ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા, બાળકીના અપહરણ કેસમાં એક વર્ષ બાદ ઝડપાયો આરોપી

અમદાવાદ શહેરમાં જૂન 2023માં એક બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું. બાળકીના પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. હવે આશરે એક વર્ષ બાદ પોલીસે અપહરણ કરનાર આરોપી અને બાળકી બંનેની શોધખોળ કરી લીધી છે. 

ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા, બાળકીના અપહરણ કેસમાં એક વર્ષ બાદ ઝડપાયો આરોપી

ઉદય રંજન, અમદાવાદઃ અમદાવાદમાં એક વર્ષ પહેલા થયેલી બાળકીના અપહરણનો ભેદ ઉકેલાયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ એક વર્ષ દરમિયાન બાળકી સાથે શું-શું થયું તેની તપાસ કરી રહી છે. બાળકીને 22 વર્ષીય યુવક સાથે પ્રેમ હોવાથી નીકળી ગઈ હોવાનું સામે આવ્યું છે. 

અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં  26 જૂન 2023ના રોજ અપહરણની એક ફરિયાદ નોંધાઇ હતી. આ ફરિયાદ મુજબ દસ વર્ષની બાળકીનું અપહરણ થયું હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ફરિયાદના આધારે પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. પરંતુ બાળકીનો કોઈ પત્તો મળ્યો નહોતો. અપહરણના કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખી આ તપાસ એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટ ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી હતી. આ દરમિયાન અપહરણ થનાર બાળકીના પરિવાર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં હેબિયર્સ પણ દાખલ કરાવી હતી. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 8 થી 9 મહિનાની મહેનત બાદ આખરે અપહરણ કરાયેલ બાળકી તેમજ તેની સાથે રહેલા યુવકને પકડી પાડ્યા હતા. પોલીસે હાલ અંકલેશ્વરથી બાળકીની સાથે રહેલા અંકુર શર્મા નામના યુવકની ધરપકડ કરી છે.

પોલીસે બાળકી અને તેની સાથે રહેલા અંકુર શર્માની પૂછપરછ કરતા સામે આવ્યું કે બાળકી જ્યાં રહેતી હતી તેની સામેની બાર્બર શોપમાં અંકુર કામ કરતો હતો અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જેથી બંને એક વર્ષ પહેલા ઘરેથી ભાગી ગયા હતા. ઘરેથી નીકળ્યા બાદ તેઓ અલગ અલગ જગ્યા ઉપર રહ્યાં હતા અને આખરે અંકલેશ્વર જીઆઇડીસીમાં બંને એક કંપનીમાં નોકરી કરતા હતા. ત્યાં થી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેને પકડી પાડવામાં આવ્યા છે. પોલીસ દ્વારા અપહરણ થયેલી બાળકી ને શોધવા અલગ અલગ ટીમો બનાવી હતી. જે ગુજરાતના તમામ શહેરો અને જિલ્લામાં તપાસ હાથ ધરી હતી. આ ઉપરાંત રાજસ્થાન ના આબુરોડ, ફાલના, જોધપુર તેમજ મહારાષ્ટ્ર ના મુંબઈ, નાગપુર, પુના તેમજ દિલ્હી અને અલગ અલગ રેડ લાઇટ એરિયામાં પણ પોલીસે આ બાળકીની શોધ હાથ ધરી હતી

હાલ તો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બાળકી સાથે રહેતા અંકુર શર્માની ધરપકડ કરવામાં આવી છે અને તેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ખરેખર બંને વચ્ચે પ્રેમ હોવાને કારણે જ બંને ઘરેથી ભાગી ગયા હતા કે અંકુર શર્મા દ્વારા કોઈ અન્ય કારણોસર બાળકીને લઈ જવામાં આવી હતી. એક વર્ષ દરમિયાન અંકુર દ્વારા આ બાળકીને ક્યા ક્યા સ્થળ પર લઈ ગયો હતો તેની પણ પોલીસ પૂછપરછ હાથ ધરી છે. આ ઉપરાંત બાળકીનું મેડિકલ પરીક્ષણ પણ કરાવવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news