાલિકા પંચાયતની ચુંટણીમાં તૃષાલિબેન સુથાર, સુમરા અફસાના, રૂબીના નોડેએ ઉમેદવારી નોંધાવી હતી. જિલ્લા મહિલા અને બાળ અધિકારી અવનીબેન દવે આ સમગ્ર પ્રક્રિયાની અમલવારીમાં અગ્રેસર રહયા અને તેમણે કચ્છના ત્રણ ગામને આ માટે પસંદ કર્યા છે. કચ્છના મસ્કા, કુનરીયા અને મોટા અંગીયા ગામમાં પ્રાથમિક ધોરણે બાલિકા પંચાયતનો પ્રારંભ કરવામાં આવ્યો છે. માંડવીના મસ્કા (Mask) ગામે પણ બાલિકા પંચાયતમાં સરપંચ તરીકે વિધિબેન રાજગોરની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.
હાલે તેઓ ધોરણ ૧૧માં ભણે છે એમ સરપંચ કિર્તીભાઇ ગોરે જણાવે છે. ૧૫ થી ૨૧ વર્ષની દીકરીઓની અમે પસંદગી કરી હતી પરંતુ સર્વાનુમતે અમે વિધિબેનને પસંદ કર્યા છે. જયારે અંગીયા ગામે બાલિકા પંચાયતના સરપંચ તરીકે પુજાબેન કલ્યાણજી ગરવા બિન હરીફ પસંદગી પામ્યા છે. સરપંચ ઈકબાલ ઘાંચી કહે છે કે હાલે તેઓ ભુજમાં MSWનો અભ્યાસ કરે છે. રાજયના મહિલા સશકિતકરણમાં આ બાલિકા પંચાયત ચુંટણી પાયાની કામગીરી કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે