લારી ચલાવતા પિતાનો દીકરો બનશે અધિકારી, GPSC પાસ કરીને ગરીબ પરિવારનું નામ ગર્વથી ઉંચુ કર્યું
દૃઢ મનોબળ અને સંકલ્પ શક્તિ થકી જ શક્ય છે લક્ષ્યપ્રાપ્તિ. 40 વર્ષથી એક સામાન્ય લારી પર બાજરાના રોટલા વેચતા નીતિનભાઇનો પુત્ર GPSC ની પરીક્ષામાં 206 મો નંબર મેળવી ટેક્સ ઓફિસર બન્યો છે. વિવેકે 25 વર્ષની ઉંમરે વર્ગ-2 અધિકારી બની ગરીબ પરિવારનું નામ રોશન કર્યું છે.
Trending Photos
રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :દૃઢ મનોબળ અને સંકલ્પ શક્તિ થકી જ શક્ય છે લક્ષ્યપ્રાપ્તિ. 40 વર્ષથી એક સામાન્ય લારી પર બાજરાના રોટલા વેચતા નીતિનભાઇનો પુત્ર GPSC ની પરીક્ષામાં 206 મો નંબર મેળવી ટેક્સ ઓફિસર બન્યો છે. વિવેકે 25 વર્ષની ઉંમરે વર્ગ-2 અધિકારી બની ગરીબ પરિવારનું નામ રોશન કર્યું છે.
બાજરાના રોટલા વેચી જીવન નિર્વાહ કરતા પિતાનો પુત્ર સરકારી અધિકારી બન્યો
ભુજના હોસ્પિટલ રોડ પાસે આવેલી રામક્રૃષ્ણ કોલોનીમાં રહેતા 25 વર્ષીય વિવેકે રાજ્યભરમાં 206 મો નંબર મેળવ્યો છે. મુળ રાજસ્થાનના નીતીનભાઇ યાદવ છેલ્લા ચાર દાયકાથી શહેરના જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની સામે બાજરાનો રોટલો અને મગનું શાક વેચવા માટે લારી લગાવે છે અને પોતાના પરિવારનું ભરણપોષણ કરે છે. નીતીનભાઇનો પુત્ર વિવેક યાદવ 25 વર્ષની ઉંમરે જીપીએસસીની પરીક્ષા આપી રાજ્યભરમાં 206 મો નંબર લાવ્યો છે. જે શ્રમજીવી પરિવારને ક્યારેય ટેક્સ અંગે કોઇ માહિતી નથી, તે પરિવારનો પુત્ર સ્ટેટ ટેક્સ ઓફિસર બનતા પરિજનો અને સબંધીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. પિતાની હૈયાધારણા અને ભાઇના સપોર્ટથી વિવેક છેલ્લા બે વર્ષથી GPSC ની તૈયારી કરતો હતો અને અંતે તે વર્ગ-2 અધિકારી બન્યો છે.
આ પણ વાંચો : CM કાર્યક્રમ રદ કરી શકે છે, તો અલ્પેશ ઠાકોર કેમ નહિ... હજારોના ટોળા વચ્ચે BJP નેતા ક્રિકેટ રમ્યા
ઘરની મદદ કરવા નોકરી પણ કરી
વિવેકે ભુજમાં જ અભ્યાસની શરૂઆત કરી હતી. હોસ્પિટલ રોડ મધ્યે આવેલી ભુજ ઇંગ્લિશ સ્કુલમાં ધોરણ 1થી11 સુધી અભ્યાસ કર્યો હતો. બાદમાં 12 મું ધોરણ ઓલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી એક્સર્ટનલ કર્યું હતું. 2013થી 2017 સુધી કચ્છ યુનિવર્સિટી મધ્યે BAમાં એક્સર્ટનલનું શિક્ષણ મેળવ્યું. બાદમાં યુવકે પરિવારને મદદ કરવા માટે બે-ત્રણ મહિના મેડિકલમાં હેલ્પર તરીકે નોકરી કરી હતી. બાદમાં સરકારી કચેરીમાં કલાર્ક તરીકે નોકરી કરી હતી. તો એક વર્ષ મિલિટરી એન્જિનિયર સર્વિસમાં આઉટ સોર્સિંગ મારફતે કોન્ટ્રાકટ પર કલાર્ક તરીકે નોકરી કરી હતી. જો કે, GPSC ની તૈયારી કરવાની ઇચ્છા દર્શાવતા તેના મોટાભાઇ કરણે તેને નોકરી મૂકવાની સલાહ આપી હતી. 2019 માં તમામ નોકરી મુકી તૈયારી શરૂ કરી અને તાજેતરમાં જ સફળતા મેળવી છે.
