'વિકાસની રાજનીતિ શું હોય એ દેશ-દુનિયાને ગુજરાતે દેખાડ્યું, અમે જનતાએ મુકેલો વિશ્વાસ એળે નહીં જવા દઈએ'

આત્મ નિર્ભર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ધારમાં આત્મ નિર્ભર ગુજરાત માટે વિકાસના દરેક ક્ષેત્રમાં અવ્વલ રહેવાનો ગુજરાત ગૌરવ દિવસનો આપણા સૌનો સંકલ્પ હોય.

'વિકાસની રાજનીતિ શું હોય એ દેશ-દુનિયાને ગુજરાતે દેખાડ્યું, અમે જનતાએ મુકેલો વિશ્વાસ એળે નહીં જવા દઈએ'

ઝી બ્યુરો/અમદાવાદ: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે 1લી મે ગુજરાત સ્થાપના દિવસે ગુજરાત સહિત વિશ્વભરના ગુજરાતીઓને સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી છે. મુખ્યમંત્રીએ ગુજરાત ગૌરવ દિવસની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું કે 1લી મે આપણા ગુજરાતનો ગૌરવવંતો સ્થાપના દિવસ છે. મુખ્યમંત્રીએ કહ્યું કે આપણા વડાપ્રધાન અને વિશ્વનેતા નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આપણે અમૃતકાળની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે અમૃતકાળનો આ પહેલો ગુજરાત ગૌરવ દિવસ વિશેષ મહત્વ ધરાવતો ગૌરવ દિવસ  છે.

મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, ૧ મે ૧૯૬૦ના દિવસે ગુજરાત અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું અને ગુજરાતીઓએ પોતાના ખમીર અને ઝમીર ઝળકાવીને ‘ડગલું ભર્યું કે ના હટવું’ની કવિ નર્મદની પંક્તિઓ ચરિતાર્થ કરી વિકાસ માર્ગે મક્કમતાથી ડગ માંડયા છે. ધરતીકંપનો માર હોય, પૂરનો પ્રકોપ હોય કે કોરોના મહામારી હોય ગુજરાતી બાંધવોએ દરેક આફતનો મક્કમતાથી મૂકાબલો કર્યો છે. એમાંય પાછલા બે દાયકામાં તો આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં આપણે વિકાસની નવી પરિભાષા આપી છે.

વિકાસ કેવો હોય, વિકાસની રાજનીતિ શું હોય એ ગુજરાતે વડાપ્રધાનના નેતૃત્વમાં વિકાસના રોલમોડેલ રાજ્ય તરીકે દેશ અને દુનિયાને બતાવ્યું હોવાનો ઉલ્લેખ કરીને મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતના વિકાસની આ યાત્રા સતત અવિરત આગળ ધપાવવા આદરણીય શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં અપાર વિશ્વાસ અને ભરોસો મૂકીને જનતા જનાર્દને પ્રચંડ જનાદેશ આપ્યો છે. એ બદલ અમે આપ સૌના આ પ્રેમનો નતમસ્તકે ઋણ સ્વીકાર કરીએ છીએ. 

ગૌરવવંતા સ્થાપના દિવસના અવસરે મુખ્યમંત્રીએ ગુજરાતની જનતાને વિશ્વાસ આપતા કહ્યું કે, જનતા જનાર્દને અમારામાં મુકેલો ભરોસો-વિશ્વાસ અમે એળે નહિં જવા દઇએ અને જે વચનો આપ્યાં છે તે પાળી બતાવીશું, ગુજરાતનું માન-સન્માન વધારીશું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને દેશનું ગ્રોથ એન્જીન બનાવવા દરેક ક્ષેત્રે વિકાસની ચરમસીમા પાર કરી પરિશ્રમની પરાકાષ્ટા સર્જી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  કંડારેલા વિકાસના એ રાજમાર્ગને વધુ ઉન્નત બનાવવામાં ટીમ ગુજરાત કોઈ કચાશ નહીં રાખે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

