વાવાઝોડાએ સતત 28 કલાક સુધી ગુજરાતના અલગ-અલગ વિસ્તારોને ધમરોળ્યા: CM રૂપાણી

 મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત પર આવેલા તૌકતે વાવાઝોડાની આપદાના બીજા જ દિવસે ગુજરાતના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે આવીને અને થયેલી તારાજીનું હવાઇ નિરીક્ષણ કરીને ગુજરાત પ્રત્યેની પોતાની ચિંતા, લાગણી અને પ્રેમ દર્શાવ્યા છે. તે માટે સમગ્ર ગુજરાતની જનતાજનાર્દન વતી નરેન્દ્ર મોદીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.

Updated By: May 19, 2021, 09:33 PM IST
વાવાઝોડાએ સતત 28 કલાક સુધી ગુજરાતના અલગ-અલગ વિસ્તારોને ધમરોળ્યા: CM રૂપાણી

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત પર આવેલા તૌકતે વાવાઝોડાની આપદાના બીજા જ દિવસે ગુજરાતના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે આવીને અને થયેલી તારાજીનું હવાઇ નિરીક્ષણ કરીને ગુજરાત પ્રત્યેની પોતાની ચિંતા, લાગણી અને પ્રેમ દર્શાવ્યા છે. તે માટે સમગ્ર ગુજરાતની જનતાજનાર્દન વતી નરેન્દ્ર મોદીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.

વડાપ્રધાનએ તૌકતે વાવાઝોડાથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યા બાદ અમદાવાદ આવીને રાજ્યના વરિષ્ઠ સચિવો સાથે ઉચ્ચસ્તરીય બેઠકમાં સમગ્ર પરિસ્થિતિની ઉંડાણપૂર્વક સમીક્ષા કરી, સ્થિતિનું આકલન કર્યુ સાથોસાથ કોરોના- કોવિડ સંક્રમણ નિયંત્રણ માટેના રાજ્ય સરકારના પગલાઓ અને ઉપાયોથી પણ અવગત થયા અને સંતોષ વ્યક્ત કર્યો તે માટે પણ તેમણે આભારની લાગણી દર્શાવી છે.

આ પણ વાંચો:- વાવાઝોડાથી પ્રભાવિત આ વિસ્તારોનું મુખ્યમંત્રી આવતીકાલે કરશે હવાઈ નિરીક્ષણ

મુખ્યમંત્રીએ ઉમેર્યું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પર જ્યારે જ્યારે કોઇ વિપદા કે આફત આવી ત્યારે મદદ અને સહાય માટે હંમેશા ત્વરિત પ્રતિસાદ આપીને મદદરૂપ થયા છે. તૌકતે વાવાઝોડાથી થયેલા નુકસાનમાં પણ તત્કાલ 1000 કરોડ રૂપિયાની સહાય અને વાવાઝોડાથી મૃત્યુ પામેલા લોકોને રૂ. 2 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50000 ની સહાય જાહેર કરીને તેમણે ગુજરાત પ્રત્યેની પોતાની હમદર્દી, લાગણી અને આપ્તજનભાવ દર્શાવ્યા છે તેમ વિજય રૂપાણીએ પ્રધાનમંત્રી પ્રત્યે કૃતક્ષતા વ્યક્ત કરતા જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ આ તૌકતે વાવાઝોડાની વિપદામાંથી રાજ્ય સરકારના વણથક પરિણામકારી પગલાઓ અને જનતાજનાર્દનની જાગરૂકતાને પરિણામે આપણે આ વાવાઝોડાની આફતમાંથી સાંગોપાંગ પાર ઉતર્યા છીએ અને કોઇ મોટી નુકસાની કે જાનહાની થઇ નથી તેની વિસ્તૃત વિગતો રાજ્યના પ્રજાજનોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકના માધ્યમથી સંબોધન કરતાં આપી હતી.

મુખ્યમંત્રીએ સ્પષ્ટ પણે જણાવ્યું કે, ગુજરાત પર આવેલું આ વખતનું આ તૌકતે વાવાઝોડુ વિશિષ્ટ પ્રકારનું હતુ એટલું જ નહીં ભયાવહ અને વિનાશકારી પણ હતું. એટલું જ નહી, સોમવારે 17 મેના રાત્રે 8.30 કલાકે જ્યારે ઉનાના દરિયાકાંઠેથી એ ગુજરાતમાં પ્રવેશ્યુ ત્યારે 175 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો શરૂ થયો હતો. ત્યારબાદ સતત 28 કલાક સુધી ગુજરાતના અલગ-અલગ વિસ્તારોને ધમરોળતું અને તીવ્ર પવન તથા વરસાદ સાથે આ વાવાઝોડું ઉના દરિયાકાંઠાથી લઈને ઉત્તરગુજરાતના બનાસકાંઠાની સરહદ સુધીના સમગ્ર વિસ્તારને ચીરીને ગુજરાત પરથી પસાર થયું.

આ પણ વાંચો:- Corona Vaccination: આવતીકાલથી અમદાવાદમાં વેક્સીનેશન શરૂ, જાણો ક્યાં મળશે રસી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ તીવ્ર વાવાઝોડા સામે ગુજરાતમાં નુકસાની અને જાનહાની બહુ મોટા પાયે થયા નથી તે માટે ગુજરાત ઉપરની સોમનાથ દાદાની કૃપા, દ્વારકાધીશના આશીષ અને મા જગદંબાની અમી દ્રષ્ટિને કારણે તેમજ રાજ્ય સરકારના આગોતરા આયોજન, અગમચેતી અને આયોજનબદ્ધ સમયસરના પગલાઓને કારણે આપણે આ કુદરતી આફતમાંથી પાર ઉતર્યા છીએ તેમ પણ ઉમેર્યું હતું.

વિજય રૂપાણીએ એમ પણ કહ્યું કે, આ તૌકતે વાવાઝોડાનો આપણે મક્કમતાથી મુકાબલો કર્યો છે. આ માટે રાજ્ય સરકારના તમામ વિભાગો, જિલ્લા વહીવટીતંત્રો અને વરિષ્ઠ અધિકારીઓ તથા મંત્રીઓનો અથાગ પરિશ્રમ અને આગવી સૂજ પણ પૂરક નીવડ્યા છે તે માટે પણ ટીમ ગુજરાત અભિનંદનને પાત્ર છે.

મુખ્યમંત્રીએ ગુજરાત કદી ન “ઝુક્યુ છે કે ન રોકાયુ છે” વિકાસના માર્ગે પૂર્વવત આગળ વધવાનો આપણો સંકલ્પની આગવી ખુમારી ધરાવે છે તેનું સ્મરણ કરતાં કહ્યું કે આ વખતે પણ વાવાઝોડું પસાર થયાના ગણતરી કલાકોમાં જ વીજળી, પાણી, રોડ-રસ્તા વગેરેની પરિસ્થિતિ પૂર્વવત કરવા રાજ્ય સરકારનું તંત્ર સતત પરિશ્રમરત થયું છે અને સમગ્ર પરિસ્થિતિને થાળે પાડવાના આયોજનબદ્ધ પ્રયાસો શરૂ થયા છે.

આ પણ વાંચો:- 96 ટકા સંક્રમિત ફેફસા છતા ગોધરાના 52 વર્ષીય રક્ષાબહેને કોરોનાને હરાવ્યો, ડર કે આગે જીત હૈ...

વિજય રૂપાણીએ રાજ્યમાં હાથ ધરાયેલી રિસ્ટોરેશન કામગીરીની વધુ વિગતો આપતાં જણાવ્યું કે, તૌકતે વાવાઝોડાના કારણે રાજ્યમાં 1200 જેટલા રસ્તાઓ બંધ થયા હતા તે પૈકી 1100 જેટલા રસ્તાઓ પૂર્વવત કરવામાં આવ્યા છે આ માટે માર્ગ અને મકાન વિભાગની 633 ટીમમાં 964 ઇજનેરો સહિત 3500 થી વધુ શ્રમિકો 3528 જેટલી મશીનરી અને સાધનો સાથે કાર્યરત થયા છે. બાકીના રસ્તા આવતી કાલ સાંજ સુધીમાં ચાલુ થઇ જશે એવો વિશ્વાસ પણ તેમને વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીએ વીજપુરવઠાની સ્થિતિની વિગતોમાં આપતાં જણાવ્યું કે, વાવાઝોડાના કારણે 66 કેવીના 219 સબસ્ટેશન અસરગ્રસ્ત પામ્યા હતા તે પૈકી 152 સબસ્ટેશન પુન:ચાલુ કરાયા છે આ માટે 15000 થી વધારે વીજકર્મીઓ સતત રીસ્ટોરેશન કામગીરીમાં જોડાયા છે. જે સબસ્ટેશનો હજુ અસરગ્રસ્ત છે તે ચાલુ કરવાની કામગીરી પણ પ્રગતિમાં છે એમ તેમણે કહ્યું હતું.

તૌકતે વાવાઝોડાની આ સ્થિતિમાં રાજ્યની 295 જેટલી કોવિડ હોસ્પિટલોમાં વીજપુરવઠો બંધ કરાયો હતો અને જનરેટર સેટથી વિજળી આપવામાં આવતી હતી હવે 295 પૈકી 269 કોવિડ હોસ્પિટલમાં વિજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવ્યો છે. 29 કોવિડ હોસ્પિટલ જે હાલ જનરેટર સેટ ઉપર ચાલે છે ત્યાં આવતીકાલ ગુરૂવાર સાંજ સુધીમાં વિજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવશે એમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.

આ પણ વાંચો:- કોરોના સામે ગુજરાતમાં વધ્યો રિકવરી રેટ; નવા કેસમાં ઘટાડો, અમદાવાદમાં આજે સૌથી વધુ મોત

વિજય રૂપાણીએ જણાવ્યું કે, આ તૌકતે વાવાઝોડાના કારણે રાજ્યના આશરે 2100 જેટલા ક્રીટીકલ મોબાઇલ ટાવર ક્ષતિગ્રસ્ત થયા હતા તે પૈકી 1500 જેટલા મોબાઇલ ટાવર ચાલુ કરી દેવામાં આવ્યા છે. જ્યારે બાકીના ટાવર ચાલુ કરવાની કામગીરી પણ યુધ્ધના ધોરણે હાથ ધરી છે. રાજ્યમાં આ વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં પીવાના પાણીના 80 હેડવર્ક પ્રભાવિત થયા હતા તે પૈકી 47 હેડવર્ક ચાલુ કરી દેવાયા છે અને બાકીના આવતીકાલ ગુરૂવાર સાંજ સુધીમાં ચાલુ કરી દેવામાં આવશે તેની વિગતો પણ આપી હતી.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આજે રાજ્ય સરકારે કોર કમિટિમાં એવો નિર્ણય પણ કર્યો છે કે આવતીકાલ ગુરૂવારથી જ તૌકતે વાવાઝોડાના કારણે સ્થળાંતર થયેલા વ્યક્તિઓને કેશડોલ આપવાનું પણ શરૂ કરવામા આવશે. આ કેશડોલ અન્વયે પુખ્ત વયની વ્યક્તિઓને પ્રતિદિન રૂ. 100 અને બાળકોને એક દિવસના રૂ. 60 લેખે કેશડોલ આપવામાં આવશે. 

આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, જે લોકોનું સ્થળાંતર તા. 16 કે 17 મેં ના દિવસે કરવામાં આવ્યુ હશે તેઓને 7 દિવસની કેશડોલ ચુકવાશે જ્યારે જેમનું સ્થળાંતર 18 મી એ કર્યુ હશે તેમને 3 દિવસની કેશડોલ રાજ્ય સરકાર દ્વારા ચુકવવામાં આવશે. મુખ્યમંત્રી કોરોના વેક્સિનેશન અંગેની વિગતો આપતાં ઉમેર્યું કે, તૌકતે વાવાઝોડાની પરિસ્થિતિમાં સ્થગિત કરાયેલી વેક્સિનેશન કામગીરી આવતીકાલથી પુન:શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચો:- PM મોદીની જાહેરાત બાદ CM રૂપાણીએ કરી આ જાહેરાત, જાણો કોને કેટલી મળશે સહાય

રાજ્યના 10 શહેરો કે જ્યાં 18 થી 44 વય જુથના લોકોને વેક્સિનેશન રસી આપવામાં આવી છે તેઓને આવતીકાલથી લગભગ 50 હજાર ડોઝ વેક્સિનના આપવામાં આવશે તેમજ રાજ્યમાં 45 થી વધુ વયના લોકોને વેક્સિનેશનનો પ્રથમ ડોઝ પણ આવતીકાલથી આપવાનો શરૂ કરવામાં આવશે.

મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, 45 વર્ષથી વધુ વયના લોકોને વેક્સિનેશનનો બીજો ડોઝ ભારત સરકારની ગાઇડ લાઇન મુજબ પહેલા ડોઝના 84 દિવસ પુર્ણ થયેથી આપવામાં આવશે તેથી આવતીકાલ ગુરૂવારથી વેક્સિનેશનની કામગીરીમાં 45 થી વધુ વયના જેમને પહેલો ડોઝ બાકી હશે તેમને જ વેક્સિનેશન આપવામાં આવશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એવો વિશ્વાસ દર્શાવ્યો કે, ગુજરાત હંમેશા કોઇપણ આપત્તિનો મક્કમતાથી મુકાબલો કરીને સતત અડીખમ રહ્યું છે. વિકાસની રાહે સતત આગળ વધતાં રહેવાનું ગુજરાતનું ખમીર અને ઝમીર હતું છે અને રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube