અમદાવાદમાં હવે ઘર ખરીદવું વધુ મોંઘું થયું; AMCએ નવા બાંધકામોને લગતી ફીમાં કર્યો વધારો
Property Investment In Gujarat : અમદાવાદમાં પ્રોપર્ટીના ભાવ દિવસેને દિવસે વધી રહ્યા છે. પરંતુ આ મોંઘવારી લોકોને નવુ ઘર ખરીદવામાં નડી રહી છે. કારણ કે, ઘર મોઘું થતા જ પ્રોપર્ટીના વેચાણમાં ઘટાડો આવ્યો છે.
Trending Photos
ઝી બ્યુરો/ગાંધીનગર: જનતા પર મોંઘવારીનો વધુ એક માર પડવા જઈ રહ્યો છે. દૂધથી લઈને પેટ્રોલ-તેલ સુધીના ભાવોએ માઝા મૂકી છે. લોકો માટે પણ હવે જીવનજરૂરિયાતી વસ્તુઓ મોંઘી બની રહી છે. આવામાં અમદાવાદીઓના ઘરનું ઘરના સપનાનું કિંમત વધી રહી છે. અમદાવાદમાં હવે નવુ મકાન ખરીદવુ મોંઘુ પડશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ફરી એક મહત્ત્વપૂર્ણ અને બોજાદાયક નિર્ણય લીધો છે. શહેરમાં નવાં બાંધકામોને લગતી ફીમાં વધારો ઝીંક્યો છે.
જો તમે હવે અમદાવાદમાં ઘર ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો તમને લાખો રૂપિયા વધૂ ચૂકવવા પડશે. આ વખતે ક્રેડાઈ દ્વારા નહીં, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભાવ વધારો કરવાનો નિર્ણય કરાયો છે, તેમાં શહેરમાં નવા બનતા બાંધકામોને લગતી ફીમાં વધારો ઝીંકયો છે. AMC દ્વારા હાલ એક નવો જ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ ચણતર ફી, ટ્રી પ્લાન્ટેશન ડિપોઝીટમાં વધારો કરાયો છે તેમજ બિલ્ડીંગ રિમૂવલ મટીરીયલ ચાર્જમાં પણ વધારો કરાયો છે.
AMC દ્વારા નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો!
AMC દ્વારા પરિપત્ર જાહેર કરાયો છે કે BU પરમિશન વખતે પરકોલેટિંગ વેલ ડિપોઝિટ પેટે રૂપિયા 75 હજાર ભરવા પડશે તેમજ પરકોલેટિંગ કાર્યરત છે કે નહીં? એની ચકાસણી બાદ રકમ પરત મળશે. ટ્રી પ્લાન્ટેશન ડીપોઝીટની રકમમાં અઢીથી ત્રણ ગણો વધારો કરાયો છે. ચણતર ફી, બિલ્ડીંગ રિમૂવલ મટીરીયલ ચાર્જમાં 3થી 4 ગણો વધારો કરવામાં આવ્યો છે. ચણતર ફીમાં પણ 2થી 3 ગણો વધારો ઝીંકાયો છે. ચણતર ફી પ્રતિ ચોરસ કિમી રહેણાક રૂપિયા 40 કરાઈ છે તેમજ બિન રહેણાંકમાં રૂપિયા 60 ફી કરવામાં આવી છે. બિલ્ડિંગ મટીરીયલ રીમુવલ ચાર્જ પ્રતિ ચોરસ કિમી રૂપિયા 20 કરાયો જે પહેલા રૂપિયા 10 હતો. પ્રતિ 200 ચોરસ મીટરના મકાનમાં 5 વૃક્ષો વાવવાનો નિયમ પણ કરાયો છે.
