''મહિલાઓની ઈનોવેટિવ ક્ષમતા બહાર લાવવા માટે મહિલાઓ બોલકી બને''
Trending Photos
અમદાવાદ: મહિલાઓની ઈનોવેટિવ ક્ષમતા બહાર લાવવા માટે જાણીતા મહિલા આગેવાનોએ બોલકા બનવાનો અભિગમ અપનાવવા જણાવ્યું હતું. ફીક્કી ગુજરાત દ્વારા આયોજીત એક સમારંભમાં એનઆઈડીના ડો. શિલ્પા દાસ, ઈસરોના અરૂંધતિ મિશ્રા રે, આઈઆઈએમ અમદાવાદના નિહારિકા વ્હોરા અને લેખિકા રક્ષા ભારડિયા વર્લ્ડ ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ડે પ્રસંગે અમદાવાદની એક હોટલમાં એક વિશેષ ચર્ચામાં સામેલ થયા હતા.
વર્ષ 2018ના થીમ “Powering Change: Women in Innovation and Creativity” વિષયે વાત કરતાં ડો. શિલ્પા દાસે જણાવ્યું હતું કે "મહિલાઓનું સશક્તિકરણ માત્ર નીતિઓ પૂરતુ જ સીમિત નથી. નીતિઓ એવી હોવી જોઈએ કે જે વ્યક્તિઓને ઈનોવેશન કરવા અને વિવિધ કામગીરીઓ નોંખી રીતે કરવા માટે પ્રોત્સાહિત કરે. એ કમનસીબ બાબત છે કે મહિલાઓ દ્વારા ફાઈલ કરવામાં આવેલી પેટન્ટની સંખ્યા ઘણી ઓછી છે. યુએસ પેટન્ટમાં માત્ર 7 ટકા મહિલાઓ ઈનોવેટર્સ તરીકે નોંધાયેલી છે."
આઈઆઈએમ અમદાવાદના નિહારીકા વ્હોરાએ જણાવ્યું કે ઈનોવેશન અને સર્જકતા એક બીજા સાથે સંબંધ ધરાવે છે અને દરેક વ્યક્તિમાં રચનાત્મક બનવાની ક્ષમતા પડેલી છે. ઈસરોના અરૂંધતી મિશ્રાએ એવો અભિપ્રાય દર્શાવ્યો હતો કે કૌશલ્ય હંમેશા ઈનોવેશનનો હિસ્સો બની રહેતું હોય છે. સર્જકતાને નિખારી શકાય છે, પરંતુ ઈનોવેશન માત્ર તમારા કૌશલ્ય અને માનસિકતામાંથી આવતું હોય છે. લેખિકા રક્ષા ભારડિયાએ જણાવ્યું હતું કે મહિલાઓ લોકોને જોડવામાં માહિર હોય છે અને આ તેમની અજાયબ શક્તિ છે.
આ વર્ષના વર્લ્ડ ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ડે ઝૂંબેશમાં મહિલાઓની તેજસ્વીતા, કૌશલ્ય, કુતૂહલ અને હિંમતને બિરદાવવામાં આવી હતી. મહિલાઓ આપણી દુનિયામાં પરિવર્તનને દિશા આપી રહી છે અને સામાન્ય માનવીના ભાવિને આકાર આપી રહી છે.
અમદાવાદ શહેરના આઈપી એટર્ની જતિન ત્રિવેદીએ તેમના આવકાર પ્રવચનમાં જણાવ્યું કે "આ વર્ષનો વિષય વૈશ્વિક પરિસ્થિતિના સંદર્ભમાં ખૂબ જ મહત્વનો છે. આજે સમગ્ર દુનિયા સમાનતાની અને જાતિય પૂર્વગ્રહ નહીં રાખવાની વાત કરી રહી છે."
પેનલ ચર્ચાના ભાગ રૂપે પેનલીસ્ટોએ જણાવ્યું હતું કે વિશ્વનું પેટન્ટનું માળખું બદલાયુ છે. મહિલાઓ દ્વારા લેવાતી મોટાભાગની પેટન્ટ બાયોટેકનોલોજી, ફાર્મસી અને બાયોલોજી જેવા ક્ષેત્રોમાંથી આવી રહી છે. હજુ પણ મહિલાઓએ મોટી ભૂમિકા બજાવવામાં ઘણાં અવરોધો છે. પેનલીસ્ટોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે પેટન્ટ ફાઈલીંગ અને કાનૂની ઔપચારિકતાઓ વિશે મહિલાઓમાં જાગૃતિ લાવવાનું ખૂબ જ મહત્વનું છે. તેમણે અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે મહિલાઓને સાંભળવામાં આવે તેવું તે ઈચ્છી રહી છે અને તેમની સર્જનાત્મકતાને પેટન્ટ દ્વારા પ્રોત્સાહન મળવું જોઈએ. મહિલાઓએ પણ પોતાનું નેટવર્ક ઉભુ કરીને મહિલાઓને પેટન્ટ રાઈટસ મેળવવા માટે પ્રોત્સાહિત કરવી જોઈએ અને એ બાબતની ખાત્રી રાખવી જોઈએ કે તે જાતિ અંગે મૈત્રીપૂર્ણ વ્યવહાર દાખવે. સર્જનાત્મકતા પસંદગીમાંથી પ્રાપ્ત થતી હોય છે અને ઈનોવેશન પરિણામલક્ષી હોય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે