ચોરી કરી આતંક મચાવનાર પિતા-પુત્ર ઝડપાયા! 1000 કારના કાચ તોડ્યા, 200થી વધુને અંજામ, 75નો ભેદ ખૂલ્યો

કારના કાચ તોડી મ્યુઝિક સિસ્ટમ, લેપટોપ સહિત કિંમતી ચીજવસ્તુઓની ચોરીના 200 જેટલા ગુનાને અંજામ આપી ચૂકેલા પિતા -પુત્રની સુરત ક્રાઈમ બ્રાન્ચે કરજણથી ધરપકડ કરી 75 જેટલા ગુનાઓના ભેદ ઉકેલી કાઢવામાં આવ્યા છે.

ચોરી કરી આતંક મચાવનાર પિતા-પુત્ર ઝડપાયા! 1000 કારના કાચ તોડ્યા, 200થી વધુને અંજામ, 75નો ભેદ ખૂલ્યો

ઝી બ્યુરો/સુરત: ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોમાં કારના કાચ તોડી મ્યુઝિક સિસ્ટમ, લેપટોપ સહિત કિંમતી ચીજવસ્તુઓની ચોરીના 200 જેટલા ગુનાને અંજામ આપી ચૂકેલા પિતા -પુત્રની સુરત ક્રાઈમ બ્રાન્ચે કરજણથી ધરપકડ કરી 75 જેટલા ગુનાઓના ભેદ ઉકેલી કાઢવામાં આવ્યા છે.

સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી ફોર વ્હીલ કારના કાચ તોડી મ્યુઝિક સિસ્ટમ સહિત કિંમતી ચીજ વસ્તુઓની ચોરી કરતી ગેંગ સક્રિય બની છે. આ પ્રકારના ગુનાઓને ડામવા અને ગુનામાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી પાડવા માટે સુરત પોલીસ કમિશનર દ્વારા ક્રાઈમ બ્રાન્ચને ખાસ સુચના આપવામાં આવી હતી. જે અન્વયે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે આ પ્રકારના ગુના આચારતી ગેંગના બે આરોપીઓ કરજણ ખાતે આવેલી નવજીવન હોટલમાં રોકાયા છે.

આ માહિતીના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા વર્કઆઉટ કરી કરજણ પોલીસને સાથે રાખી નવજીવન હોટલમાં છાપો મારી બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. મૂળ મહારાષ્ટ્ર નવી મુંબઈના તળોજા ખાતે રહેતા આરોપી જમીન મોહમ્મદ કુરેશી અને સાહિલ જમીલ મોહમ્મદ કુરેશીની ધરપકડ કરી સુરત લઈ આવવામાં આવ્યા હતા. વધુ પૂછપરછમાં બંને આરોપીઓ સંબંધમાં પિતા પુત્ર હોવાની હકીકત સામે આવી હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીઓની અંગઝડતી લેતા હોન્ડા સિટી કાર,રિવોલ્વર, જીવતા કાર્તિઝ, હોન્ડા સિટી કાર, 16 નંગ મ્યુઝિક સિસ્ટમ, બે મોબાઈલ,લેપટોપ સહિત 5.51 લાખની મત્તાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. 

સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીઓની ધરપકડ કરી ઊંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરતા બંને પિતા-પુત્ર દ્વારા સુરત સહિત ગુજરાતના અલગ અલગ શહેરોમાં ફરી પાર્ક કરેલી કારના કાચ તોડી મ્યુઝિક સિસ્ટમ સહિત જરૂરી કિંમતી ચીજવસ્તુઓની ચોરી કરવામાં આવતી હતી. આરોપીઓ ચોરીની ઘટનાને અંજામ આપવા માટે મુંબઈ સ્થિત પોતાના નિવાસસ્થાનથી હોન્ડા સિટી કારમાં નીકળતા હતા. ત્યારબાદ સુરત સહિત રાજ્યના અલગ અલગ શહેરોમાં રેકી કરી પોતાના ગુનાને અંજામ આપતા હતા. ખાસ ચોરી કરવા માટે બંને પિતા પુત્ર દ્વારા સ્ક્રુ ડ્રાઇવર વડે કારનો કાચ તોડી ત્યારબાદ મ્યુઝિક સિસ્ટમ સહિતની ચોરી કરતા હતા. 

બંને પિતા પુત્ર ફોર વ્હીલ કાર લઈ ગુજરાત તેમજ અન્ય મહારાષ્ટ્રના મુંબઈ, પુણે ,નાસિક કર્ણાટક અને બેંગલોર વગેરે રાજ્યોમાં ચોરીના ગુનાને અંજામ આપી ચૂક્યા છે. ત્યારબાદ ચોરી નો મુદ્દા માલ મુંબઈના ચોર બજારમાં સસ્તા ભાવે વેચી દેતા હતા. જે ચોરીના પૈસાથી વૈભવી લાઈફ સ્ટાઈલ જીવતા હતા.આરોપીઓ પાસેથી મળી આવેલી રિવોલ્વર અંગે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જે પૂછપરછ માં જાણવા મળ્યું હતું કે આરોપીઓ દ્વારા રાજકોટ શહેરમાં એક કારના કાચ તોડી તેમાં રહેલી બેગમાંથી રિવોલ્વર અને મ્યુઝિક સિસ્ટમ તેમજ લેપટોપની ચોરી કરી હતી. જે ચોરી કર્યા બાદ બંને આરોપી પિતા પુત્ર અમદાવાદ શહેરમાં ભાગી છુટ્યા હતા. અમદાવાદ શહેરમાંથી પણ ચોરી કર્યા હોવાની કબુલાત પિતા પુત્ર એ કરી હતી. 

વધુમાં આ પિતા પુત્રની ગેંગ દ્વારા માત્ર ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાં પણ ચોરીની ઘટનાઓને અંજામ આપી ચૂકી છે. જેમાં ગુજરાતમાં અલગ અલગ શહેરોમાં અસંખ્ય ગુના આચરવામાં આવ્યા છે. જે આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં 150થી વધુ ગુનાઓમાં બંને પિતા પુત્રની સંડોવણી બહાર આવી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછમાં બંને પિતા પુત્ર દ્વારા હમણાં સુધી 1000 જેટલી કારના કાચ તોડી મ્યુઝિક સિસ્ટમની ડિસ્પ્લેની ચોરી કરવામાં આવી છે. જ્યારે હાલમાં 70થી વધારે ગુનાઓના ભેદ પણ ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછમાં ઉકેલાઈ ગયા છે.

સુરત ક્રાઈમ બ્રાન્ચ ની પૂછપરછ માં શહેરના અઠવા,ઉમરા, અડાજણ,કતારગામ, મહીધરપુરા,પુણા, રાંદેર ,લિંબાયત અને સલાબતપુરા સહિત ખટોદરા પોલીસ મથક હદ વિસ્તારના અંદાજીત 58 જેટલા ગુનાની કબૂલાત આરોપીએ કરી છે. જ્યારે અન્ય 17 ગુના ગુજરાતના અન્ય શહેરોમાં આચર્યા છે. આરોપી પિતા જમીલ મહંમદ કુરેશીની રાજ્યના અલગ અલગ શહેર પોલીસ મથકોમાં નોંધાયે 36 ગુનામાં અગાઉ ધરપકડ થઈ ચૂકી છે. જ્યારે આરોપી પુત્ર સાહિલ જમીલ મોહમ્મદ અન્ય રાજ્યના અલગ અલગ શહેરોમાં નોંધાયેલા 15 જેટલા ગુનામાં ધરપકડ થઈ ચૂકી છે. 

પિતા-પુત્રની જોડીએ હમણાં સુધી 200 થી પણ વધુ ગુનાને અંજામ આપી ચુકી છે. જ્યારે 1000 જેટલી કારના કાંચ તોડી ચોરી કરી હોવાની કબૂલાત પણ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ કરી છે. જ્યાં વધુ ગુના ઉકેલાવાની શક્યતાના પગલે ક્રાઈમ બ્રાન્ચે બંને પિતા-પુત્રની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news