GPSC ની પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર વિવેક યાદવે જણાવ્યું કે, મને હિમોફિલિયા રોગ છે, શરીરમાં લોહિની ઉણપ છે. આ રોગને કારણે શરીરમાં ક્યાંક પણ ઈજા થાય તો લોહી બંધ થાય નહિ. જેથી મેં બે વર્ષ સુધી બેડ રેસ્ટ લીધો હતો. 2015 અને 2016માં હિમોફિલિયા રોગને કારણે મેં એક્સર્ટનલ વિદ્યાર્થી બનીને અભ્યાસ કર્યો હતો. મારી સારવાર માટે એક સ્પેશિયલ ફેક્ટર 8 નામનું ઇન્જેક્શન લેવું પડે છે, જેની કિંમત 80,000 થી 1 લાખ રૂપિયા છે. પરંતુ સરકાર દ્વારા સરકારી હોસ્પિટલમાં તદ્દન નિશુલ્ક આપવામાં આવે છે. શરીરમાં લોહીની ઉણપ હોવાથી બે વર્ષ બેડ રેસ્ટ લીધો હતો. પિતા અને પરિવારના સપોર્ટથી મેં આ સિદ્ધિ હાંસલ કરી છે. જી.પી.એસ.સી. પરીક્ષામાં મેં ગુજરાતમાં 206 મો રેન્ક મેળવ્યો છે. 1000માં થી 419.25 ગુણ મેળવ્યા છે અને હવે મારું આગળનું લક્ષ્યાંક UPSCની પરીક્ષા પાસ કરવાનું છે.
આ પણ વાંચો : ચાર બહેનોના લાડકવાયા કેવી રીતે બન્યા ગુજરાતના સૌથી યુવા ગૃહ રાજ્યમંત્રી, હર્ષ સંઘવીનો આજે જન્મદિવસ
સખત મહેનતનું પરિણામ છે - વિવેકના પિતા
વિવેકના પિતા નીતિનભાઇએ જણાવ્યું કે, અમને ખૂબ આનંદ થઈ રહ્યો છે કે આજે અમારો દીકરો સરકારી ઓફિસર બન્યો છે. આ તેની સખત મહેનતનું પરિણામ છે અને અન્ય માતા પિતાને પણ એ જ અપીલ છે કે આપનું બાળક જે ઈચ્છે છે તે તેને બનવા દો અને એની જે ખુશી છે એ જ આપણી ખુશી છે.
સફળતામાં મોટા ભાઈનો મોટો ફાળો
વિવેકના મોટાભાઇ કરણ યાદવે ભાઈની સફળતા માટે કહ્યું કે, અમે તેને ખૂબ સપોર્ટ કર્યો છે. અનેક વાર તેને નિષ્ફળતા મળી છે. છતાં પણ તેને મહાનુભાવો કે જેઓ પણ અનેક નિષ્ફળતા બાદ સફળ થયા છે, તેમનું ઉદાહરણ આપીને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. વિવેક એમ.ઇ.એસ.માં આઊટ સોર્સિંગ મારફતે કલાર્કની નોકરી કરતો હતો, જો કે જીપીએસસી પરીક્ષાની તૈયારી કરવાની હોવાથી મેં તેની આ નોકરી મૂકાવી દીધી હતી. પરિવારને સપોર્ટ મળી રહે તે મે પોતે નોકરી શોધી કામ કરવાનું શરુ કર્યું હતું અને મારા પગારના 80 ટકા રકમ હું વિવેકની પરીક્ષાની તૈયારી માટે આપતો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે