ગુજરાતમાં ભાજપની આંધીએ 2 રેકોર્ડ રચ્યા, એક રાજ્યમાં સૌથી વધુ સમય સુધી શાસન કરનારો પક્ષ બન્યો

Gujarat Election Result 2022 : ગુજરાતમાં ભાજપની આંધી... કમળની તાકાત સામે પંજો પછડાયો, ઝાડુ વિખેરાયું... નવા રેકોર્ડ સાથે ભાજપને આજે 8 ડિસેમ્બરે ઐતિહાસિક પરિણામો મળ્યા... ગુજરાત હવે ફક્ત ભાજપનો ગઢ નહીં, પણ અભેદ્ય કિલ્લો 

ગુજરાતમાં ભાજપની આંધીએ 2 રેકોર્ડ રચ્યા, એક રાજ્યમાં સૌથી વધુ સમય સુધી શાસન કરનારો પક્ષ બન્યો

Gujarat Election Result 2022 : 8 ડિસેમ્બર 2022નો દિવસ ગુજરાતના રાજકારણના ઈતિહાસમાં અંકિત થઈ ગયો છે. આ એ દિવસ છે, જ્યારે ગુજરાત વિધાનસભામાં ક્યારેય ન જોવાયા હોય તેવા સમીકરણો રચાયા છે. ભાજપે 150થી વધુ બેઠકો મેળવીને સૌથી વધુ બેઠકો જીતવાનો રેકોર્ડ તો સર્જયો જ છે, સાથે જ ભાજપ હવે એક રાજ્યમાં સૌથી વધુ સમય સુધી શાસન કરનારો પક્ષ બન્યો છે.

છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં સત્તા પર રહેલા ભાજપને વધુ પાંચ વર્ષ મળ્યા છે. સુશાસન અને વિકાસના મુદ્દાએ ભાજપને વધુ એક જીત અપાવી છે, એ પણ એક રેકોર્ડ સાથે. ભાજપે પોતાના ગઢ તો જાળવી રાખ્યા જ છે, પણ કોંગ્રેસના ગઢ પણ જીતી લીધા. 

માધવસિંહના નામ ભૂંસાયું, ભુપેન્દ્રભાઈનું લખાશે
અત્યાર સુધી ગુજરાતમાં સૌથી વધુ બેઠકો જીતવાનો વિક્રમ કોંગ્રેસ પાસે હતો. 1985માં માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં કોંગ્રેસ 149 બેઠકો જીતીને સત્તા પર આવી હતી. પણ ભાજપે 37 વર્ષ બાદ આ રેકોર્ડ ધ્વસ્ત કરીને નવો રેકોર્ડ સર્જયો છે..ભાજપે 150થી વધુ બેઠકો જીતીને પોતાનો લક્ષ્યાંક હાંસલ કર્યો છે. હવે ગુજરાતના રાજકારણના ઇતિહાસમાં માધવસિંહની જગ્યાએ ભૂપેન્દ્ર પટેલનું નામ લખાઈ ગયું છે. 

ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ભાજપે બેઠકોનો રેકોર્ડ તો તોડ્યો જ છે, પણ સાથે ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયાથી સૌથી વધુ મતે જીતવાનો પોતાનો રેકોર્ડ પણ તોડી નાંખ્યો છે. 2017માં 1,17,750 મતોની લીડ સાથે જીતેલા ભૂપેન્દ્ર પટેલ આ વખતે એક લાખ 91 હજાર મતોની લીડ સાથે જીત્યા છે. જે લીડનો નવો રેકોર્ડ છે.

સતત 7મી વાર જીત 
ભાજપ સતત સાતમી વખત ગુજરાતમાં જીતી છે. તેની સાથે જ તે એક GFXIN રાજ્યમાં સૌથી વધુ સમય સુધી સત્તા પર રહેનારો બીજો પક્ષ બન્યો છે. અગાઉ પશ્વિમ બંગાળમાં માર્કસવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી સતત સાત ટર્મ સુધી જીતી હતી. CPI(M)એ 1977થી 2011 સુધી સતત 34 વર્ષ સુધી શાસન કર્યું છે.

ગુજરાતમાં ભાજપના ભવ્ય વિજયનો શ્રેય પ્રધાનમંત્રી મોદી, ગૃહ મંત્રી અમિત શાહ અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની વ્યુહરચના અને પ્રચંડ પ્રચારને જાય છે. મોદી અને શાહની જોડી ફરી એકવાર જીતનો પર્યાય સાબિત થઈ છે. 

ભાજપે તમામ એગ્ઝિટ પોલના આંકડાને ઓવરટેક કર્યા છે, જે ભાગ્યે જ જોવા મળ્યું છે. 15મી વિધાનસભાની આ ચૂંટણીમાં કોંગ્રેસ 20 બેઠકોની અંદર સમેટાઈ ગઈ, જે કોંગ્રેસ માટે સૌથી મોટી પછડાટ છે. અગાઉ 1990માં કોંગ્રેસને સૌથી ઓછી 33 બેઠકો મળી હતી. તો આમ આદમી પાર્ટી બે આંકડા સુધી પણ નથી પહોંચી શકી. 

આ ચૂંટણીમાં ભાજપનો વોટશેર પણ 50 ટકાને પાર ગયો છે. 2017માં 49 ટકા વોટ મેળવનાર ભાજપને આ વખતે 53 ટકા જેટલા મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસનો વોટશેર 41.44 ટકાથી ઘટીને સીધો 27 ટકા પર આવી ગયો છે. જ્યારે આમ આદમી પાર્ટીને 12 ટકા જેટલા વોટ મળ્યા છે.  

આ સાથે જ હવે ભૂપેન્દ્ર પટેલ સરકારની શપથવિધિની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. 12 ડિસેમ્બરે ગાંધીનગરમાં હેલિપેડ ગ્રાઉન્ડ પર શપથવિધિ કાર્યક્રમ યોજાશે. જેમાં પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી શાહ પણ ઉપસ્થિત રહેશે.

Trending news