ગોઝારો મંગળવાર : ગુજરાતમાં આજે બે અલગ અલગ અકસ્માતમાં 9 લોકોના મોત, દાહોદમાં એક જ પરિવારના 6 ના મોત

Accident News : દાહોદના ગરબાડા-અલીરાજપુર હાઇવે પર રિક્ષા અને ટ્રકનો ગમખ્વાર અકસ્માત... એક જ પરિવારના 6 લોકોના ઘટનાસ્થળે જ મોત.... ગંભીર રીતે ઈજાગ્રસ્ત એક વ્યક્તિને સારવારમાં ખસેડાયો... 
 

ગોઝારો મંગળવાર : ગુજરાતમાં આજે બે અલગ અલગ અકસ્માતમાં 9 લોકોના મોત, દાહોદમાં એક જ પરિવારના 6 ના મોત

Gujarati News : આજનો દિવસ ગોઝારો સાબિત થયો છે. ગુજરાતમાં મંગળવારે બે અલગ અલગ અકસ્માતોમાં કુલ 9 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. દાહોદના ગરબાડા-અલીરાજપુર હાઇવે પર રિક્ષા અને ટ્રકનો ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. તો સુરેન્દ્રનગરના લખતર તાલુકાના ઝમર ગામના પાટિયા પાસે આઈશર અને કાર વચ્ચે અકસ્માતમાં ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે મોત નીપજ્યા છે. 

દાહોદમાં 6 લોકોના મોત 
દાહોદના ગરબાડાના પાટીયા ઝોલ તળાવ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને રિક્ષા વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે, અકસ્માતમાં રીક્ષામાં સવાર 6 લોકોના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ તમામ લોકો એક જ પરિવારના હતા. આ લોકો રાજકોટથી મજુરીએથી પરત ઘરે આવતા પાટીયાઝોલ ગામે આવી રહ્યા હતા, ત્યારે સવારના સાત વાગ્યાના સુમારે અકસ્માત સર્જાયો હતો. મૃતકોમાં ૧ મહિલા, એક બાળક તેમજ ચાર પુરુષોનો સમાવેશ થાય છે. અકસ્માતમાં રીક્ષા ચાલક પણ ગંભીર રીતે ઘાયલ થતાં તેને પણ સારવાર અર્થે ખસેડાયો છે. તો તમામ મૃતદેહો પીએમ અર્થે ખસેડાયા છે. આ અકસ્માતથી પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી. 

સુરેન્દ્રનગરમાં ત્રણના મોત 
આજે લખતર તાલુકાના ઝમર ગામના પાટિયા પાસે આઈશર અને કાર વચ્ચે અકસ્માતમાં ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. અકસ્માતમાં બે મહિલા અને એક પુરુષ સહિત ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા છે. અન્ય ત્રણ વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, સદાદ ગામનો પરિવાર લખતર તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિકને પૂર્વવત કરવાનાં પ્રયાસો હાથ ધર્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news