અમદાવાદીઓનો શ્વાસ પણ ઝેરી, પીરાણાનો ડુંગર ઝેર ઓકી રહ્યો છે, પ્રદૂષણ ત્રણ ગણું વધ્યું

Pollution In Ahmedabad : અમદાવાદની હવામાં પ્રદૂષણનું પ્રમાણ સતત વધી રહ્યું છે. લોકોના શ્વાસમાં દિવસ-રાત ઝેરી હવા ભળી રહી છે. છતાં હવા પ્રદૂષણ ઘટાડવામાં મ્યુનિસિપલ કોર્પોરેશન બેદરકાર જોવા મળી રહ્યું છે

અમદાવાદીઓનો શ્વાસ પણ ઝેરી, પીરાણાનો ડુંગર ઝેર ઓકી રહ્યો છે, પ્રદૂષણ ત્રણ ગણું વધ્યું

સપના ચૌધરી/અમદાવાદ :ગુજરાતની હવામાં ફેલાઈ રહ્યું છે ઝેર. અમદાવાદમાં પણ બેદરકારીના કારણે હવા સતત ઝેરી બની રહી છે. હાઈવે નિર્માણના કારણે ત્રણ ગણું પ્રદૂષણ વધ્યું છે. હાઈવે પરની હવા શ્વસન સંબંધી બીમારીઓ નોતરી રહી છે. આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ. કેમ કે કેગ દ્વારા હાલમાં ગુજરાત વિધાનસભામાં 5 વર્ષની કામગીરીનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં માત્ર જીપીસીબી જ નહીં પરંતુ માર્ગ અને મકાન વિભાગ તેમજ વન વિભાગ દ્વારા કરવામાં આવી રહેલી બેદરકારીના કારણે લોકોના સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર થઈ રહી છે. બીજી તરફ, અમદાવાદમાં પીરાણાના કારણે પણ પ્રદુષણ વધી રહ્યું છે. શહેરમાં પ્રદુષણનું પ્રમાણ વધતા પર્યાવરણ સંકટ જેવી સ્થિતિ જોવા મળી છે. આ ખુલાસો કેગના રિપોર્ટમાં થયો છે. અમદાવાદ માટે હજી પણ પીરાણાનો ડુંગર માથાનો દુખાવો છે. 

કેગની હવા પ્રદૂષણ અંગે ટિપ્પણી 

  • પ્રદૂષણ ફેલાવતા એકમોમાં ઓનલાઈન વ્યવસ્થા સ્થાપવામાં GPCB નિષ્ફળ 
  • 6 વર્ષમાં 67 એકમોમાં ઓનલાઈન વ્યવસ્થા ના થઇ 
  • અમદાવાદ-ગાંધીનગરમાં ઘન કચરાનો અવૈજ્ઞાનિક નિકાલ
  • પૂરતા સ્ટાફના અભાવે GPCB ના કરી શક્યું યોગ્ય કામગીરી
  • પ્રદૂષણ વધ્યું છતાં સરકારે GPCBની 223 જગ્યાઓ નાબૂદ કરી
  • GPCB માત્ર 505 કર્મચારી સાથે કરી રહ્યું છે કામ

પીરાણા ડમ્પિંગ સાઈટ પર ગોકળગતિએ કામ ચાલે છે 
ટેન્ડરમાં શરત છતાં પણ ઔદ્યોગિક ક્ષેત્રના બંને તરફ હરિયાળી નથી. ગુજરાતમાં  GPCBની મંજૂરી વિના 47 ટકા હોટ મિક્સ પ્લાન્ટ ધમધમે છે. તો 20 વર્ષમાં પ્રતિ ચોરસ કિમીમાં વાહનોની સંખ્યા 28થી વધીને 128 સુધી પહોંચી ગઈ છે. અમદાવાદની જ વાત કરીએ તો, અમદાવાદની હવામાં પ્રદૂષણનું પ્રમાણ સતત વધી રહ્યું છે. લોકોના શ્વાસમાં દિવસ-રાત ઝેરી હવા ભળી રહી છે. છતાં હવા પ્રદૂષણ ઘટાડવામાં મ્યુનિસિપલ કોર્પોરેશન બેદરકાર જોવા મળી રહ્યું છે. સૌથી પહેલા વાત પીરાણા ડમ્પિંગ સાઈટની કરીએ. પીરાણા ડમ્પિંગ સાઈટ વિસ્તારની હવા સૌથી વધુ ઝેરી છે. ડમ્પિંગ સાઈટની 84 એકર પૈકી હજુ સુધી 14 એકર જમીન ખાલી કરાઈ છે. રાષ્ટ્રીય હરિત પંચની દરમિયાનગીરી પછી પણ કાર્યવાહી અધૂરી છે. 

પ્રદૂષણ ફેલાવતા મુખ્ય સ્ત્રોત

  • બાંધકામની પ્રવૃતિઓ
  • ઘન કચરો
  • ઈંટોના ભઠ્ઠા
  • પથ્થર ક્રશર
  • લાકડાની લાટી
  • કોલ્ડ સ્ટોરેજ 

GPCBની દેખરેખની જવાબદારી

  • 30900 ઉદ્યોગો
  • 42 હજાર એકમ
  • 34 વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ
  • 21 બાયો મેડિકલ વેસ્ટ

ડમ્પિંગ સાઈટની 84 એકરમાંથી માત્ર 14 એકર જમીન જ ખાલી કરાઈ
મહત્વનું છે કે અમદાવાદનો કચરો 1982થી પિરાણા ડમ્પિંગ સાઈટમાં ઠાલવવામાં આવે છે. સમય જતાં 95 લાખ મેટ્રિક ટન ઘટન કચરાના ડુંગરે 84 એકર જમીન રોકી લીધી છે. અને આ કચરાના ડુંગરમાંથી નીકળતો ઝેરી ધુમાડો લોકોનો શ્વાસમાં ભળી રહ્યો છે. જેના કારણે પીરાણા ડમ્પિંગ સાઈટ પાસેથી પસાર થતાં વાહનચાલકો અને તેની આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જ્યારે પીરાણાના ડુંગરનો કચરો સળગાવવામાં આવે છે, ત્યારે ત્યાંથી પસાર થવું પણ લોકો માટે ભારે જોખમી બની જાય છે. આ ઘન કચરાનો નિકાલ કરવા માટે રાષ્ટ્રીય હરિત પંચની દરમિયાનગીરી પછી કાર્યવાહી કરવામાં આવી. પરંતુ પીરાણા પ્રોજેક્ટમાં ઉદાસીનતાના કારણે કામગીરી હજુ સુધી પૂરી થઈ શકી નથી. ડમ્પિંગ સાઈટની 84 એકર પૈકી હજુ સુધી માત્ર 14 એકર જમીન જ ખાલી કરવામાં આવી છે.

વાહનોના પ્રદૂષણ મામલે કેગની ટિપ્પણી

  • 2018-19માં 2.52 કરોડ વાહનો સામે PUCના 1192 સેન્ટર કાર્યરત છે
  • 798 PUC સેન્ટર સરકારના નિયમોનું પાલન કરતા નથી
  • 162 PUC સેન્ટરને નોટિસ ફટકારી પરવાના રદ કરાયા
  • RTO દ્વારા PUC સેન્ટરનું નિયમિત ટેકનિકલ ઓડિટ નહીં
  • 7 કરોડ વાહનો સામે ઓવરલોડ અને PUC અંગે મેમો કે ગુના નોંધાયા
  • ભેળસેળવાળા બળતણના કારણે વાહનોનું ઉત્સર્જન
  • 2014થી 2019 વચ્ચે પુરવઠા વિભાગે માત્ર 1506 પેટ્રોલ પંપની તપાસ કરી
  • વિભાગે 33,854 પેટ્રોલ પંપની કરવાની હતી તપાસ
  • પંપની અપૂરતી દેખરેખના કારણે ભેળસેળવાળા બળતણનું વેચાણ    

પીરાણા ડમ્પિંગ સાઈટ પર અમદાવાદ કોર્પોરેશનની કચરો કાઢવાની કામગીરી ઢીલી છે. ટ્રોમીલ મશીનથી છેલ્લા કેટલાય વર્ષોથી પીરાણાના નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. 2019 માં બે વર્ષમાં સંપૂર્ણ ડુંગર નેસ્તો નાબૂદ કરવાનો AMC નો ઉદ્દેશ્ય છે. છતાં આજ દિન સુધી તેનો નિકાસ થયો નથી. 80 ટ્રોમીલ મશીન કાર્યરત છે. ચોમાસામાં કચરો ભીનો થતો હોવાથી કામગીરી બંધ રાખવી પડે છે તેવુ અધિકારીઓનું કહેવું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news