કયા વિસ્તારો હોટ ફેવરિટ છે
એસજી હાઈવે, પ્રહલાદ નગર, બોપલ, થલતેજ, સાયન્સ સિટી હવે અમદાવાદીઓ માટે ઓલ્ડ ફેશન બન્યું છે. તેના કરતા હવે ગોતા, ન્યૂ રાણીપ, ચાંદખેડા, મોટેરા, ત્રાગડ જેવા વિસ્તારો અમદાવાદની પહેલી પસંદ બની રહ્યાં છે. એટલે એક સમયે પશ્ચિમ વિસ્તારોની બોલબાલા હતી, પરંતુ હવે લોકોને ઉત્તર અમદાવાદ પસંદ આવી રહ્યું છે. નવુ ઘર ખરીદનારા હવે ન્યૂ રાણીપ, ચાંદખેડા, મોટેરા, ત્રાગડ, વૈષ્ણવદેવી આસપાસ ઘર લેવાનું વધુ પસંદ કરે છે. રિપોર્ટના આંકડા અનુસાર, ઉત્તર અમદાવાદમાં મકાનોનું વેચાણ 29 ટકાથી વધીને 33 ટકા થયું છે. તો પશ્ચિમ અમદાવાદમાં વેચાણ 26 ટકા પર સ્થિર થઈ ગયું છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં હવે સપનાના ઘરનો શોખ મોંઘો બની રહ્યો છે. રિયલ એસ્ટેટ માર્કેટમાં હૈદરાબાદ બાદ અમદાવાદમાં સૌથી વધુ પ્રોપર્ટીના ભાવ છે. શહેરમાં માત્ર 6 મહિનાના ટૂંકા ગાળામાં જ ઘર 4 ટકા મોંઘા બન્યા છે. જોકે, માર્કેટ પર તેની વિપરીત અસર જોવા મળી રહી છે. પરંતુ બીજી હકીકત એ પણ છે કે અમદાવાદમાં ઘર ખરીદવા મામલે લોકોનો શોખ હવે હાઈફાઈ બની રહ્યો છે. અમદાવાદીઓ મોંઘા ઘર ખરીદવાનું પસંદ કરી રહ્યાં છે. એક રિપોર્ટ અનુસાર, અમદાવાદમાં 1 કરોડથી વધુની કિંમતના ઘરના વેચાણમા વધારો થઈ રહ્યો છે. એટલે કે અમદાવાદીઓને હવે મોંઘા ઘર પસંદ આવી રહ્યાં છે.
પ્રોપર્ટીનો ભાવ વધ્યો
નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાએ તેના તાજેતરના અહેવાલ ઈન્ડિયા રિયલ એસ્ટેટ: H1 2023 (જાન્યુઆરીથી જૂન 2022) નો રિપોર્ટ આવ્યો છે. જેમાં અમદાવાદનું પ્રોપર્ટી માર્કેટ કેટલે પહોંચ્યું છે, તે સમજી શકાય છે. રિપોર્ટ જણાવે છે કે, છ મહિનાના ગાળમાં હાઉસિંગ કિંમતોમાં અમદાવાદનો નંબર હૈદરાબાદ બાદ બીજા ક્રમે આવે છે. અમદાવાદમાં પ્રોપર્ટીના ભાવ 4 ટકા વધ્યા છે. પરંતુ આ મોંઘવારી લોકોને નવુ ઘર ખરીદવામાં નડી રહી છે. કારણ કે, ઘર મોઘું થતા જ પ્રોપર્ટીના વેચાણમાં 3 ટકાનો ઘટાડો આવ્યો છે.
અમદાવાદમાં ઘર ખરીદવાનું કારણ
આ રિપોર્ટ કહે છે કે, લોકો ઘર ખરીદવા તરફ આકર્ષાય તેમાં દેશના ટોચના 8 શહેરોમાં અમદાવાદનું નામ સામેલ છે. સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સલામતી, એજ્યુકેશન-ટ્રાન્સપોર્ટેશન તેમજ રોજગાર ગ્રોથ સારો હોવાના કારણે મોટાભાગના લોકો અન્ય શહેરોની સરખામણીએ અમદાવાદમાં ઘર ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. તેમજ લોકોને મોટાભાગે જૂની સ્કીમ કરતા નવા પ્રોજેક્ટમાં વધુ રસ પડી રહ્યો છે, કારણ કે તેમાં સુવિધાઓ વધુ મળી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે