ભાવનગરમાં ભાજપની 10 બેઠક વધી, પણ 4 વોર્ડમાં કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો

ભાવનગરમાં ભાજપની 10 બેઠક વધી, પણ 4 વોર્ડમાં કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો
  • ભાવનગર મહાનગરપાલિકામાં સતત 25 વર્ષથી ભાજપ સત્તા સ્થાને રહ્યું છે
  • 2015 મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને 52 બેઠકોમાંથી 34 બેઠકો મળી હતી
  • 2021 ની ચૂંટણીમાં ભાજપે વધુ 10 બેઠકો સાથે 44 બેઠકો પર વિજય મેળવ્યો
  • કોંગ્રેસે 8 બેઠકો પર વિજય મેળવતા 2015 ની સરખામણીએ વધુ 10 બેઠકો ગુમાવવાનો વારો આવ્યો

નવનીત દલવાડી/ભાવનગર :ભાવનગર મહાનગર પાલિકામાં 25 વર્ષથી સત્તા સ્થાને રહેલા ભાજપે 2021 ની ચૂંટણી (gujarat election) માં ફરી નવો ઇતિહાસ રચી દીધો છે. 13 વોર્ડની 52 બેઠકોમાંથી 44 બેઠકો મેળવી 1995 ના ઈતિહાસનું પુનરાવર્તન કર્યું છે. 2015 માં ભાજપને અહીં 52 બેઠકોમાંથી 34 બેઠકો મળી હતી. જ્યારે કોંગ્રેસની 18 બેઠકો પર જીત થઈ હતી. ત્યારે 2021 ની ચૂંટણીમાં 13 વોર્ડમાંથી 10 વોર્ડમાં ભાજપની પેનલ સાથે કુલ 44 બેઠકો પર ભાજપની જીત થઈ છે, જ્યારે કોંગ્રેસે 8 બેઠકો જીતી 2015 ની સરખામણીએ વધુ 10 બેઠકો ગુમાવી દીધી છે.

ભાજપે 1995 નું પુનરાવર્તન કર્યું 
ભાવનગર મહાનગરપાલિકામાં સતત 25 વર્ષથી ભાજપ સત્તા સ્થાને રહ્યું છે, છેલ્લે 2015 મહાનગરપાલિકાની ચૂંટણી (Local Body Polls) માં ભાજપને 52 બેઠકોમાંથી 34 બેઠકો મળી હતી. જ્યારે કોંગ્રેસને 18 બેઠકો મળી હતી. પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ભાવનગર મહાનગરપાલિકાની 13 વોર્ડની 52 બેઠકો માટેની 2021 ની ચૂંટણીમાં ભાજપે ફરી 1995 ના ઈતિહાસનું પુનરાવર્તન કરી વધુ 10 બેઠકો સાથે 44 બેઠકો પર વિજય મેળવ્યો છે. જ્યારે કોંગ્રેસે 8 બેઠકો પર વિજય મેળવતા 2015 ની સરખામણીએ વધુ 10 બેઠકો ગુમાવવાનો વારો આવ્યો છે. જ્યારે 2015 ની ચૂંટણીમાં 13 વોર્ડ માંથી 6 વોર્ડમાં ભાજપની પેનલ જીતી હતી. જ્યારે 1 વોર્ડમાં કોંગ્રેસની પેનલ આવી હતી, ત્યારે 2021 માં કુલ 13 વોર્ડમાંથી 10 વોર્ડમાં ભાજપની પેનલ વિજેતા બની છે જ્યારે એક વોર્ડમાં કોંગ્રેસની પેનલ વિજેતા બની છે. 

આ પણ વાંચો : મોટેરા સ્ટેડિયમનું નામ બદલાયું, હવે કહેવાશે ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’ 

કોંગ્રેસે બેઠકો ગુમાવી
ભાવનગર મહાનગર પાલિકાની 2015 ની ચૂંટણીમાં ભાજપ સાથે કોંગ્રેસની બેઠક ધરાવતા 6 વોર્ડ પૈકીના 4 વોર્ડમાં કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો થઈ ગયો છે. જેમાં 2015 ની સરખામણીએ તખ્તેશ્વર વોર્ડની 1 બેઠક, ચિત્રા ફુલસર વોર્ડની 2 બેઠક, કુંભારવાડાની 2 બેઠક, વડવા બની 2 બેઠક અને કરચલીયા પરા વોર્ડની 3 બેઠકો મળી કુલ 10 બેઠકો કોંગ્રેસે ગુમાવી છે. 2015ની ચૂંટણીમાં બોરતળાવ વોર્ડ નંબર 9 માં કોંગ્રેસે સ્થિતિ જાળવી રાખી છે. 2015માં કોંગ્રેસને 3 બેઠક મળી હતી, જે 2021 માં પણ 3 બેઠક યથાવત રહી છે. ચિત્રા ફુલસર વોર્ડ નંબર 1 ની 4 બેઠકોમાંથી માત્ર 1 બેઠક પર ભાજપની જીત થઈ હતી. જ્યારે 3 બેઠકો પર કોંગ્રેસ બાજી મારી ગયું હતું, પરંતુ 2021 ની ચૂંટણીમાં અહીં ચિત્ર બદલાયું છે. વોર્ડ નંબર 1 ની 4 બેઠકોમાંથી ભાજપે 3 બેઠકો મેળવી છે. જ્યારે અહીં કોંગ્રેસને માત્ર 1 બેઠક મળતા 2 બેઠક ગુમાવવી પડી છે, એ જ રીતે 2015માં કુંભારવાડા વોર્ડમાં કોંગ્રેસની 2 બેઠકો પર અને ભાજપની પણ 2 બેઠકો પર જીત થઈ હતી. જ્યારે અહીં પણ ચિત્ર બદલાયું છે, મનપાની 2021 ની ચૂંટણીમાં કુંભારવાડા વોર્ડમાં ભાજપે તમામ 4 બેઠકો પર કબજો જમાવ્યો છે. જેથી કોંગ્રેસને અહીં પછડાટ મળતા 2015 માં મળેલી બંને બેઠકો ગુમાવી દીધી છે. 

આ પણ વાંચો : ‘દીકરીઓને તેના લૂકથી જજ કરવાનું બંધ કરો...’ યુવતીએ કેન્સર પીડિતો માટે વાળ દાન કરીને આપ્યો આ મેસેજ

કોંગ્રેસનો ગઢ ઉત્તર કૃષ્ણનગર
ભાવનગર મહાનગર પાલિકામાં કોંગ્રેસનો ગઢ ગણાતા ઉત્તર કૃષ્ણનગર વોર્ડ નંબર 5 માં કોંગ્રેસે પોતાનો દબદબો કાયમ રાખ્યો છે. અહીં 1995 થી 2021 સુધીની ચૂંટણીમાં 2010 માં માત્ર 1 બેઠક પર ભાજપ જીતી ચૂક્યું છે. 2010 માં ભાજપના એક માત્ર ઉમેદવાર ઉકાભાઈ ચૌહાણ જીત્યા હતા. જ્યારે કોંગ્રેસના જીતુ સોલંકીની માત્ર 3 મતના તફાવતથી હાર થઈ હતી. પરંતુ બાદમાં ફરી કોંગ્રેસની આખી પેનલ સતત વિજેતા બનતી આવી છે. જે 2021 માં પણ અકબંધ રહી છે. આ વોર્ડમાં પેનલના વિજેતા અને કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતભાઈ બુધેલીયા સતત 35 વર્ષથી અણનમ છે.

કોંગ્રેસની હાર પાછળ
ભાવનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં અન્ય અનેક પક્ષએ ચૂંટણીમાં ઝંપલાવતા કોંગ્રેસની વોટ બેંકના ભાગલા પડ્યા છે. જ્યારે કોંગ્રેસનો આંતરિક વિખવાદ તેમજ પક્ષપલટો પણ હાર પાછળ જવાબદાર છે. કોંગ્રેસને હતું કે મોંઘવારી તેમજ પેટ્રોલ ડીઝલ અને રાંધણગેસના ભાવ વધારા સામે પ્રજાનો સાથ મળશે પણ આવા લોકપ્રશ્નોને વાંચા આપવામાં કોંગ્રેસ સદંતર નિષ્ફળ સાબિત થઈ અને ભાજપ બાજી મારી ગયું.

ભાવનગર મહાનગરપાલિકા પર ભાજપ 1995 થી 2021 સુધી એટલે કે સતત છઠ્ઠી વખત શાનદાર વિજય મેળવી સત્તારૂઢ થવા જઈ રહ્યું છે. ત્યારે ફરી પાયાના પ્રશ્નો પાણી, ડ્રેનેજ અને રોડ રસ્તાના કામો જેમાં ઓવરબ્રિજ, ટ્રાફિક સમસ્યા, કંસારા શુદ્ધિકરણ સહિતના કામો ઝડપથી પૂરા કરે એ પણ જરૂરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news