ગુજરાતના પનોતા પુત્ર આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી ઇકોનોમી ધરાવતો દેશ બન્યો હોવાનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીએ કહ્યું કે, ર૦ર૭ સુધીમાં ભારતને પાંચ ટ્રિલીયન યુ.એસ. ડોલરનું અર્થતંત્ર બનાવવા વડાપ્રધાનએ આહવાન કર્યુ છે. તેમના હરેક આહવાનની જેમ આ આહવાન પણ જન સહયોગ અને જનતા જનાર્દનના આશીર્વાદથી ઝિલી લેવા આપણે સૌ તૈયાર છીએ. દેશના કુલ જી.ડી.પી. માં ગુજરાતનો શેર ૮.૩૬ ટકા છે તેને આવનારા વર્ષોમાં ૧૦ ટકાથી વધુ કરવાની પ્રતિબદ્ધતા મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી.

આ વર્ષે અત્યાર સુધીનું સૌથી મોટું ઐતિહાસિક ૩ લાખ કરોડનું બજેટ આ સરકારે આપ્યુ હોવાનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીએ કહ્યું કે, શિક્ષણ, આરોગ્ય, સુરક્ષા, પ્રાકૃતિક ખેતી, ગ્રામીણ વિકાસ, યુવા રોજગાર દરેકે દરેક ક્ષેત્રે વર્લ્ડકલાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધા ગુજરાતમાં આપણે આવનારા વર્ષોમાં ઊભી કરવાના છીએ. ઇઝ ઓફ લીવીંગ હોય કે ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ ગુજરાતે ડબલ એન્જીન સરકારના બેવડા લાભ સાથે વિકાસની ગતિ ઓર તેજ બનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.

આત્મનિર્ભર ગુજરાત સ્કીમ અન્વયે ૮૦ હજાર કરોડ રૂપિયાના એમ.ઓ.યુ આ સરકારે પ્રથમ ૧૦૦ દિવસના શાસન સમયકાળમાં જ કરવાની આગવી સિદ્ધિ હાંસલ કરી હોવાનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન એ ગ્રીન ગ્રોથ માટે જે પ્રતિબદ્ધતા દર્શાવી છે તેમાં પણ ગુજરાતના કચ્છમાં ૪૦ હજાર કરોડના ગ્રીન એમોનિયા પ્રોજેક્ટથી અગ્રેસર રહેવા ગુજરાત સજ્જ છે. ઉદ્યોગ-વેપાર સાથે ટુરિઝમ સેક્ટર પણ ગુજરાત માટે વિશેષ મહત્વ ધરાવે છે. 

આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટિ, સફેદ રણ, વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરા, ગીર ફોરેસ્ટ, સોમનાથ-દ્વારકા અને શિવરાજપૂર જેવા આઇકોનિક ટુરિસ્ટ પ્લેસ વિકસાવવા ૮ હજાર કરોડ રૂપિયાની પ્રવાસન વિકાસ સુવિધા આવનારા પાંચ વર્ષમાં ઊભી કરવાના છીએ. ગુજરાત વિકાસના દરેક ક્ષેત્રોમાં અવ્વલ રહે, પ્રથમ ક્રમે રહે તે માટે સંકલ્પબદ્ધ થવા અનુરોધ કરી મુખ્યમંત્રીએ કહ્યું કે, નરેન્દ્ર મોદીએ ગુજરાતના વિકાસનો મજબૂત પાયો નાંખ્યો અને વિકાસની બૂલંદ ઇમારત થકી ગુજરાત વિશ્વભરમાં ખ્યાતિ પામ્યું છે. તેમણે અમૃતકાળમાં આત્મનિર્ભર અને વિકસીત ભારતના નિર્માણનો નિર્ધાર કર્યો છે. 

આજના ગુજરાત ગૌરવ દિવસે આપણે સૌ આત્મનિર્ભર ભારત માટે આત્મનિર્ભર ગુજરાતનો અને ગુજરાતના વિકાસ માટે સમર્પિત થવા સાથે મળીને સંકલ્પબદ્ધ થઈએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news