રાજકોટના 5 વેપારીઓ સાથે 19 કરોડની છેતરપિંડી, ઈમ્પોર્ટ-એકસપોર્ટનું કામ કરતા દંપતીએ કર્યું ફ્રોડ
પોલીસના કહેવા મુજબ આરોપી દંપતીએ વધુ વળતરની લાલચ આપી ખાંડ અને ચોખાનો જથ્થો વિદેશમાં મોકલી આશરે 19 કરોડની છેતરપીંડી કરી હતી. તેમજ માલના ઓર્ડરના રૂપિયા એડવાન્સમાં લઈ માલ નક્કી કરેલા સ્થળે નહીં પહોંચાડી ખોટી રિસીપ્ટ બનાવી હોવાનું સામે આવ્યું છે.
Trending Photos
ગૌરવ દવે/રાજકોટ: રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ઈમ્પોર્ટ એકસપોર્ટનું કામ કરતાં 5 વેપારી સાથે છેતરપિંડી આચરનાર આરોપીની ધરપકડ કરી છે. પોલીસના કહેવા મુજબ આરોપી દંપતીએ વધુ વળતરની લાલચ આપી ખાંડ અને ચોખાનો જથ્થો વિદેશમાં મોકલી આશરે 19 કરોડની છેતરપીંડી કરી હતી. તેમજ માલના ઓર્ડરના રૂપિયા એડવાન્સમાં લઈ માલ નક્કી કરેલા સ્થળે નહીં પહોંચાડી ખોટી રિસીપ્ટ બનાવી હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે ત્રણ વેપારીઓએ ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી છે. જેને લઈને પોલીસ દ્વારા આરોપી દંપતી પૈકી પતિને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
રેસકોર્ષ નજીક રહેતા અને 150 ફુટ રીંગ રોડ પર ઓફિસ ધરાવતાં રિકી મુકેશભાઈ પાબારી અને મોહસીન અલી અને રવિ બદીયાણીએ ક્રાઈમ બ્રાંચમાં કરેલી ફરિયાદમાં રાજકોટનાં આલાપ હેરીટેજમાં રહેતા જતીન હરેશભાઈ અઢીયા અને તેની પત્ની ફોરમ અઢીયા તથા તપાસમાં ખુલે તમામનું નામ આપાયું છે. એકસપોર્ટ ઈમ્પોર્ટનું કામ કરતાં રીકી તેમજ મોહસીન અલી અને રવિ બદીયાણી પાસે દંપતિએ વિદેશમાં મોકલવા માટેનો ઓર્ડર આપ્યો હતો. જેમાં રિકી પાબારી પાસે 765 ટન ચોખા જેની કિંમત રૂા.2.66 કરોડ અને 530 ટન ખાંડ કિંમત રૂા.79.18 લાખ છે. તે મળી કુલ 3.59 કરોડનો જથ્થો મંગાવી માલનો ઓર્ડર લઈ ઓર્ડરના રૂપિયા એડવાન્સ લીધા બાદ માલને નિયત સ્થળે પહોંચ્યો ન હતો તેમજ માલનું પેમેન્ટ કરેલ હોવાની ખોટી રિસીપ્ટ પણ બનાવી હતી. રિકી સાથે મોહસીન અલી અને રવિ બદીયાણીને પણ આ દંપતિએ છેતર્યુ હતું.
આ અંગે રિકી તેમજ રાજકોટનાં વેપારીઓએ તપાસ કરતાં જતીન અને ફોરમે મળી રાજકોટ અને ગુજરાત તેમજ અન્ય રાજ્યના કુલ 5 વેપારીઓ સાથે આશરે 19 કરોડ રૂપિયાની ભારતીય ચલણ તેમજ વિદેશી ડોલર અને પાઉન્ડમાં છેતરપીંડી કરી હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે રાજકોટ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવનો ભોગ બનનાર વેપારીઓએ સંપર્ક કર્યા બાદ ક્રાઈમ બ્રાંચની ટીમે દંપતિ વિરૂધ્ધ ગુનો નોંધી આરોપી જતીન અઢીયાને સકંજામાં લઈ વધુ તપાસ શરૂ કરી છે.
પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસ દરમિયાન દંપતિએ ગુજરાતભરમાં અનેક વેપારીઓ સાથે કરોડો રૂપિયાનું ચીટીંગ કર્યુ હોવાનું બહાર આવવાની શકયતા દર્શાવાઈ રહી છે. પતિ પત્નિની જોડીએ રાજકોટના ઇમ્પોર્ટ એક્સપર્ટના વેપારી સાથે ૩.૫૯ કરોડની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ મળી હતી. ઇસ્ટ આફ્રિકામાં ખાંડ અને ચોખા મંગાવીને વેચવાની લાલચ આપી હતી. પોલીસના કહેવા મુજબ, વર્ષ 2018માં ઇમ્પોર્ટ એક્સપર્ટના વેપારી પાસેથી ખાંડ અને ચોખા લઇને રૂપિયા આપ્યા નહિ. વેપારી ઇસ્ટ આફ્રિકા જઇને ઉધરાણી કરતા મારી નાખવાની અને છેડતીમાં ફિટ કરી દેવાની ધમકી આપી હતી.દંપતિ ભારતમાં આવ્યું હોવાની જાણ થતા આખો ભાંડો ફૂટ્યો હતો.
વેપારી સુત્રોના કહેવા મુજબ આ બંટી-બબલીએ અગાઉ પણ અલગ અલગ ધંધાના નામે વેપારીઓ પાસેથી માલ લઈ કરોડો રૂપિયાના ધુંબા માર્યા છે. આ દંપતિ અવારનવાર નામ પણ બદલતું હોવાનું વેપારીઓનું કહેવું છે. જેને પગલે પોલીસે બંનેના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. ત્યારે આગામી સમયમાં મસમોટુ છેતરપીંડીનું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ જોવાઈ રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે