દક્ષિણ ગુજરાતની દમણગંગા નદી બની પ્રદૂષિત, કપડાં ધોવા લાયક પણ નથી રહ્યું નદીનું પાણી
મહારાષ્ટ્રમાંથી નીકળતી દમણગંગા નદી વલસાડનાં વાપી તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીના લોકો માટે આશીર્વાદ સમાન હતી. જો કે હવે આ નદી પ્રદૂષણનો પર્યાય બની રહી છે.
Trending Photos
નિલેશ જોશી, વાપીઃ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે ગુજરાતની સૌથી પ્રદૂષિત નદીઓની યાદી જાહેર કરી છે, જેમાં દક્ષિણ ગુજરાતની દમણગંગા નદીનો પણ સમાવેશ થાય છે...નદીમાં કેમિકલયુક્ત પાણીનું પ્રમાણ એટલું વધી ગયું છે કે કેટલાક ગામોના લોકો માટે તો નદીનું પાણી કપડાં ધોવા લાયક પણ નથી રહ્યું...કેવી છે આ નદીની સ્થિતિ, જોઈએ આ અહેવાલમાં..
મહારાષ્ટ્રમાંથી નીકળતી દમણગંગા નદી વલસાડનાં વાપી તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીના લોકો માટે આશીર્વાદ સમાન હતી. જો કે હવે આ નદી પ્રદૂષણનો પર્યાય બની રહી છે. નદીમાં વહેતું જુદા જુદા રંગોનું રંગનું પાણી એ વાતનો પુરાવો છે. નદીમાં પ્રદૂષણ એ હદે ઠલવાઈ રહ્યું છે કે હવે નદીમાં પાણીની જગ્યાએ ગંદકી જ વહી રહી છે..ઝી 24 કલાકે કરેલા રિયાલિટી ચેકમાં સામે આવ્યું કે ઉદ્યોગો દ્વારા ટ્રીટ કર્યા વિનાનું કેમિકલુક્ત પાણી નદીમાં છોડવામાં આવે છે.
દમણ ગંગાના કિનારે વસેલા અનેક ગામો એક સમયે ખેતી માટે જાણીતા હતા. નદીના જળથી જ આસપાસનાં ગામોમાં કેરી, ચીકુ, કઠોળ અને ડાંગરનો મબલક પાક લેતા હતા. ગામનાં લોકો પહેલા નદીના પાણીનો ઉપયોગ પશુઓને પીવડાવવા પણ કરતા હતા. નદીમાં માછીમારી પણ સારી થતી હતી..જો કે હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. હવે તો પાણી કપડાં ધોવા લાયક પણ નથી રહ્યું.
આ વિસ્તારનો ઔદ્યોગિક વિકાસ તો થયો છે, પણ તેનાથી દમણ ગંગા નદી પ્રદૂષિત થઈ ગઈ, હવે સ્થિતિ એ છે કે નદીમાં માછલીઓ તો ઠીક, જીવજંતુઓ પણ જોવા મળતા નથી. નદીનું પ્રદૂષિત પાણી ખેતીમાં વાપરવાલાયક ન રહેતાં ખેડૂતોએ સિંચાઈ માટે બોરવેલનો ઉપયોગ શરૂ કર્યો, જો કે બોરવેલનું પાણી પણ પ્રદૂષિત થઈ ચૂક્યું છે. નદી કાંઠે ગંદકીનો પાર નથી.
દમણ ગંગા નદીના કાંઠે આવેલા વાપીનાં ચંડોળ ગામનાં લોકો નદીના પ્રદૂષિત પાણીને કારણે ભારે મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. નદીના પાણીની દુર્ગંધથી લોકો ભારે પરેશાન છે. ગામના કુવાઓમાં પ્રદૂષિત પાણી નીકળે છે. દૂષિત પાણીને કારણે શ્વાસ અને ચામડીના રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. ચંડોર ગામના લોકોએ નદીમાં પ્રદુષણ અંગે જીપીસીબી, NGT અને કલેક્ટરને પણ ફરિયાદ કરી છે, પણ તેનું કોઈ પરિણામ નથી આવતું. જો કે વાપીનાં ઉદ્યોગકારોનો દાવો છે કે વાપીના ઉદ્યોગો ટ્રીટ કર્યા બાદ જ પાણી નદીમાં છોડે છે..
વાપી પાસે વહેતી દમણ ગંગા પર બનાવેલ વિયરમાં પાણી સ્વચ્છ હોય છે. જો કે વાપીથી આગળ દમણ ગંગા નદી નામધા, ચંડોર અને કચીગામ થઈને દમણના દરિયામાં સમાઈ જાય છે. કચીગામ પાસે પણ દમણ ગંગા નદીનું પાણી કાળું જોવા મળે છે, જેનું કારણ છે ગટરો અને દમણની કેમિકલ કંપનીઓમાંથી છોડવામાં આવતું પ્રદૂષિત પાણી. પર્યાવરણમાં નુકસાનની કિંમત સ્થાનિકો ભોગવી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે