ગુજરાતના ગરબા આયોજકોનો મોટો નિર્ણય : હાર્ટએટેકથી ખેલૈયાઓને બચાવવા ગ્રાઉન્ડ પર રહેશે ડોક્ટરોની ટીમ
Navratri 2023 : હાર્ટએટેકના વધતા કિસ્સાઓને કારણે હવે ડોક્ટરો ગ્રાઉન્ડ પર તૈનાત કરાશે... ભીડને ધ્યાનમા રાખીને અનેક ગરબા આયોજકોએ લીધો નિર્ણય
Trending Photos
Heart Attack : નવરાત્રિ એટલે યુવાનોમાં થનગનાટનો અવસર, મિત્રોની સંગતમાં ગરબાની રમઝટ એવી જામે છે કે યુવાનો શારીરિક થાકને પણ ભૂલી જાય છે. થાક છતાં યુવાનો ગરબા રમવા દોરાય છે. ગુજરાતીઓ માટે ગરબા માટેનો આ લગાવ સ્વાભાવિક પણ છે. જો કે ગરબાની રમઝટમાં યુવાનોએ સાવચેત રહેવાની જરૂર છે. સાવચેતીનો અભાવ જીવલેણ સાબિત થઈ શકે છે. છેલ્લા કેટલાક સમયથી જે રીતે કિશોર વયના છોકરા હાર્ટ એટેકને કારણે અકાળે મૃત્યુને ભેટી રહ્યા છે, તેને જોતાં ગરબા રમતી વખતે સાવચેતી જાળવવી જરૂરી છે. અહીં ગરબા અને હાર્ટ એટેકને સાંકળીને વાત એટલા માટે કરાઈ છે, કેમ કે છેલ્લા 10 દિવસમાં ગરબા રમતાં રાજ્યમાં 3 યુવાનોએ જીવ ગુમાવ્યો છે. ત્યારે સવાલ એ છે કે જો ચાલુ નવરાત્રિમાં કોઈને આવી સમસ્યા થાય તો ગરબા આયોજકો પાસે શું પ્લાનિંગ છે. હવે ગરબાના સ્થળ પર ડોક્ટરોની ટીમ મૂકાવવાનો સમય આવી ગયો છે. જેથી ગરબા ગ્રાઉન્ડ પર ઈમરજન્સીના સમયે આવા દર્દીનો જીવ બચાવી શકાય.
ગુજરાતમાં હૃદયરોગના કિસ્સાઓ વધી રહ્યાં છે. આવામાં ગરબા આયોજકોએ હવે ગરબા સ્થળ પર ડોક્ટરોની ટીમ મૂકવી પડે તેવો સમય આવ્યો છે. આ માટે ગુજરાતમા કેટલાક ગરબા ગ્રાઉન્ડના આયોજકોએ આગોતરા પ્લાનિંગ કરી દીધું છે. અનેક ગરબા આયોજકો ગરબા ગ્રાઉન્ડ પર મિની હોસ્પિટલ જેવો માહોલ ઉભો કરશે. જો ગરબા રમતા દરમિયાન તમારી તબિયત થોડી પણ બગડે તો રાહ જોયા વગર તાત્કાલિક મદદ માંગી લેજો. નવરાત્રિમાં ગરબા દરમિયાન ગ્રાઉન્ડ પર ધૂળ ઉડવાના ચાન્સ વધારે છે તેથી લોકોને શ્વાસ સંબંધી અનેક બીમારીઓ થઈ શકે છે. આવામાં હવે ગરબા ગ્રાઉન્ડ પર હોસ્પિટલની સુવિધા મળી રહે તે બહુ જ જરૂરી બન્યું છે.
તો કયા ગરબા આયોજકોએ શું વ્યવસ્થા કરી છે તે જોઈએ...
મા શક્તિ ગરબા મહોત્સવ
ચાર એમ્બ્યુલન્સ સ્થળ પર હશે અને બે હોસ્પિટલની ટીમ રહેશે.
યુનાઈટેડ વે ગરબા
આ ગરબાના આયોજકો દ્વારા બે લોકેશનમાં ડોક્ટર અને મેડિકલની ટીમ રાખવામાં આવે છે.
ખોડલધામ નવરાત્રિ મહોત્સવ
આ વર્ષે મેડિકલ સ્ટાફ સહિત કુલ 10 લોકોની ટીમ તહેનાત રખાઈ છે. આ ઉપરાંત એમ્બ્યુલન્સની સુવિધા છે.
વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલ
ડોકટરોની ટીમ સ્ટેન્ડ બાય રહેશે. જેમાંએમ્બયુલન્સ, દવા અને અન્ય જરૂરી મેડિકલ સાધન- સામગ્રીની સુવિધા હશે
જૈનમ નવરાત્રિ મહોત્સવ
ડોક્ટરોની ટીમ ગ્રાઉન્ડ પર પેટ્રોલિંગમાં રહેશે. સમાજના ડોક્ટરો જ સેવા આપશે. દવાનો સ્ટોક રખાશે.
નાની ઉંમરમાં હાર્ટ એટેકની આ કોઈ પહેલી ઘટના નથી, અગાઉ અનેક યુવાનો આવી રીતે જીવ ગુમાવી ચૂક્યા છે. 16 વર્ષથી લઈને 30 વર્ષના યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ગરબા રમતાં જ રાજ્યમાં 21 વર્ષ અને 24 વર્ષના બીજા બે યુવાનોએ પણ જીવ ગુમાવ્યા છે. આ યુવાને અગાઉથી હાર્ટની સમસ્યા હોય તેવી પણ શક્યતા છે. જો કે લક્ષણોના અભાવે તેમને સમસ્યાની જાણ ન થઈ શકી.
જાણીતા કાર્ડિયોલોજિસ્ટ ડો તેજસ પટેલ જણાવે છે કે, હજુ કોલેજ પૂરી ન કરી હોય, તેવો યુવાન ગરબા રમતાં ઢળી પડે, તે વાત ચિંતાજનક છે. આવા કિસ્સા દેખાડે છે કે હાર્ટની સમસ્યાઓ યુવાનો માટે સાયલન્ટ કિલર બની રહી છે. ગરબા તો એક પ્રકારની શારીરિક કસરત જ છે, ત્યારે સવાલ એ થાય કે ગરબા રમતી વખતે કોઈ કેવી રીતે જીવ ગુમાવી શકે. જો કે આમ થઈ રહ્યું છે. આ પ્રકારના બનાવો માટે કોલેસ્ટ્રોલ, સુગર અને બ્લડ પ્રેશરની તકલીફ કારણરૂપ હોઈ શકે છે. ધૂમ્રપાન અને કસરતનો અભાવ પણ જીવલેણ સાબિત થઈ શકે છે. આ ઉપરાંત હાર્ટને લગતી સમસ્યા હોય, પણ તેને અવગણવામાં આવે, ત્યારે તે ઘાતક સાબિત થાય છે.
હાર્ટને કેવી રીતે બચાવશો
- યુવાનો નિયમિત હેલ્થ ચેકઅપ કરાવે
- બ્લડ પ્રેશર અને સુગર માપતા રહેવું જોઈએ
- જંકફૂડની જગ્યાએ આરોગ્યપ્રદ ખોરાક લેવો જોઈએ
- વ્યસનથી દૂર રહેવું
તબીબોનું માનીએ તો યુવાનોને હ્દય સંબંધિત જે તકલીફો સામે આવી રહી છે, તે કાર્ડિયાક એરેસ્ટ હોવાની પ્રબળ શક્યતા છે. જેમાં હ્દયને લોહી પહોંચાડતી નળીઓમાં લોહીના ગઠ્ઠા થઈ જતાં હ્દય અચાનક કામ કરવાનું બંધ કરી દે છે અને વ્યક્તિ જીવ ગુમાવે છે.
હાર્ટની સમસ્યાને દૂર રાખવાનો સૌથી મોટો ઉપાય, તેનો અટકાવ છે. આ માટે હ્દયની સ્થિતિને જાણવી જરૂરી છે. તબીબોની સલાહ છે કે યુવાનો હેલ્થ ચેકઅપ કરાવે તે હિતાવહ છે. બ્લડ પ્રેશર અને સુગરને પણ માપી લેવું જોઈએ. આ ઉપરાંત જંકફૂડની જગ્યાએ આરોગ્યપ્રદ ખોરાક લેવો જોઈએ. વ્યસનથી દૂર રહેવું પણ અનિવાર્ય છે. ગરબાની સ્પર્ધામાં ઉતરતા પહેલાં પણ ધ્યાન રાખવું જોઈએ.
એવું નથી કે હાર્ટની સમસ્યાને કારણે દરેક વ્યક્તિ પોતાનો જીવ ગુમાવે છે, ઘણા લોકો સમયસર સારવારને કારણે બચી પણ જાય છે. એવામાં CPR સહિતની પ્રાથમિક સારવાર નિર્ણાયક સાબિત થાય છે. ત્યારે રાજ્યસભા સાંસદ રામ મોકરિયાએ કરેલી પહેલને રાજ્યના તમામ ગરબા આયોજકોએ અનુસરવા જેવી છે.
ગરબા રમવા પોતાનામાં અનોખો અનુભવ છે. પણ સાથે જ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. સાવચેતી સાથેની ઉજવણી વ્યક્તિનો જીવ બચાવી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે