'દાદા' બગડ્યાં! 'લેટ ચાલશે પણ વેઠ નહીં', કમિશ્નરો, મેયરો અને ધારાસભ્યો બધાનો વારો પડ્યો!

ગુજરાતના અધિકારીઓને એમ કે ભગવાનના માણસને ભોળવી દઈશું, પણ દાદા બગડ્યા અને અધિકારીઓ-પદાધિકારીઓ બધાનો નંબર આવી ગયો. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કમિશ્નરો, મેયરો અને ધારાસભ્યોને ખખડાવ્યાં. જાણો ક્યાં શું બન્યુ...

'દાદા' બગડ્યાં! 'લેટ ચાલશે પણ વેઠ નહીં', કમિશ્નરો, મેયરો અને ધારાસભ્યો બધાનો વારો પડ્યો!

ઝી બ્યૂરો, અમદાવાદઃ બદલાતા સમયની સાથે રાજનીતિ અને તેના ધારાધોરણો બદલાયા છે. એક સમયે નરેન્દ્ર મોદી ગુજરાતનું સુકાન સંભાળતા હતા ત્યારે અધિકારીઓ સતત તેમનાથી ડરતા અને ક્યાંય કામમાં કોઈ ચુક ન રહે તેની તકેદારી લેતા. મોદી દિલ્લીની ગાદી પર આરુઢ થયા બાદ ગુજરાતમાં અલગ અલગ સુકાનીઓ આવ્યાં. એ જ યાદીમાં હાલ સાવ સીધા અને ભગવાનના ભોળા માણસ તરીકેની છાપ ધરાવતા અને દાદાના હુલામણા નામે જાણીતા ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી ગુજરાતનું સુકાન સંભાળી રહ્યાં છે. એવામાં ગુજરાતના કેટલાંક ચાલક અધિકારીઓને એમ હશે કે દાદા તો ભગવાનના માણસ છે આપણે તેમને ગોળ ગોળ વાતો કરીને ભોળવી દઈશું. પણ આ દાવ ઉંધો પડ્યો અને બાબૂઓ બૂમ પાડતા થઈ ગયાં. કારણકે, દાદા તો બગડ્યાં...આઠેય મહાનગર પાલિકાના મ્યુનિસિપલ કમિશ્નરો, મેયરો અને ધારાસભ્યો બધાનો વારો આવી ગયો...

લેટ ચાલશે પણ વેઠ નહીં ચાલેઃ
ગુજરાતની આઠેય મહાનગર પાલિકાઓ અને 160 વધુ નગરપાલિકાઓમાં વિકાસ કાર્યો માટે ગાંધીનગરના મહાત્ત્મા મંદિરમાં એક કાર્યક્રમમાં અલગ અંદાજમાં જોવા મળ્યાં દાદા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં કહ્યું, કામ બે મહિના મોડું થાય તો ચાલશે, પણ ક્વોલિટીમાં બાંધછોડ નહીં ચાલે. લેટ ચાલશે પણ વેઠ નહીં ચાલે. નાણાકીય વહિવટ મુદ્દે સીએમએ સૌને ટપાર્યા, કહ્યું- 'મગનો રૂપિયો દાળમાં વપરાય નહીં.'

કોના પર બગડ્યાં દાદા?
શહેરોમાં પહેલા રોડ બની અને પછી ગટર બનાવાય તો પછી શું થાય? આવી અવ્યવસ્થા, નાણાના વેડફાટમાં પાલિકા જ નહીં પણ સરકારને પણ સાંભળવુ પડે છે. આથી એક્શન ન લેવા પડે તેવા કામો થાય તે જરૂરી હોવાનું કહેતા મુખ્યમંત્રીએ કહ્યું કે, સરકારનું નાણાંકીય વ્યવસ્થાપન એવુ છે કે, વિકાસ કાર્યોમાં નાણાની કમી રહેતી નથી. એથી વિકાસ કામોમાં બે મહિના મોડા થાશે તો ચાલશે પણ તેની ગુણવત્તા- ક્વોલિટીમાં બાંધછોડને ચલાવી નહી લેવાય. દાદાએ આ રીતે હળવી શૈલીમાં લવિંગ કેરી લાકડીયે અધિકારીઓ અને પદાધિકારીઓને માર્યા જો...

CM એ કમિશનર, મેયર અને MLAને કહ્યું- કબ્જો જમાવા એ ન ચાલે:
અમદાવાદ, સુરત, રાજકોટ સહિત આઠેય મ્યુનિસિપલ કોર્પોરેશન, ૧૯૦થી વધારે નગરપાલિકાઓમાં વિકાસકાર્યો માટે મંગળવારે મહાત્મા મંદિરમાં રૂ.૨.૦૮૪ કરોડના ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. મ્યુનિસપલ કમિશનર, મેયર સહિતના અધિકારી- પદાધિકારીઓને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એકદમ હળવા અંદાજમાં બરોબરના ટપાર્યા હતા. ગુજરાતી કહેવત 'એક રૂપિયો મગનો રાખ્યો હોય તો તેની દાળ પણ નહી લેવાની'ને ટાંકતા તેમણે શહેરી સ્વરાજ્યની સંસ્થાઓના નાણાકીય વહિવટમાં અર્થાત વ્યવસ્થાપનમાં પારદર્શક રહેવા, વિકાસકાર્યોમાં ગુણવત્તાની સાથે કોઈ સમાધાન કે બાંધછોડ ન કરવા સ્પષ્ટપણે તાકીદ કરી

“પૈસાનો સવાલ નથી રહ્યો હવે, પૈસા કેવી રીતે વાપરો છો તેનો સવાલ છે”:
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હળવી શૈલીમાં અધિકારી, પદાધિકારીઓને ગર્ભીત ચિમકી આપતા હોય તેમ ઈશારો પણ કર્યો હતો. IAS, GAS અને શહેરી સેવાની ચીફ ઓફિસર કેડર તેમજ નગરસેવકો અને તે પૈકીના પદાધિકારીઓને મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે કહ્યું કે, “પૈસાનો સવાલ નથી રહ્યો હવે, પૈસા કેવી રીતે વાપરો છો તેનો સવાલ છે” તેમણે શહેરોમાં સ્વચ્છતાનો મુદો આગળ કરતા સંબોધનમાં જણાવ્યુ હતુ કે ‘‘કોને સ્વચ્છતામાં તકલીફ પડે છે અને શું તકલીફ પડે છે? ખુલ્લા મને કહો, નહીં કહો તો ઉપાધી થશે. સ્વચ્છતા તમારે કોઈ પણ હિસાબે કરવી જ રહી” તેમણે જનપતિનિધી એ તો કહેવાની હિંમત રાખવી જ પડશે કહીને શહેરોમાં સ્વચ્છતાથી લઈને નાગરિક સુખાકારી કાર્યોમાં ધ્યાન રાખવા ટકોર કરી હતી.

કમિશ્નરો, મેયરો અને ધારાસભ્યોને કહ્યું- કબ્જો જમાવો એ ન ચાલે:
આઠેય મ્યુનિસિપલ કમિશનર એક જ હરોળમાં બેઠા હોવાથી CM ભૂપેન્દ્ર પટેલે મંચ પરથી પોતાના સંબોધનમાં કહ્યુંકે,  “ કમિશનર એક થઈ ગયા છે" કહેતા મહાત્મા મંદિરમાં હાસ્યની છોળો ઉછળી હતી. ધારાસભ્યો નગરપાલિકા કે કોર્પોરેશન ઉપર કંટ્રોલ કરે તે ન ચાલે, ધારાસભ્ય થઈ ગયા એટલે કબ્જો જમાવે તે ન ચાલે. ધારાસભ્ય થઈને મહાનગર પાલિકા, નગરપાલિકા, કે ગ્રામ પંચાયત પર હક્ક જમાવવામાં આવે તે ખોટું છે, એવું નહીં ચાલે. મુખ્યમંત્રીએ મેયરને પણ આડેહાથ લેતા કહ્યુંકે, "મેયર થાવ એટલે પછી પોતાના જ વોર્ડમાં કામ કરાવવું અને બીજે ચલાવ્યે રાખવું'' કહીને શહેરોમાં દરેક વોર્ડના સરખા કામ થવા જોઈએ તેવી ટકોર કરી હતી. સંબોધનને અંતે તેમણે 'આ બધુ હસતા હસતા કહ્યું છે પણ તમને સૌને જ કહ્યું છે” એમ કહીને સૌને નાગરિકોની આશા અપેક્ષાને પૂર્ણ કરવા સુચવ્યું હતું.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news