અમદાવાદની કે.ડી.હોસ્પિટલ પર રેન્સમવેર એટેક: અગત્યના ડેટાને હેકર્સ એક ઝાટકે કર્યું મોટું નુકસાન

70 હજાર ડોલર બીટકોઈનમાં ટ્રાન્સફર કર્યા બાદ ડેટા પરત આપવાની હેકર્સ દ્વારા જાણ કરતા સમગ્ર રેન્સમવેર એટેકને લઈ પોલીસને ફરિયાદ નોંધાતા બોપલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. 

અમદાવાદની કે.ડી.હોસ્પિટલ પર રેન્સમવેર એટેક: અગત્યના ડેટાને હેકર્સ એક ઝાટકે કર્યું મોટું નુકસાન

ઉદય રંજન/અમદાવાદ: કેડી.હોસ્પિટલમાં રેન્સમવેર એટેક થયો હોવાનું સામે આવ્યું છે. રેન્સમવેર એટેકથી હોસ્પિટલનું સર્વર ડાઉન કરી હેકર્સ ગ્રુપ દ્વારા હોસ્પિટલની ફાઇલોમાં રહેલો ડેટા અને સીસીટીવી સહિતના ડેટા ઇન્સ્ક્રિપ્ટ કરી દેવાયા હતા અને ડોલર સહીત બિટકોઈનની માંગણી કરવામાં આવી હતી. 

સાયબર એટેક કરી કોમ્પ્યુટર સર્વરને નિશાન બનાવી હેકર્સ દ્વારા 70 હજાર ડોલર બિટકોઇનમાં ટ્રાન્સફર કરવાની માંગ કરાઇ હતી. 70 હજાર ડોલર બીટકોઈનમાં ટ્રાન્સફર કર્યા બાદ ડેટા પરત આપવાની હેકર્સ દ્વારા જાણ કરતા સમગ્ર રેન્સમવેર એટેકને લઈ પોલીસને ફરિયાદ નોંધાતા બોપલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. 

કિશોરભાઇ ગોજીયા વૈષ્ણવદેવી સર્કલ પાસે આવેલી કે ડી હોસ્પિટલમાં સીસીટીવી, કોમ્પ્યુટર સીસ્ટમ સર્વર તેમજ આઇટીને લગતુ કામ સંભાળે છે. ત્રણેક દિવસ પહેલા રાત્રે તેઓ ઘરે હતા, ત્યારે હોસ્પિટલના નાઈટ સુપરવાઇઝરનો તેઓને ફોન આવ્યો હતો અને હોસ્પિટલના સોફ્ટવેર યુઝર કામ ન કરતા હોવાનું કહી સર્વર ડાઉન થતા હોવાની વાત કરી હતી. 

બાદમાં તેઓએ સાથી કર્મી હિતેશભાઈ ને જાણ કરતા તેઓ સર્વરનું વી.એમ.વેર કનેક્ટ કરતા હતા. જેમાં બધા જ સોફ્ટવેર બંધ બતાવતા હતા અને આ વી.એમ.વેર સર્વર પણ બંધ બતાવતું હતું. જેથી કિશોરભાઈ તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા ત્યાં જઈને બધા જ સર્વર અને સોફ્ટવેર ચેક કરતા કોઈ અજાણ્યા શખ્સોએ કોઈ હેકર ગ્રુપ દ્વારા હોસ્પિટલના સોફ્ટવેર ઉપર રેન્સમવેર એટેક કર્યો હોવાનું માલુમ પડ્યું હતું.

કિશોરભાઈએ ઇન્ટરનેટથી બધા જ સર્વરનું કનેક્શન બંધ કરી દીધું હતું. બાદમાં તેઓ એ બાકીની વસ્તુઓ કે તેમાં કઈ કઈ સિસ્ટમ ને નુકસાન થયું છે અને કોઈ ડેટા રિકવર થઈ શકે તેમ છે કે કેમ તે બાબતે તપાસ કરી હતી. જેમાં તેઓ ને જાણ થઈ કે એક સર્વર ઉપર હેકર્સની એક્ટિવિટી ફાઈલ ચાલુ હતી અને બધી જ ફાઈલ  ઇન્સ્ક્રિપ્ટ  થયેલી જોવા મળી હતી. હોસ્પિટલના ખૂબ જ અગત્યના ડેટા ને પણ હેકર્સ દ્વારા નુકસાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કિશોરભાઈએ હોસ્પિટલના સી.ઓ.ઓ ડોક્ટર પાર્થ દેસાઈને આ બાબતે જાણ કરતા ગાંધીનગર એનએફએસયુ ખાતે જાણ કરાઇ હતી. 

જેથી ત્યાંથી ટીમ આવી જતા તેઓએ સર્વરની ઈમેજ અને ઇન્સ્ક્રિપ્ટ થયેલા સર્વરની ઇમેજ લેવાનું કામ શરૂ કર્યું હતું. આ દરમિયાન તેઓના કોમ્પ્યુટરમાં એક ફોટો આવેલો હતો જેમાં, અમે તમારી હોસ્પિટલના તમામ ડેટા ઇન્સ્ક્રિપ્ટ કરી નાખ્યા છે જો તમારો ડેટા પાછા જોતા હોય તો અમારા આઈડી પર અમારો સંપર્ક કરવો તેવો મેસેજ હતો. જેથી કિશોરભાઈએ હેકર્સ દ્વારા આપવામાં આવેલ આઇડી ઉપર કોમ્યુનિકેશન કરવાનો પ્રયત્ન કર્યો હતો.

નોંધનીય છે કે આરોપી ઓ નો વળતો મેસેજ આવ્યો હતો કે 70 હજાર ડોલર બીટકોઈન કરન્સીમાં આપો. જેનો કિશોરભાઈએ કોઈ રિપ્લાય આપ્યો નહોતો. ત્યારબાદ સોમવારે રાત્રે ફરીથી હોસ્પિટલના આઇડી ઉપર મેલ આવ્યો હતો કે, અમે માગેલી રકમ ઉપર તમને ડિસ્કાઉન્ટ આપવા તૈયાર છીએ જેનો પણ કિશોરભાઇએ કોઈ જવાબ આપ્યો નહોતો. હોસ્પિટલના તમામ પેશન્ટના ડેટા સાચવીને રાખવાના હોવાથી આખરે કિશોરભાઈ દ્વારા સાયબર સેલ હેલ્પલાઇન 1930 ઉપર ફોન કરતા આ અંગે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી સાયબર સેલ ની મદદ સાથે તપાસ શરૂ કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news