સ્ટાર્ટઅપની વ્યવસ્થામાં વ્યૂહ અને ઈનોવેશન્સ અંગે પેનલીસ્ટોએ કરી ચર્ચા
Trending Photos
અમદાવાદ: "સ્ટાર્ટઅપ્સ એ ઈનોવેશનના કેન્દ્રો છે અનેકોઈપણ અર્થતંત્રમાં રોજગાર નિર્માણ વધારવાની ક્ષમતા ધરાવે છે. વ્યવસ્થા બદલવાની ભૂખ એ સફળતાની ચાવી છે એવા મંતવ્ય ફીક્કી ગુજરાત ઉપક્રમે આજે યોજાયેલી પેનલ ચર્ચામાં પ્રસિધ્ધ પેનલીસ્ટોએ વ્યક્ત કર્યા હતા." ફીક્કી ગુજરાત અને એલજે ગ્રુપ ઓફ ઇન્સ્ટીટયુટના સહયોગથી યોજાયેલી આ પેનલ ચર્ચામાં જે પ્રસિધ્ધ પેનલીસ્ટોએ ચર્ચામાં ભાગ લીધો હતો
તેમાં ફીક્કી- ગુજરાત સ્ટેટ કાઉન્સિલની સ્ટાર્ટઅપ્સ સબ કમિટીના સુનિલ પારેખ ઉપરાંત આઈક્રિએટના સહસ્થાપક અને ચીફ મેન્ટર પરાગ અમીન,સ્કાયક્વેસ્ટ ટેકનોલોજી ગ્રુપના મેનેજીંગ ડિરેક્ટર આકાશ ભાવસાર, બકેરી ગ્રુપના એમડી પવન બકેરી, ટાઈના ભૂતપૂર્વ પ્રમુખ ચિરાગ પટેલ, ઈડીઆઈઆઈના એસોસિએટ સિનિયર ફેકલ્ટી ડો. સત્યા આચાર્યનો સમાવેશ થતો હતો.
પરાગ અમીને જણાવ્યું હતું કે "ભારતમાં આશરે દર મહિને 10 લાખ નોકરીઓનો ઉમેરો થાય છે અને આ પ્રક્રિયા આગામી 25 વર્ષ સુધી ચાલુ રહેશે. ભારતનો સમાવેશ વિશ્વના ભવિષ્યના ગ્રાહક વર્ગમાં થાય છે અને નજીકના વર્ષોમાં મેન્યુફેક્ચરીંગ, પ્રોડક્શન વગેરે ક્ષેત્રોમાં ભારતમાં ધમધમાટ જોવા મળશે." નિષ્ફળતા અંગે વાત કરતાં અમીને જણાવ્યું હતું કે ભારત એક સમાજ તરીકે નિષ્ફળતા સ્વિકારતો નથી, પરંતુ હકિકત એ છે કે આપણે નિષ્ફળ નહીં જઈએ તો ક્યારેય જાણી શકીશું નહીં કે તેનો સામનો કઈ રીતે કરવો. નિષ્ફળતાનો સામનો અને તેમાંથી પાર ઉતરવું તે એક ઉદ્યોગસાહસિકની મહત્વની લાક્ષણિકતા છે.
આઈટી સ્ટાર્ટઅપ ક્ષેત્રની પરિસ્થિતિ અંગે વાત કરતાં સ્કાયક્વેસ્ટ ટેકનોલોજી ગ્રુપના મેનેજીંગ ડિરેક્ટર આકાશ ભાવસારે જણાવ્યું કે "આઈટી અને આઈઓટી દ્વારા પ્રેરિત સ્ટાર્ટઅપમાં ઘણી તકો છે. આગામી 5 વર્ષમાં ફાર્મા અને હેલ્થ કેર, એન્જીનિયરીંગ, કેમિકલ અને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રે વધુ ગતિવિધિઓ હાથ ધરાશે."
બકેરી ગ્રુપના એમડી શ્રી પવન બકેરીએ માહિતી આપી હતી કે "આઈટી સેક્ટરમાં ઘણાં ઈનોવેશન્સ આવી રહ્યા છે અને આઈટી તેમજ રિયલ એસ્ટેટ ક્ષેત્રે જંગી ડેટા જનરેટ થઈ રહ્યો છે. ગુજરાતમાં જે નોંધપાત્ર વસતિ છે તે પોતાની માનસિકતા બદલીને સૌથી પહેલાં નીતિઓ તરફ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે."
ટાઈના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ચિરાગ પટેલે પેનલ ચર્ચામાં જણાવ્યું કે "સ્ટાર્ટઅપ એ સ્ટાર્ટઅપ છે અને બિઝનેસ એ બિઝનેસ છે. સમસ્યાને કઈ રીતે હલ કરવી અને ક્યાં મૂલ્યવૃધ્ધિ કરવી તે બાબત નક્કી કરે છે કે તમે કેટલા સફળ થઈ શકશો. જો તમે યોગ્ય તંત્ર વ્યવસ્થા ઉભી કરો તો પ્રતિભાઓ યોગ્ય રીતે ઘડાતી જાય છે."
પેનલીસ્ટોએ જે મુદ્દાઓની ચર્ચા કરી હતી તેમાં નિષ્ફળતાની જરૂરિયાત બાબતે વલણ, ઉદ્યોગસાહસિકતા, ખૂલ્લા ઈનોવેશન્સ, પ્રોત્સાહનોની જરૂરિયાત, કોર્પોરેટ વૃધ્ધિની ઊણપ અને એન્જલ ઈન્વેસ્ટર કોમ્યુનિટીને મજબૂત બનાવવા તરફ ધ્યાન કેન્દ્રિત કરવાનો સમાવેશ થાય છે.
બીજી એક પેનલ ચર્ચામાં વાઉ લેબ્ઝના સીઈઓ અને સહસ્થાપક અમિત સિંઘ, હેડસ્ટાર્ટ નેટવર્કના રમેશ લોગાનાથન, આઈઆઈટી હૈદ્રાબાદ ખાતે પ્રોફેસર કો-ઈનોવેશન અને ટીએસ ટ્રેડ ઈનોવેશન સેલનાચીફ ઈનોવેશન ઓફિસર (ઈન્ટ્રીમ) કેતના હીરજી, સ્ટાર્ટઅપ કન્સલ્ટન્ટ (યુકે), અનુપમ જલોટે સીઈઓ આઈક્રિએટ દ્વારા વ્યવસ્થા તંત્રના વિકાસ, પડકારો અને ઉત્તમ પ્રણાલિઓ અંગે ચર્ચા કરાઈ હતી. આ ચર્ચાનું સંચાલન અશ્વિન જોષી, સીઆઈઆઈઈ, આઈઆઈએમએના વીપી (ઈકો સિસ્ટમ ડેવલપમેન્ટ) દ્વારા કરાયું હતું.
ફીક્કી ગુજરાત સ્ટેટ કાઉન્સિલની સ્ટાર્ટઅપ સબ કમિટિના ચેરમેન અને સ્ટ્રેટેજીક એડવાઈઝર ઝાયડસ કેડિલા ગ્રુપ દ્વારા તેમની સમાપન નોંધમાં જણાવવામાં આવ્યું હતું કે તમામ સહયોગીઓ દ્વારા ભારતિય વ્યવસ્થામાં ઈનોવેશન સિસ્ટમને જે મુદ્દાઓનો સામનો કરવો પડે છે તેની અવાર નવાર ચર્ચા થાય તે જરૂરી છે. વિશ્વની ઉત્તમ પ્રણાલિઓનું દસ્તાવેજીકરણ થાય અને વધુને વધુ ઉદ્યોગસાહસિકો તેનો લાભ તે મહત્વનું છે. આ પ્રકારના સંવાદથી ઈન્ક્યુબેટર, ઈન્વેસ્ટર્સ, મેન્ટર્સ અને પોલિસી મેકર્સને સામેલ કરીને પોલિસી અને અમલના ક્ષેત્રે મહત્વના ઉપાયો હાથ ધરી શકાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે