ગુજરાતમાં 4 સીટો પર ભાજપનું કોકડું ગૂચવાયું, જાણી લો કોણ છે સાંસદ અને શું છે કારણો

 Loksabha Election 2024: ગુજરાતમાં ભાજપ નવા પ્રયોગો કરી રહ્યું છે. 22 ઉમેદવારોના નામ જાહેર થયા છે પણ ભાજપે 10 સાંસદોના પત્તાં કાપી દીધા છે.  ભારતીય જનતા પાર્ટી(BJP) આજે લોકસભાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દીધી છે. બીજી યાદીમાં ગુજરાતના 7 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. બાકીના 4 બેઠકના નામ હજું બાકી છે.

ગુજરાતમાં 4 સીટો પર ભાજપનું કોકડું ગૂચવાયું, જાણી લો કોણ છે સાંસદ અને શું છે કારણો

Loksabha Election 2024: ભલે ભાજપનો ગુજરાતમાં દબદબો હોય પણ 4 સીટોનું ભાજપ કોકડું ઉકેલી શક્યું નથી. આવતીકાલે લોકસભાની ચૂંટણી જાહેર થવાની છે પણ ભાજપે 4 બેઠકોના ઉમેદવાર જાહેર કર્યા નથી. આ સીટ પાર્ટી માટે માથાનો દુખાવો બની ગઈ છે. ગુજરાત ભાજપમાં ભારે રસાકસી વચ્ચે 4 સીટોનું કોકડું ગૂચવાયું છે. ભાજપે આજે લોકસભાના નવા 7 નામો જાહેર કરતાં કુલ 22 ઉમેદવારોના નામ જાહેર થઈ ગયા છે. ભાજપ કોઈ પણ સંજોગોમાં 26માંથી 26 બેઠકો જીતવા માગે છે.

મહેસાણા એ મોદીનો હોમટાઉન જિલ્લો

આ 4 સીટો પર જાતિ સમીકરણો પાર ન પડતાં આ 4 સીટોના નામો જાહેર થઈ રહ્યાં નથી. મહેસાણામાં અનિલભાઈના પત્ની શારદાબેન પટેલે આ બેઠક પર ચૂંટણી લડવાની પહેલાંથી ના પાડી છે. હવે આ બેઠક પર ભાજપ નવો ઉમેદવાર શોધી રહ્યો છે. નીતિન પટેલે આ બેઠક પર દાવેદારી કરી હતી પણ હાઈકમાન્ડના દબાણથી તેમને આ દાવેદારી છોડી દીધી છે. મહેસાણા એ મોદીનો હોમટાઉન જિલ્લો છે. 

7 નામોમાં 5 સાંસદોના પત્તા કપાઈ ગયા

ઉત્તર ગુજરાતની લેબોરેટરી ગણાતો હોવાથી તમામની નજર આ બેઠક પર છે. સુરેન્દ્ર નગરમાં પણ કોને ટિકિટ આપવી એ મામલો ગૂંચાઈ ગયો છે. પહેલાં આ સીટ પર કુવરજી બાવળિયાનું નામ ચાલ્યું હતું પણ તેઓએ જાહેરમાં ચોખ્ખી ના પાડી દીધી હતી. સુરેન્દ્ર નગરમાં હાલમાં ભાજપના સાંસદ ડો. મહેન્દ્ર મુંજપરા છે. ભાજપ એમને રીપિટ કરે તેવી સંભાવના ઓછી છે. ગુજરાતમાં આજે જાહેર થયેલા 7 નામોમાં 5 સાંસદોના પત્તા કપાઈ ગયા છે. ભાજપે ફક્ત અમદાવાદ પૂર્વમાં હસમુખ પટેલ અને વડોદરાથી રંજનબેનને રિપિટ કર્યા છે. અનેક વિવાદો છતાં ભાજપે અહીં રંજનબેન પર ભરોસો મૂક્યો છે. 

અમરેલી બેઠક પર વિવાદ વધ્યો છે. અમરીશ ડેરને ભાજપે કેસરિયો પહેરાવતાં આ સીટ પર કોને ઉમેદવાર જાહેર કરવો એ સમસ્યા બની ગઈ છે. પહેલાં ભાવનગરથી હીરા સોલંકીનું નામ ચર્ચામાં હતું પણ ભાજપે અહીં આપના ઉમેશ મકવાણા સામે નિમુબેનનું નામ જાહેર કરીને સૌને ચૌંકાવી દીધા છે. અહીંથી હીરા સોલંકીનું નામ કપાતાં અમરેલીથી હવે કોણ ઉમેદવાર એ ચર્ચાનો વિષય છે.

અમરેલીમાં હીરા સોલંકીનું નામ જાહેર ન થાય તો અમરીશ ડેરને પાટલી બદલવું ભારે પડી શકે છે. જૂનાગઢમાં પણ ભાજપે ઉમેદવાર જાહેર કર્યો નથી. અહીં ભાજપ સીટિંગ સાંસદની ટીકિટ કાપવાના મૂડમાં છે. અહીં રાજેશ ચુડાસ્મા ભાજપના સાંસદ છે. જેઓના નામે વિવાદો જોડાયેલા હોવાની સાથે આ બેઠક પર કોંગ્રેસનું પ્રભુત્વ હોવાથી ભાજપ અહીં નવો ચહેરો મેદાનમાં ઉતારી શકે છે.

ભાજપે નેતાઓને ઝટકા પર ઝટકા આપ્યા

ગુજરાતમાં 26માંથી 22 સાંસદોના નામ જાહેર થઈ ગયા અને 4 બેઠકો પર કોંકડું ગૂચવાયું છે. હજુ પણ કેટલાક ઉમેદવારો રીપિટ ના થાય તેવી સંભાવના વચ્ચે ભાજપે 26માંથી 10 સાંસદોના પત્તાં કાપી દીધા છે. ગુજરાતમાં 26માંથી 26 બેઠકો ભાજપ પાસે હોવા છતાં ભાજપે કદાવર નેતાઓના પત્તા કાપી નવા ઉમેદવારો જાહેર કર્યા છે. જેઓના માથે હવે 5 લાખની લીડથી જીતવાનો ટાર્ગેટ છે. ગુજરાતમાં ભાજપે કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશને પણ બાકાત રાખ્યા નથી. ભાજપે નેતાઓને ઝટકા પર ઝટકા આપ્યા છે. જેઓના નામ કપાય તેવી સંભાવના હતી તેવા ભાજપના નેતાઓ બચી ગયા છે. ભાજપે 22માંથી  પૈકી 10 બેઠકો પર સાંસદના પત્તા કાપ્યા છે. અમરેલી, જૂનાગઢ, મહેસાણા અને  સુરેંદ્રનગર બેઠક પર હજુ ઉમેદવારના નામ પર સસ્પેંસ છે. 

આ સાંસદો કપાઈ ગયા

 

  1. સુરતના સાંસદ દર્શના જરદોશ
  2. સાબરકાંઠાના સાંસદ દીપસિંહ રાઠોડ
  3. ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળ
  4. છોટા ઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા
  5. વલસાડના સાંસદ કે.સી. પટેલ
  6. અમદાવાદ પશ્ચિમમાં ડૉ. કિરીટ સોલંકી
  7. પંચમહાલથી રતનસિંહ રાઠોડ
  8. પોરબંદરથી રમેશ ધડુક
  9. બનાસકાંઠાથી પરબત પટેલ
  10. રાજકોટથી મોહન કુંડારિયા

ભાજપે આજે જાહેર કરેલી યાદીમાં સાબરકાંઠા, ભાવનગર, છોટાઉદેપુરમાં  અને  સુરત, વલસાડના સાંસદની ટિકિટ કપાઇ છે. તો અમદાવાદ પૂર્વ અને વડોદરાના સાંસદને  રિપીટ કરવામાં આવ્યાં છે. દાદરાનગર હવેલીથી કલાબેન ડેલકરને  ટિકિટ આપી છે. અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલને પણ રિપીટ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલાં હવે માહોલ જામી રહ્યો છે. ભાજપે 2024ની લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં22  ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પાર્ટીએ પ્રથમ યાદીમાં પાંચ બેઠકોમાં ફેરફાર કરીને નવા ચહેરાઓને તક આપી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news