રાજકારણને લઇને મોટા સમાચાર; રાજકોટમાં વિપક્ષ ખત્મ? ઓફિસ અને વાહન પરત લેવા લખાયો પત્ર
તાજેતરમાં જુનાગઢમાં પણ વિરોધ પક્ષની સત્તાવાર સુવિધા સાથેની માન્યતા પરત ખેંચી લેવામાં આવી હતી. તેના પગલે રાજકોટમાં પણ આવો નિર્ણય લેવાઇ ગયો છે.
Trending Photos
ગૌરવ દવે/રાજકોટ: રાજકોટ શહેરનાં રાજકારણને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ મહાનગરપાલીકાનાં સેક્રેટરીએ મેયરની સુચનાથી મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર લખ્યો છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકામાં વિરોધપક્ષનાં નેતાની બેઠક વ્યવસ્થા માટેની ઓફસ અને સરકારી વાહન આપવાનું વ્યાજબી જણાતું ન હોવાથી તાત્કાલિક અસરથી પરત લેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તાજેતરમાં જુનાગઢમાં પણ વિરોધ પક્ષની સત્તાવાર સુવિધા સાથેની માન્યતા પરત ખેંચી લેવામાં આવી હતી. તેના પગલે રાજકોટમાં પણ આવો નિર્ણય લેવાઇ ગયો છે.
ગુજરાતમાં વિધાનસભાની 182માંથી 156 બેઠક પર ભાજપનો ભવ્ય વિજય થતા જ કોંગ્રેસનો જાણે કે ગુજરાતમાંથી સફાયો થયો હોય તેવી સ્થિતીનું નિર્માણ થયું છે. રાજકોટ સહિત ગુજરાતનાં મહાનગરોની મહાનગરપાલિકાઓમાં પણ કોંગ્રેસની ગયણી ગાયઠી જ બેઠકો પર વિજય મેળવ્યો છે. બે વર્ષ પહેલા રાજકોટ મહાનગરપાલિકાની ચુંટણીમાં ભાજપના 68 અને કોંગ્રેસના 4 કોર્પોરેટર ચૂંટાયા હતા. પરંતુ વિધાનસભાની ચૂંટણી પૂર્વે વોર્ડ નં.15ના કોંગ્રેસનાં કોર્પોરેટર વશરામભાઇ સાગઠીયા અને કોમલબેન ભારાઇ કોંગ્રેસને છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાઇ ગયા હતા.
આ કારણે વિપક્ષમાં માત્ર બે સભ્યો બચ્યા હતા. જેમાં વિરોધપક્ષનાં નેતા તરીકે કોંગ્રેસે ભાનુબેન પ્રવિણભાઇ સોરાણી, કોર્પોરેટર તરીકે મકબુલભાઇ દાઉદાણી રહ્યા હતા. કોંગ્રેસનું સંખ્યા બળ 10 ટકા ન હોવા છતાં પણ વિરોધપક્ષનું પદ આપવામાં આવ્યું હતું. પરંતુ અચાનક જ રાજકોટનાં મેયર ડો. પ્રદિપ ડવે પણ જૂનાગઢની જેમ રાજકોટમાં પણ વિપક્ષનાં નેતાનું કાર્યાલય અને સરકારી વાહન પરત લેવા સુચના આપી છે. જેથી રાજકોટ મહાનગરપાલીકાનાં સેક્રેટરીએ મ્યુનિસિપલ કમિશ્નર આનંદ પટેલને પત્ર લખીને તાત્કાલીક અસર થી વિપક્ષની ઓફિસ અને વાહન પરત લેવા વિનંતી કરી છે.
પ્રદેશ નેતાઓને વિશ્વાસમાં લઇને રાજકોટમાં પણ આ જ નીતિ અપનાવવા ફાઇનલ કરાયું છે. એકાદ બે દિવસમાં વિપક્ષી નેતાને પત્ર લખીને સત્તાવાર કાર અને ચેમ્બર સહિતની સુવિધા પાછી ખેંચી લેવામાં આવશે. આમ મનપામાં વિપક્ષી નેતાનો દરજજો ખત્મ થવા આવ્યો છે. આ જ સ્થિતિથી મનપામાં રાજકીય હલચલ મચે તેમ છે.
વિપક્ષ પદ માટે શું છે નિયમ
નિયમ મુજબ કુલ સંખ્યા બળના 10 ટકા સભ્ય વિપક્ષ પાસે હોય તો જ વિપક્ષી નેતા પદ અને અન્ય સુવિધાઓ મળે છે. વિધાનસભામાં પણ સરકારે વિપક્ષને આવી માન્યતા આ જ કારણોથી આપી નથી. પરંતુ મનપામાં શાસક પક્ષે અગાઉથી ચાલતી પરંપરાના કારણે વિપક્ષી નેતા પદ આપ્યું હતું. તે બાદ ચારમાંથી બે સભ્ય ગેરલાયક ઠરતા માત્ર બે વિપક્ષી સભ્ય કોર્પો.માં બેસે છે. જેને કારણે કોંગ્રેસને વિરોધપક્ષનું પદ મળી શકે તેમ નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે