DDLJ માં ફેમસ થયેલા કોપર બેલ બનવવામાં કચ્છીઓની છે માસ્ટરી, ચોક્કસ પ્રકારનો અવાજ ન નીકળે ત્યા સુધી ભઠ્ઠીમાં શેકાય છે

copper bells kutch : કચ્છીઓના કોપર બેલનો રણકાર વિદેશમાં સંભળાય છે, કચ્છની મુસ્લિમ લુહાર કોમ્યુનિટીના કલાકારોએ આજે પણ મેટલના બેલ બનાવવાની 300 વર્ષ જુની પરંપરાને જાળવી રાખી છે

DDLJ માં ફેમસ થયેલા કોપર બેલ બનવવામાં કચ્છીઓની છે માસ્ટરી, ચોક્કસ પ્રકારનો અવાજ ન નીકળે ત્યા સુધી ભઠ્ઠીમાં શેકાય છે

રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :ગુજરાતનો કચ્છ જિલ્લો અનેક પ્રકારની કલા કારીગરી માટે પ્રખ્યાત છે. ત્યારે કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાનું નિરોણા ગામ એક માત્ર એવું ગામ છે જ્યાં કોપરના બેલ બનાવવામાં આવે છે. અહીંના કારીગર દ્વારા બનાવવામાં આવેલ કોપર બેલનુ આર્ટવર્ક વડાપ્રધાન મોદીએ પણ 25 હજારમાં ખરીધું છે. કચ્છનું નીરોણાં પંચતીર્થી તરીકે ઓળખાય છે અહીં 5 કળા કારીગરી પ્રખ્યાત છે, જેમાંથી કોપર બેલ છેક અમેરિકા સુધી રણકી છે. 

કોપર બેલનું આર્ટ વર્ક 300 વર્ષ જૂનું છે. કચ્છની મુસ્લિમ લુહાર કોમ્યુનિટીના કલાકારોએ આજે પણ મેટલના બેલ બનાવવાની જુની પરંપરાને જાળવી રાખી છે. આ કોમ્યુનિટીનું મૂળ સિંધ પ્રદેશ છે. આ કોમ્યુનિટીના ભાઇઓ મેટલને રીસાઇકલ કરીને તેમાંથી બેલ બનાવે છે. કોપર બેલ આમ તો લોખંડમાંથી બનાવવામાં આવે છે. જેમાં પિત્તળ અને તાંબાનું કોટિંગ પણ કરવામાં આવે છે. કુલ 14 પ્રકારના કોપર બનાવવામાં આવે છે. હાલ યુવાનોમાં આ બેલ ખૂબ જ લોકપ્રિય છે.

અગાઉ પશુઓના ધણ માટે આ પ્રકારના બેલનો ઉપયોગ થતો હતો. ગાય, ભેંસ, ઊંટ જેવા પશુઓના ગળામાં આ બેલ બાંધવામાં આવતો હતો. પશુઓના ધણમાં સૌથી આગળ જે પશુ ચાલે તેના ગળામાં આ બેલ બાંધવામાં આવતો હતો. જ્યારે આજે હવે આ બેલના અવાજમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. ઉપરાંત હવે હોમ ડેકોરેશન માટે પણ બેલ બનવવામાં આવી રહ્યું છે.  વોલ હેંગિંગ, ડોર બેલ, મ્યુઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટ, કીચેઇન વગેરે બનાવવામાં આવી રહ્યું છે જેની માંગ પણ વધી રહી છે.

કેવી રીતે બને છે કોપર બેલ
લોખંડના પતરામાંથી બેલ તૈયાર કર્યા પછી બહેનો તેના ૫૨ તાંબા-પીતળનો ગ્લેજ ચડાવે છે, એટલે બેલનો કલ૨ સોનેરી બની જાય છે. નિરોણા ગુજરાતનું આ એક માત્ર એવું ગામ છે જ્યાં બેલ બનાવવામાં આવે છે. બેલ બનાવ્યા પછી તેને ચુના કે ઇંટના ભઠ્ઠામાં પકાવવામાં આવે છે. જ્યાં સુધી ચોક્કસ પ્રકારનો અવાજ ના નીકળે ત્યાં સુધી બેલને ભઠ્ઠામાં રાખવામાં આવે છે અને દરેક બેલનો રણકાર કેવો નીકળશે તે કારીગરની ત્રણ પ્રકારની સ્કીલ પર આધાર રાખે છે. એક બેલની બોડીની સાઈઝ અને આકાર, બીજા બેલની સાઈઝ અને આકાર પ્રમાણે બેલની વચ્ચે લાકડાની સાંકડી પટ્ટી લટકાવવાની સ્કીલ અને ત્રીજું બેલના નીચેના વર્તુળના ભાગનો કિનારો. આ ત્રણ સ્કીલના આધારે બેલનો ટોન નક્કી થાય છે. 

આ કોપર બેલ છેક અમેરિકા સુધી એક્સપોર્ટ પણ થાય છે. આ અંગે નિરોણા ગામના બેલ બનાવતા કારીગર અલીભાઈ લુહાર કહે છે કે, આજે દસ જેટલા મુસ્લિમ લુહાર જાતિના કારીગરો આ વ્યવસાય સાથે સંકળાયેલા છે. પરંતુ મોટી સાઈઝના બેલ બનાવનારા કારીગરો હવે રહ્યા નથી. નિરોણા ગામના કારીગરો 0 થી 13 નંબરની સાઈઝ સુધીના બેલ બનાવે છે. જેની કિંમત 50 રૂપિયાથી લઇને 10,000 રૂપિયા સુધીની હોય છે. એક કારીગર દિવસમાં એક નંબરની સાઈઝના 15 બેલ બનાવી શકે છે. ગુજરાતનું માત્ર આ એક જ એવું ગામ છે જ્યાં પરંપરાગત રીતે બેલ બનાવવામાં આવે છે. ફેબ્રુઆરી 2020 માં દિલ્હી ખાતે યોજાયેલા હુન્નર હાટમાં કચ્છના 3 સ્ટોલ હતા, જેમાં કોપર બેલના સ્ટોલની દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ત્યાં મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાને કોપરની બેલ પણ વગાડી હતી અને તેમણે કોપર બેલમાંથી બનાવેલ મ્યુઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટ એટલું પસંદ આવી ગયું હતું કે તેઓએ 25000 રૂપિયા રોકડ ખર્ચીને તેની ખરીદી પણ કરી હતી.

આ અંગે વધુ માહિતી આપતા સિદિક લુહારે Zee 24 કલાક સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, દિલ્હીના ઇન્ડિયા ગેટ પાસે હુન્નર હાટ નામનું એક્ઝિબિશન યોજવામાં આવ્યું હતું. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ અહીં રાખવામાં આવેલા તમામ સ્ટોલની મુલાકાત લીધી હતી અને એક સ્ટોલમાં કોપરના ઘંટ વગાડી સંગીતનો લહાવો લીધો હતો. આ સ્ટોલ નિરોણા ગામના કારીગરનો હતો. અહીં કચ્છ જિલ્લાની ત્રણ કળાઓ કોપર બેલ, બ્લોક પ્રિન્ટીંગ અને મડવર્કના સ્ટોલ રાખવામાં આવ્યા હતા. 

વધુમાં સિદ્દીક ભાઈએ જણાવ્યું હતું કે, તેઓએ ક્યારેય કલ્પના પણ કરી ન હતી કે દેશના વડાપ્રધાન તેમના સ્ટોલની મુલાકાત લેશે અને તેમના દ્વારા બનાવવામાં આવેલ કોપર બેલ વગાડશે. આ કોપર બેલની કળાથી પ્રધાનમંત્રી એટલા પ્રભાવિત થયા હતા કે તેઓએ 25000ની કિંમતના બેલની ખરીદી પણ કરી હતી. સાથે સાથે આ કળા બદલ અમને અભિનંદન પણ
પાઠવ્યા હતા.

વંશપરંપરાગત આ ધંધો સાચવી રાખવામાં નિરાણા ગામનો લોકોનો મહત્વનો ફાળો છે. સ્થાનિક લોકો કહે છે કે, વર્ષોથી આ કારીગરી અમે કરતા આવ્યા છીએ. કોરોના કાળ સિવાય સારી એવી માંગ રહી છે. આમ કચ્છ એક નમૂનારૂપ કારીગરીના કારણે પણ સારી એવી નામના મેળવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news